૧૮ થી ૨૪ મે ૨૦૨૦ દરમિયાન મેન્ટલ હેલ્થ અવેરનેસ વીક ઉજવાયુ. વર્ષ ૨૦૦૧થી મેન્ટલ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા દરવર્ષે મેન્ટલ હેલ્થ અવેરનેસ વીક ઉજવાય છે. તેના માટે દરવર્ષે એક વિષય નક્કી કરવામાં આવે છે. પહેલા ૨૦૨૦ના વર્ષનો વિષય ‘સ્લીપ – ઊંઘ’ રાખવામાં આવેલો પરંતુ કોરોનાવાઇરસને કારણે તેને બદલીને ‘કાઈન્ડનેસ – ભલાઈ’ કરવામાં આવ્યો. 


વિશ્વભરમાં કોરોનાને કારણે થઇ રહેલી તબાહીને પહોંચી વળવા લોકોએ કાઈન્ડનેસ – ભલાઈ અને જનરોસિટી – ઉદારતા બતાવવાની જરૂર છે. જે લોકો આ સમયમાં સંસાધનોથી વંચિત હોય તેમને મદદ કરવાની ભલાઈ દાખવવી આજની તાતી જરૂરિયાત છે. મેન્ટલ હેલ્થ – માનસિક આરોગ્ય અનેક પરિબળો પર આધાર રાખે છે. આ બાબતે મનોવૈજ્ઞાનિકો અને પ્રોફેશનલ થેરાપિસ્ટ આપણને સલાહ આપતા હોય છે. પરંતુ વર્ષોથી મેન્ટલ હેલ્થ જાળવવાનો જે અસરકારક અને સચોટ  ઉપાય રહ્યો છે તે છે બીજાનું ભલું કરીને તેમાંથી ખુશી મેળવવી. 


દરેક ધર્મમાં માનવ સેવાનું મહત્વ આંકવામાં આવ્યું છે. ગુજરાતમાં તો અનેક સદાવ્રત વર્ષોથી ચાલે છે. વીરપુરના જલારામ બાપાના મંદિરમાં, ભાવનગર પાસે બાપાસીતારામની જગ્યાએ અને સતાધારમાં આપાગીગાના મંદિરમાં હજારોની સંખ્યામાં લોકો રોજ જમે છે. પંજાબીઓની ગુરુદ્વારામાં લંગર યોજવાની પ્રથા પણ આવી જ છે. ભોજન ઉપરાંત અનેક રીતે લોકોની મદદ કરીને લોકો તેને પુણ્ય માને છે. દાન-પુણ્ય દ્વારા લોકોને મદદ કરીને જે માનસિક સંતોષ મળે છે તે લોકોની માનસિક તંદુરસ્તી જાળવવામાં ખુબ મદદરૂપ થાય છે. આપણે તેને ધર્મ સાથે જોડીને ભલાઈ કરવાનું, ઉદારતા દાખવવાનું મહત્વ અનેરું વધારી દીધું છે. 


કોઈ ઘરડા પાડોસીને કરિયાણું લાવી આપવું કે ગરીબ વ્યક્તિને જરૂરી દવા અપાવવી ભલાઈ છે. કોઈ નબળા વિદ્યાર્થીને ભણવામાં મદદ કરવી કે પછી કોઈને થોડો સમય આશરો આપવો. યાતાયાત બંધ હોવાને કારણે અહીં ફસાયેલા પ્રવાસીઓને કોઈ રીતે મદદરૂપ બનવું. આવી કોઈ પણ રીતે ભલાઈ કરી શકાય. આ ભલાઈની આપણા મન પર ખુબ સકારાત્મક અસર થાય છે અને તે આપણા માનસિક આરોગ્યને, મેન્ટલ હેલ્થને સારી રાખવામાં મદદ કરે છે. 


સંત કબીર કહે છે ને કે કર્મના ફળ તાત્કાલિક મળે છે. કોઈનું બૂરું ન કરો. ભલાને ભલાઈ અને બૂરાને બુરાઈ પ્રાપ્ત થાય છે. 


काल काम ततकाल है, बुरा ना कीजै कोई

भलै भलाई पै लहै बुरे बुराई होई।


રામાયણમાં રામસેતુ બનાવવા ખિસકોલી નાના કાંકરા-પથ્થર ઉઠાવીને મદદ કરી રહી હતી. ભગવાન રામે તેને હાથમાં ઉઠાવીને તેના માથે હાથ ફેરવતા ખિસકોલીના શરીરે સોનેરી પટ્ટા બન્યા તેવી કથા છે. તે દર્શાવે છે કે આપણે કરેલી ભલાઈ કેટલી પણ નાની હોય, તેની નોંધ જરૂર લેવાય છે. નેકી કર દરિયામેં ડાલની કહેવત પણ આપણને સતત ભલાઈ કરીને ભૂલી જવાની, ફળની આશા ન રાખવાની શીખ આપે છે.

આવી તો હજારો વાર્તાઓ, કહેવાતો અને કિસ્સાઓ મળી રહેશે જે ભલાઈનું મહત્વ સમજાવતા હોય. પરંતુ આપણા માટે અત્યારે તો એક જ વાત છે. ભલાઈ કરવાથી માનસિક તંદુરસ્તી સુધરે છે. જો કે માનસિક આરોગ્ય જાળવવાના અનેક તરીકા છે પરંતુ આ વર્ષનું થીમ જ કાઈન્ડનેસ હોવાથી તેના વિષે ચર્ચા કરી છે. 

Don’t miss new articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *