કોઈ તમને વારેવારે મહેણાં મારે તો તમારું મન તેમના પ્રત્યે કડવું થઇ જાય છે. એકવાર એવું થયા પછી સ્થિતિ સુધારવામાં ઘણો સમય લાગી જાય છે. એવું જ તમે કોઈની સાથે કરો તો થઇ શકે. જયારે આપણે કોઈને કડવું બોલીએ, અને તે વારે વારે બોલતા રહીએ તો પછી સામેવાળી વ્યક્તિ આપણી ઈજ્જત કરવાનું છોડી દે છે. ભલે આપણે તેનાથી ઉંમરમાં મોટા હોઈએ, હોદ્દામાં મોટા હોઈએ, પરંતુ મહેણાં સાંભળી સાંભળીને વ્યક્તિ આપણાથી દૂર થતી જાય છે. તેના મનમાંથી આપણા પ્રત્યે આદર અને સમ્માન ઘટી જાય છે. પરિણામે તે આપણી સાથે તાદાત્મ્ય અનુભવી શકતી નથી. લાગણીના સંબંધો ખાટા થઇ જાય છે.
માણસને સૌથી વધારે કઈ પસંદ હોય તો તે સમ્માન છે. સમ્માનને ખાતર તો વ્યક્તિ પોતાનો જીવ જોખમમાં મૂકી દે છે. સમ્માન માટે તો માણસ તનતોડ મહેનત કરે છે, પ્રેમ કરે છે, નફરત કરે છે. ગુના કરે છે, દાન કરે છે અને કોઈએ વિચાર્યું ન હોય તેવા મુશ્કેલ સાહસ પણ કરે છે. જો આ સમ્માનને ડગમગાવે તેવું વર્તન કોઈ તેની સાથે કરે તો માણસ તેને પસંદ કરતો નથી. પોતાનું સમ્માન ન કરનાર સાથે તો વ્યક્તિ માત્ર મજબૂરીમાં જ રહે છે. કોઈના સમ્માનને ઠેંસ પહોંચે તેવા વચન કે વર્તનથી આપણે તે વ્યક્તિને ગુમાવી બેસીએ છીએ. અને એકવાર ગુમાવ્યા પછી આપણે ગમે તેટલો આદર આપવાની કોશિશ કરીએ તો પણ તે વ્યક્તિ આસાનીથી પાછી આવતી નથી. તેને પૈસાની લાલચ આપો, પ્રેમ આપો, સમ્માન આપો પરંતુ એકવાર જેનું સમ્માન ઘવાયું છે તે જલ્દીથી તમારી પાસે પાછા આવવામાં અચકાશે.
દ્રૌપદીના સમ્માનને ખાતર મહાભારત થયું કે પછી તેણે દુર્યોધનનું જે અપમાન કર્યું તેણે કારણે તેનું ચીરહરણ થયું તે પ્રશ્ન સદીઓથી ચર્ચાતો આવ્યો છે અને ચર્ચાતો રહેશે. પરંતુ એકવાત સ્પષ્ટ છે કે મહાભારતના યુદ્ધ પાછળનું મુખ્ય કારણ ધર્મ નહિ પરંતુ સમ્માન છે. ધર્મ તો બાદમાં આવ્યો. જુગાર રમીને હારેલી જમીન પાછી મેળવવા પાંડવો લડે તો તેના મૂળમાં ધર્મ તો ન જ કહેવાય. પરંતુ દ્રોપદી ન ચીરહરણ અને તેની લાજ રાખવા માટે થઈને યુદ્ધ લડવાનું થયું તો તે વ્યાજબી કારણ જરૂર કહી શકાય.
જે વ્યક્તિ પોતાનું સન્માન બાજુ પર મૂકીને સ્વાર્થ માટે થઈને કોઈની ચમચાગીરી કરે તેને સમાજ પણ માન આપતો નથી. પરંતુ પોતાના કે પરિવારના સન્માન માટે થઈને લડી લેનાર કે પોતાનો જીવ આપી દેનાર વ્યક્તિને આ સમાજ આદરની નજરે જુએ છે. પછી ભલે એ કાનૂની પગલું હોય કે ગેરકાનૂની. પોતાના માન માટે લડનાર બહારવટિયાઓની બહાદુરીની કથાઓ આજે પણ આપણો સમાજ આદરથી સાંભળે છે. હોલીવુડ એક્ટર વિલ સ્મિથ પોતાની પત્નીની મજાક ઉડાવનાર ક્રિશ રોકને એકેડમી એવોર્ડના કાર્યક્રમમાં પૂરી સભામાં થપ્પડ મારી દે તે ઘટનાને પણ લોકો માનથી વધાવે છે કારણ કે તેમાં એક પતિની પોતાની પત્નીના સમ્માન માટેની દાઝ દેખાય છે.
જે રીતે માણસ પોતાના જીવનની પાયાની જરૂરિયાતો માટે બધું કરી છૂટવા તૈયાર હોય છે તેવી જ રીતે તે પોતાના સન્માન માટે પણ બધું જ કરી છૂટવા તૈયાર થઈ જાય છે. ભૂખ અને તરસ પછી કદાચ ત્રીજું કોઈ પરિબળ હોય કે જે માણસને સૌથી વધારે પ્રેરિત કરે તો તે સન્માન જ હોઈ શકે. માટે કોઈનું સન્માન ઘવાય તેવું બોલતા કે વર્તન પહેલા તેની શું અસર થઈ શકે તે એકવાર ચકાસી લેવું જોઈએ.