બે મિત્રો એક દિવસ કોફી શોપમાં બેઠા બેઠા કંઈક વાત કરતા હતા. એક મિત્રએ કહ્યું કે તેની ઈચ્છા કોઈ એક કામ કરવાની છે અને પછી તેણે તેના મનમાં રહેલ તે ઈચ્છા અને કામ અંગે વિગતવાર વર્ણન કર્યું. બીજો મિત્ર તેની વાત ધ્યાનથી સાંભળતો રહ્યો અને જ્યારે તેનું એ વર્ણન પૂરું થઈ ગયું ત્યારે તેણે હસીને કહ્યું, ‘એ તો અશક્ય છે એવું તો કંઈ કરી શકાતું હશે?’

પહેલા મિત્ર એ આશ્ચર્ય થી પૂછ્યું, ‘કેમ નહીં?’

બીજો મિત્ર બોલ્યો, ‘આજ સુધી કોઈ પણ તેવું કરી જ નથી શક્યું. તું રેકોર્ડ જોઈ લે. કોઈ પણ આ કામ કરવામાં આજ સુધી સફળ રહ્યું નથી.’

આ બંને મિત્રો કયા કામની વાત કરતા હતા તે મહત્વનું નથી પરંતુ બીજા મિત્રએ આપેલું કારણ ખૂબ મહત્વનું છે કે આજ સુધી કોઈથી નથી થયું તો તારાથી કેમ થાય? માણસનો સ્વભાવ છે કે તે પોતે ન સાંભળેલું કે ન જાણેલું સત્ય સ્વીકારી શકતો નથી. પરંતુ જ્યારે એકાદ વ્યક્તિને તે કામ કરતા જુએ ત્યારે તેને લાગે છે કે હા આ તો શક્ય છે અને થઈ શકે તેવું છે. વર્ષો સુધી લોકો એવું માનતા હતા કે ચાર મિનિટથી ઓછા સમયમાં એક માઈલનું અંતર દોડવું માનવ શરીર માટે અશક્ય છે. એટલા માટે તો 1940ના દશકમાં બનેલો ચાર મિનિટ અને એક સેકન્ડનો રેકોર્ડ કોઈ તોડી શક્યું નહીં. પરંતુ જ્યારે રોજર બેનિસ્ટરે 1954માં તે રેકોર્ડ પ્રથમ વખત તોડ્યો ત્યારે સૌને લાગ્યું કે આ તો શક્ય છે અને પછી તો એક જ મહિનામાં બીજા દોડવીરે અને ત્યારબાદ ચાર વર્ષની અંદર અંદર બીજા ૨૦ ખેલાડીઓએ ચાર મિનિટની અંદર એક માઈલ દોડવાનું પરાક્રમ કર્યું અને આખરે ૧ માઈલ ૩ મિનિટ અને ૫૬ સેકન્ડમાં પૂરો કરવા સુધીનો વિક્રમ બન્યો.

એવું તે શું થયું કે એકવાર રેકોર્ડ તૂટ્યા પછી તરત જ લોકોમાં અચાનક જ ઝડપી દોડવાની તાકાત આવી ગઈ? અન્ય ઘટનાઓની જેમ આ બાબતનું પણ મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ થયું. એક નહીં પરંતુ કેટલાય લોકોએ કર્યું. તેઓનું તારણ એ છે કે માનવીનો સ્વભાવ ન જોયેલું અને ન જાણેલું સ્વીકારી શકતો નથી એટલા માટે જ્યાં સુધી એકેય વખત ચાર મિનિટથી ઓછા સમયમાં કોઈ એક માઈલનું અંતર દોડ્યું ન હતું ત્યાં સુધી લોકોના મનમાં એક મર્યાદા બંધાયેલી હતી. ચાર મિનિટ જાણે કે એક દિવાલની જેમ ઉભી હતી. તેની બહાર જવું અશક્ય છે તેવું રમતવીરોના મનમાં ભરાયેલું હતું. પરંતુ જ્યારે એક વ્યક્તિએ તે મર્યાદાનું હનન કર્યું કે તરત જ અન્ય રમતવીરો પણ માનસિક રીતે તૈયાર થઈ ગયા અને ચાર મિનિટની દીવાલ વારંવાર તૂટવા માંડી.

