કોઈ દેશને સમજવા માટે, કોઈ પ્રજાને સમજવા માટે સૌથી વધારે મહત્ત્વની કડી શું હોઈ શકે? જયારે અંગ્રેજો ભારતમાં આવ્યા અને તેઓએ આપણા પર રાજ સ્થાપ્યું તે પુરી પ્રક્રિયા દરમિયાન તેઓએ આપણા ઇતિહાસ અને સંસ્કૃતિનો અભ્યાસ કર્યો. દરેક સમાજની તત્કાલીન સ્થિતિ તેના ઇતિહાસ અને રાજકારણ પર મોટો આધાર રાખે છે. વીરતા, વેપાર, ખંત અને સાહસિકતા પ્રજામાં છે કે કેમ તે માત્ર વર્તમાન જ નહિ પરંતુ ભૂતકાળની કેટલીય ઘટનાઓ પર આધાર રાખે છે. સમાજ કે સમુદાયના આ બધા જ ગુણો એક દિવસમાં વિકસતા નથી પરંતુ ધીમે ધીમે તેમાં સિંચાય છે. એ સિંચન કેટલાય પરિબળોના આધારે આકાર લે છે. કોઈ પ્રજા કે જેણે અનેક પ્રતિકૂળતાઓનો સામનો કર્યો હોય તેની સહનશીલતા વધારે હોય છે, જયારે હંમેશા સાનુકૂળ સંજોગો પ્રાપ્ત થયા હોય તે લોકો માટે કપરી સ્થિતિ આવી ચડે તો કઠિન થઇ પડે છે.

ભારતના લોકોનો અભ્યાસ કરીએ, અલગ અલગ રાજ્યના અને ક્ષેત્રના લોકોને સમજવાની કોશિશ કરીએ તો આ બાબત તરત જ સ્પષ્ટ થઇ જાય છે. ગુજરાતના લોકો સાહસિક છે, વેપારખેડુ છે અને મહેનતુ છે તેવી જ રીતે બંગાળના લોકો પ્રવાસી છે અને અભ્યાસી છે. પંજાબ અને હરિયાણાના લોકો લડાયક અને બહાદુર છે, મજબૂત બાંધાના છે જયારે બિહારના કે યુપીના લોકો ખુબ મહેનતુ અને કૃષિપ્રધાન છે. દક્ષિણ ભારતમાં તામિલનાડુ અને કેરાલાના લોકો પણ દરિયાખેડુ અને અભ્યાસુ છે. આ બધા ગુણો મોટાભાગે ઐતિહાસિક સમયથી તેમનામાં રોપાયેલા છે અને ધીમે ધીમે વર્તમાન સમય સાથે અનુકૂલન સાધતા જાય છે. પરિસ્થિતિ અનુસાર લોકો પોતાની આવડત કેળવતા જાય છે.

આ બાબતને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચકાસી શકાય. જાપાનના લોકો ખુબ મહેનતી, વિનમ્ર અને સ્વાભિમાની છે, અમેરિકાના કે ઓસ્ટ્રેલિયાના લોકો કેટલીય રીતે પોતાના અધિકાર અને વર્ચસ્વને પ્રાધાન્ય આપનારા અને લડાયક છે. યુરોપના કેટલાય દેશના લોકોએ મધ્યયુગમાં બહુ સાહસ કર્યું અને તેનાથી ધન, સંપત્તિ અને વર્ચસ્વ પ્રાપ્ત કર્યું તેની અસર આજના તેમના સ્વભાવમાં સ્પષ્ટ દેખાય છે. નવા સંશોધનો કરવામાં અને વિશ્વને નિયમ, કાયદા આપવામાં તેઓ આગળ પડતા હોય છે.

પરંતુ આવા સામાન્યકરણની સીમા કેટલી રાખી શકાય તે એક પ્રશ્ન છે. જેમ કે આપણે ગુજરાત માટે અહીં જે કહ્યું તેનું વધારે બારીકાઈથી વિશ્લેષણ કરીએ તો એક રાજ્યમાં પણ અલગ અલગ ક્ષેત્રોમાં લોકોનો સ્વભાવ બદલાય છે, તેમની પ્રાથમિકતા બદલાય છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના લોકોમાં પણ ઘણું વિચાર વૈવિધ્ય જોવા મળે છે. તેમની ભાષા, ખાણીપીણી, પોશાક વગેરે પણ ખરેખર તો ભૌગોલિક, ઐતિહાસિક અને રાજકીય સ્થિતિઓના આધારે ઘડાયા હોય છે.

તમે જ્યાં રહો છો તે વિસ્તારનું એવું અવલોકોન કરી જુઓ અને ત્યાં રહેતા લોકોના વેશભૂષા, ખોરાક, ભાષા, તેમનો ઇતિહાસ, ત્યાંની ભૂગોળ, વરસાદનું પ્રમાણ, સૂર્યપ્રકાશ, ગરમી-ઠંડી વગેરે ઉપરાંત ત્યાંની નદી અને પહાડ, ખેતરો અને પાક, આ બધું જોશો તો સમજાશે કે તેની પાછળ ભૂતકાળની ઘટનાઓ અને પરિસ્થિતિઓનો ખુબ મોટો ફાળો છે. જે દેશ કે સમાજ વર્ષો સુધી કોઈ ખાસ પ્રકાશની સ્થિતિનો ભોગ બન્યો હોય તેની માનસિકતામાં તે ઊંડે ઊંડે સુધી ઉતારી ગઈ હોય છે અને તેનું આજનું વર્તન પણ એ પ્રમાણે જ ઘડાયેલું હોય છે. જે લોકોને અનેક આક્રમણોનો સામનો કરવો પડ્યો હોય તેઓ હંમેશા ચોકન્ના રહે છે, જેમને હંમેશા સુખદ જીવન જીવ્યું હોય તેઓ કોન્ફિડેન્ટ રહે છે, અછતમાં રહેલું પ્રજા સંઘરું બને છે, અને રાજ કરેલી પ્રજા અડગ અને આગ્રહી બને છે. આ બધું તેમના સાહિત્યમાં, તેમના લખાણમાં, લોકગીતોમાં અને લોકવાર્તાઓમાં પણ સાફ સાફ જોવા મળે છે.

જો કે આ બધું સમય સાથે બદલી શકાય છે, પરંતુ તેના માટે સમાજના નેતાઓએ સક્રિય અને સમજદારીપૂર્વકના પ્રયત્નો કરવા પડે છે. ક્યારેક ક્યારેક વિદેશના લોકો પણ આવા પ્રયત્નો કરતા હોય તેવું બની શકે. આ પ્રયત્ન વર્ષો માંગી લે છે અને પરિણામ ધીમું હોય છે. પરંતુ એકવાર પ્રજાનું માનસ પરિવર્તન થાય પછી ફરીથી તેને સુધારવું કે બદલાવું ઘણું મુશ્કેલ છે.

Don’t miss new articles