જીવનના કેટલાક પડાવ એવા હોય છે કે જે આપણા માટે સૌથી વધારે યાદગાર અને મહત્ત્વપૂર્ણ બની રહે છે. જેમ કે ગાંધીજી ના જીવનમાં તેમને દક્ષિણ આફ્રિકામાં રેલવેના પ્રથમ વર્ગના ડબ્બામાંથી ટિકિટ હોવા છતાંય ઉતારી દેવાની ઘટના ખુબ મહત્ત્વની છે. તેને કારણે ગાંધી એક વકીલથી વધીને એક સત્યાગ્રહી બન્યા. આ ઘટના ન બની હોત તો વિશ્વને સત્યાગ્રહનો રાહ જ ન મળ્યો હોત. વાસ્તવમાં તો આ ઘટના માત્ર ગાંધી માટે નહિ પરંતુ વિશ્વ આખા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઇ કહેવાય. તેવી જ બીજી એક ઘટના ગાંધીના જીવનમાં બની જયારે તેઓ ભારત પાછા આવ્યા બાદ દેશના પ્રવાસે નીકળેલા. ઓરિસ્સાના એક ગામડામાં તેઓએ એક સ્ત્રીને નદી પર નહતી જોઈ. તેની પાસે એક જ સાડી હતી એટલે તે અડધી સાડી ધોઈને સૂકવતી અને પછી તે ભાગ શરીરે લપેટીને બાકીની સાડી ધોઈને સૂકવતી હતી. આ ઘટનાથી ગાંધીનું હૃદય દ્રવી ઉઠ્યું. તેઓએ સંકલ્પ કર્યો કે હવે થી તેઓ માત્ર એક લંગોટ જ પહેરશે. આ દિવસ બાદ તેઓએ ક્યારેય એક લંગોટ સિવાય બીજું કોઈ કપડું શરીરે પહેર્યું નહિ.
વાલ્મિકી ઋષિ બન્યા ત્યાર પહેલા જંગલમાં લોકોને લુંટાતા હતા તે વાતથી પણ આપણે સૌ વાકેફ છીએ. એ વાલ્યાં લૂંટારાને એક દિવસ નારદમુનિ મળે છે અને તેમને લૂંટવાની કોશિશ કરતા એ લૂંટારાને ઋષિ એક જ પ્રશ્ન પૂછે છે: તું આ પાપના કામ પરિવારનું પેટ ભરવા માટે કરતો હોઈશ. પરંતુ શું તને ખાતરી છે કે તેઓ પણ તારા આ પાપમાં ભાગીદાર બનવા તૈયાર થશે? આ પ્રશ્નો જવાબ તો વાલ્યાના ઘરના લોકોએ સ્પષ્ટ ના કહીને આપેલો. ત્યારબાદ એ લૂંટારો ઋષિ બન્યો અને તેમને આગળ જતા રામાયણની રચના કરેલી. જો કઈ કઈએ રામને વનવાસ ન આપ્યો હોત તો રામાયણ બની જ ન હોત, અને જો પાંડવો જુગાર રમીને તેમાં દ્રૌપદીને હાર્યા ન હોત તો મહાભારતના યુદ્ધની આવશ્યકતા જ ન પડત. આવા તો કેટકેટલાય પ્રસંગો અને કિસ્સાઓ ટાંકી શકાય જે પુરવાર કરે છે કે બહુ મોટા પરિવર્તનો માટે માત્ર એક નાની સરખી ઉદીપક સમાન ઘટના જ જવાબદાર હોય છે. તેને કારણે બધું જ તહસ મહસ થઇ શકે છે અથવા તો એવું જટિલ સર્જન ઉભું થાય છે કે કોઈએ કલ્પના પણ ન કરી હોય.
જીવનમાં કેટલીય વખત આવી ઓચિંતી પરિસ્થિતિ આવી જતી હોય છે જેને કારણે આપણને બહુમૂલ્ય જ્ઞાન કે અનુભવ પ્રાપ્ત થાય છે જેનાથી આપણે એવા નિર્ણય કરીએ છીએ જે આપણા જીવનમાં આમૂલ પરિવર્તન લાવી દે છે. આવી ઘટના બને ત્યારે તેને વધાવી લેવી જોઈએ કેમ કે તેને કારણે જ તો આપણા જીવનમાં અતિ આવશ્યક એવા પરિવર્તન આવી શકે છે. ઈયળમાંથી પતંગિયું બનવાની પ્રક્રિયાના મૂળમાં તો એ મધમાખીનો ડંખ જ રહેલો છેને? જો ઈયળ એ ડંખનું દર્દ સહન ન કરી શકે તો સુંદર પતંગિયાનો જન્મ ન જ થઇ શકે. આવા ડંખને જીરવવાની આવડત કેળવવી આપણા સૌ માટે આવશ્યક છે. જો તે ન હોય તો આપણે દર્દ તો ભોગવી જાણીએ પરંતુ તેના પરિણામે મળનાર સુંદરતા અને મીઠાશ ક્યારેય પામી ન શકીએ.
શું તમારા જીવનમાં પણ આવી કોઈ ઘટના કે અનુભવ થયો છે?