રમત ગમતના ક્ષેત્રમાં તદ્દન નવો વિક્રમ સ્થાપવાની વાત તો તેમ છતાંયે ઘણી મોટી વાત થઈ કહેવાય. પરંતુ આપણે તો રોજબરોજના જીવનમાં પણ લોકોની આવી જ માનસિકતા હોય છે. જે વ્યક્તિએ વિમાન જ ન જોયું હોય તેને તો એવું લાગે કે લોઢાનું હજારો કિલોનું માળખું હવામાં ઉડી શકે? જે વ્યક્તિને અવકાશ વિજ્ઞાનના સંશોધનો અંગે માહિતી ન હોય તે એ વાત પણ ન માની શકે કે કોઈ રોકેટ ચંદ્ર પર જઈ શકે અથવા અવકાશયાન લઈને વ્યક્તિ બ્રહ્માંડની સફર કરી શકે. અરે લોકો તો એ પણ માનવા તૈયાર નથી હોતા કે ફળ અને ફૂલોના એવા વિવિધ રંગો હોઈ શકે કે જે પોતે ક્યારેય જોયા જ ન હોય. આ વાત વ્યક્તિની માનસિકતાની મર્યાદા દર્શાવે છે અને તેનાથી મોટાભાગના લોકો વધતાઓછા અંશે પ્રભાવિત થતા હોય છે. આપણી સામે પડકાર એ છે કે આપણે પોતે આ મર્યાદિત માનસિકતાની વૃત્તિનો ભોગ કેટલા પ્રમાણમાં બની રહ્યા છીએ?

ક્યારેક તો એવું પણ જોવા મળ્યું છે કે વ્યક્તિ વાસ્તવિકતાથી નહીં પરંતુ પોતાની કલ્પનાશક્તિની મર્યાદાથી બંધાયેલો હોય છે. જ્યારે કલ્પનાશક્તિ ખુલે છે અને વિસ્તરે છે ત્યારે વ્યક્તિની વાસ્તવિક ક્ષિતિજો પણ વિસ્તાર પામે છે. કાલ્પનિક વિજ્ઞાનનાં લેખકોએ લખેલું ઘણું બધું ત્યારબાદના વર્ષોમાં વાસ્તવિક સાબિત થયું છે. લોકોએ જ્યારે કંઈક નવું થઈ શકે તેવી કલ્પના કરી છે અને તે કલ્પનાને સાકાર કરવા પ્રયત્ન શરૂ કર્યા છે ત્યારે સફળતા મળવામાં કંઈ ઝાઝી વાર લાગી નથી. માનવીએ વિચારવામાં જ વિલંબ કર્યો છે. વિચારોને વાસ્તવિકતામાં ફેરવવામાં તો કંઈ જ વાર લાગી નથી. આપણે જે એકવાર ધારી લીધું છે તે શક્ય બની જ ગયું છે. પરંતુ એ ધારણા કે નિર્ધાર કરવામાં કેટલો સમય લાગી ગયો હોય છે. એ નિશ્ચય મનમાં થાય તે પહેલા કેટલા બધા નકારાત્મક પાસાઓ આવીને તેને અવરોધતા હોય છે. જ્યારે આપણે તે અવરોધોને આઘા ખસેડતાં શીખી જઈએ ત્યારે આપણો નિર્ધાર સુદ્રઢ થઈ જ જાય પરંતુ તેની સાથે સાથે આપણી વાસ્તવિકતા પર ઘણી સુભોગ બની જાય.

કોઈએ કર્યું નથી એટલે આપણાથી થશે નહીં જેવી વાતો આપણા મિત્રો આપણને કરતા રહે કે પછી આપણું પોતાનું મન વિચારોને રુંધતું રહે ત્યારે એ બાબત યાદ કરવા જેવી છે કે વ્યક્તિ પોતાની ઈચ્છાઓથી નાનો કે મોટો બને છે. સમાજ અને વિજ્ઞાન પણ વ્યક્તિના નિર્ધારની મર્યાદા કે વિસ્તૃતતા પર આધાર રાખે છે. જેટલું બૃહદ પરિપ્રેક્ષ્ય કેળવીશું તેટલો જ વધારે વિકાસ જોઈશું.