હકીકત જાણવા છતાંય અવગણવાથી મોટું નુકશાન થઇ શકે છે આ વાતથી આપણે વાકેફ છીએ તેમ છતાંય રોજબરોજના જીવનમાં આપણે એવું કરતા હોઈએ છીએ. ખબર હોય કે જુગાર રમવું સારું નહિ, તેમ છતાંય કેટલાય લોકો જુગાર રમી રમીને રસ્તે રઝળતા થઇ જતા હોય તેવા દાખલા છે. આપણા જેવા સામાન્ય લોકોની શું વાત કરવી, પાંડવો પણ જુગાર રમવાને કારણે જ તો દ્રૌપદીને હાર્યા હતા અને ૧૨ વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો હતો. કૃષ્ણના પોતાના યાદવ કુળનો નાશ પણ મદ્યપાન એટલે કે શરાબના સેવનને કારણે જ થયેલો. આજના જમાનામાં પણ લોકો કેટલુંય જાણવા છતાં તેને અવગણતા હોય છે અને પરિણામે નુકશાન ભોગવવું પડતું હોય છે.
પ્રેમી પંખીડાને આ વાત કહો તો તેઓ તો જવાબમાં તરત જ ગાલિબનો શેર કહી દે: ઇશ્ક નહિ આસાન એય ગાલિબ, એક આગકા દરિયા હૈ ઔર ડૂબ કે જાના હૈ – અને પછી કહે કે અમે તો જાણવા છતાંય પ્રેમ કર્યો છે. આ આગના દરિયામાં ડૂબવાની તૈયારી છે અમારી. સળગતી મીણબત્તી પર પતંગિયા મંડરાતા રહે અને તેની લો માં સળગીને ખતમ થઇ જાય તેને માટે જ આપણી હિન્દી ફિલ્મોમાં વારેવારે શમા પર ન્યોછાવર થતા પરવાનાના ઉદાહરણ આપવામાં આવતા હોય છે. વાસ્તવિક જીવનમાં પણ કેટલાય લોકો છોકરા કે છોકરીના સ્વભાવ અંગે જાણવા છતાંય પ્રેમ કરતા હોય છે અને પછી પછ્તાવું પડતું હોય તેવું પણ બને છે. પરંતુ શું થાય – પ્રેમ તો આંધળો છે ને?
મોટું નુકશાન તો ત્યારે થાય કે જયારે વ્યક્તિ વેપારમાં પણ વાસ્તવિકતા જાણવા છતાંય કોઈ શંકાસ્પદ પાર્ટી સાથે ડીલ કરે, લેણદેણ કરે, અને તેને નાણા ગુમાવવાનો વારો આવે. આવું થતા લોકો કહે પણ ખરા કે ‘જેની સાથે વેપાર કરે છે તેના વિષે થોડી માહિતી તો મેળવવી જોઈએ ને?’ પરંતુ ખરેખર તો આ માહિતી હોવા છતાંય નિર્ણય કર્યો હોય તો હવે શું થાય? કરેલું ભોગવવું જ પડે ને? ક્યારેક આપણે આ રીતે ખતરાનો અંદેશો હોવા છતાંય નિર્ણય કરીએ તેને રિસ્ક લીધું એવું કહેતા હોઈએ છીએ અને તેના માટે આપણી પાસે વ્યાજબી કારણો પણ હોય શકે. જેમ કે કોઈ પોતાનો સ્ટાર્ટઅપનો આઈડિયા અમલમાં મુકવા સારા પગારની નોકરી છોડે અને બેન્કમાંથી લોન લઈને, પોતાનું બધું ગીરવે મૂકીને સ્ટાર્ટઅપ શરુ કરે. આ માણસ જાણતો હોય છે કે સ્ટાર્ટઅપમાં રિસ્ક છે, ખતરો છે, પરંતુ તેમ છતાંય તે એક સમજણપૂર્વકનું રિસ્ક લેતો હોય છે. જો તેમાં સફળ થાય તો તેનો બેડો પાર થઇ જાય પરંતુ નિષ્ફળ જવાનો ખતરો પણ બહુ મોટો હોય છે. આ રીતે જાણવા છતાંય અવગણીને તે એક કેલ્ક્યુલેટેડ રિસ્ક લે છે, ગણતરીપૂર્વકનું સાહસ કરે છે.
કેટલાક લોકો આ રીતે ગણતરી વાળા નહિ પરંતુ પોતાના આવેશમાં આવીને પણ ખતરો મોડી લેતા હોય છે. જેમ કે જુગાર રમવાની લત. અથવા કોઈને કમાણી કરતા વધારે ખર્ચ કરવાની આદત હોય છે અને તેને માટે ઉધાર પણ લીધા કરે છે. આ પ્રકારે ઉધારી ચડાવીને પછી જયારે વ્યાજ ભરવાનો વારો આવે ત્યારે બહુ મોટું નુકશાન વેઠે છે. ક્યારેક તો ઉધારી ન ચૂકવી શકવાને કારણે ઘરેણાં કે ઘરબાર વેચાઈ જાય છે અને માણસ બરબાદ થઇ જાય છે. આ વખતે તેણે લીધેલ બિનવ્યાજબી રિસ્ક જવાબદાર હોય છે અને તેણે અવગણી શકાય તેમ હોવા છતાંય માણસ પોતાના આંતરિક આવેશ કે લાગણીઓને કારણે રોકાતો નથી.
શું તમે પણ ક્યારેય આ પ્રકારે જાણવા છતાંય ખતરાને અવગણીને આગળ વધો છો? રિસ્ક લો છો? અને જો હા, તો તે ગણતરીપૂર્વકનું રિસ્ક છે કે પછી માત્ર લાગણીના ઉભરાને કારણે લીધેલો આવેગિક નિર્ણય છે? જાણવાનો અર્થ એ નથી કે તમારા નિર્ણય માટે આવશ્યક બધી જ માહિતી તમારે હાથવગી હોય, પરંતુ જો થોડી મહેનત કરીને તે ઉપલબ્ધ કરી શકાય તેમ હોય અને તેમ છતાંય તમે તે માહિતી મેળવ્યા વિના કોઈ નિર્ણય કરો તો તે પણ જાણવા છતાંય અવગણ્યું જ કહેવાય. આવી રીતે જાણીજોઈને આંખ આડા કાન કરવાની આદત માણસને ઘણીવાર ધૂળ ચટાવી દેતી હોય છે તે વાત યાદ રાખવી જોઈએ.