બે-ત્રણ લોકોને એક કામ કરાવી આપવાની વિનંતી કરી હોય અને તે કામ થઇ જાય તો નક્કી કેમ થાય કે કોની મહેનતથી એ કામ થયું છે? આવી સ્થિતિમાં આપણે કેટલીયવાર એવી અસમંજસમાં મુકાઈએ છીએ કે એ બે-ત્રણ વ્યક્તિ પૈકી કોને થેન્ક યુ કહેવું.
કોઈક વખત કામ એવું જરૂરી હોય છે કે આપણે જ્યાં પણ આશા જણાય ત્યાં બધે જ ભલામણ કરતા હોઈએ છીએ. અજાણ્યા વ્યક્તિની પણ ક્યાંકથી ઓળખાણ કાઢીને કોઈક રીતે કામ પાર પડી જાય તેવો પ્રયત્ન કરીએ છીએ. આવી ત્રણ-ચાર વ્યક્તિ પૈકી એકાદ માણસ તો એવો પણ હોય છે કે જેના પર આપણને કોઈ ઉમ્મીદ હોતી નથી પરંતુ તેમ છતાંય તેને અવગણવાનું રિસ્ક આપણે લેતા નથી. આપણે જાણતા હોઈએ કે તે વ્યક્તિ આપણા માટે એકેય ફોન પણ નહિ કરે અને જરાય પ્રયત્ન નહિ કરે તો પણ તેને ભલામણ ન કરવા જેવો ખતરો લેવા કરતા તેને વિનંતી કરી લેવામાં કઈ વાંધો નહિ તેવું વિચારીને આપણે કોશિશ કરી લઈએ છીએ.
આ રીતે બધી બાજુથી લાગવગ અને ભલામણો લગાવી લગાવીને કોઈ કામ કરાવ્યું હોય અને પરિણામ આવી ગયા પછી કોને ફોન કરીને થેન્ક યુ કહેવું તેની મુશ્કેલી ઉભી થતી હોય છે. આવા સમયે થાય છે એવું કે જેને પણ કહો તે દરેક વ્યક્તિ કહેવાની કે મેં જ તમારું કામ કરાવ્યું છે. આપણી પાસે તેમની વાત સ્વીકારવા સિવાય બીજો કોઈ માર્ગ હોતો નથી. પરંતુ શક્ય છે કે આ ત્રણ-ચાર પૈકી એકાદ વ્યક્તિએ આપણા માટે કોઈ ભલામણ ન પણ કરી હોય તેમ છતાંય તે યશ લેવાની કોશિશ કરે. તો શું તેને થેન્ક યુ કહેવું યોગ્ય છે?
કેટલાક લોકો એવું વિચારે કે આપણને ખબર તો નથી કે કોઈએ આપણે માટે કઈ મહેનત કરી પણ છે કે નહિ તો પછી શા માટે બધાને જશ આપવો? એવી ટૂંકી બુદ્ધિ વાપરીને જો આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું ભૂલી જઈએ તો વાસ્તવમાં બહુ મોટું નુકશાન કરતા હોઈએ છીએ અને ભવિષ્ય માટે ઘણા રસ્તાઓ બંધ કરી દઈએ છીએ. જે વ્યક્તિએ આપણા માટે મહેનત કરી હોય, કોઈને ફોન-મેસેજ કર્યા હોય તેને આપણું કામ થાયે આપણે જાણ પણ ન કરીએ અને તેને બીજા કોઈ પાસેથી જાણવા મળે તો તેને તો આઘાત લાગે જ અને પછી બીજીવાર તે આપણા માટે જ નહિ પરંતુ બીજા કોઈ માટે પણ મહેનત કરતા પહેલા દશ વાર વિચાર કરે.
એવું ન થાય એટલા માટે, એવા સારા વ્યક્તિ માટે કે જેણે આપણી મદદ કરવા પોતાના કોન્ટેક્ટનો સંપર્ક કર્યો હોય, મહેનત કરી હોય તેને જરૂર થેન્ક યુ કહેવું જોઈએ અને બને તે રીતે આભાર વ્યક્ત કરવો જોઈએ. એ એકાદ વ્યક્તિ માટે થઈને ભલે બીજી બે વ્યક્તિ નાહકનો જશ લઇ જાય તો પણ વાંધો નહિ. વળી એ પણ શક્ય છે કે દરેકે પોતપોતાનાથી બનતી મહેનત કરી હોય અને તેમના સૌના પ્રયત્નના ભોગે આપણું કામ પાર પડ્યું હોય. ક્યારેક દરેકના અલગ અલગ કોન્ટેક્ટ અલગ અલગ રીતે આપણને મદદરૂપ બન્યા હોય તેવું શક્ય છે.
એટલા માટે જયારે પણ એવી પરિસ્થિતિ આવે કે આપણું કામ પાર પડી જાય અને તે કામ માટે અમુક લોકોને પહેલા જ રિકવેસ્ટ કરી હોય તો તરત તેમને જાતે જ જાણ કરવી જોઈએ, તેમાં વિલંબ ન કરવો. સંબંધ સારી વાણી અને સ્પષ્ટ સંચારના માધ્યમથી જ જળવાય છે. તેમાં કાચા પડીયે તો ઉગેલા ઝાડના મૂળમાં મીઠું નાખવા જેવી ભૂલ થાય.