અમારું શહેર આમ તો નાનું. લગભગ ચાલીસ હજાર લોકોની વસ્તી. પૈસે ટકે અને ખાધે પીધે બધા સુખી. રોજબરોજની જરૂરિયાતની નાની-મોટી બધી વસ્તુઓ મળી રહે અમારા શહેરમાં પરંતુ પિઝા અને બર્ગર બનાવનાર કોઈ નહોતું. આખરે એક વેપારીએ શહેરમાં પહેલું પિઝા બર્ગર બનાવતું રેસ્ટોરન્ટ ખોલ્યું. ખુબ સરસ બિલ્ડીંગ, સરસ ફર્નિચર અને યુનિફોર્મ વાળા સ્ટાફ સાથે એરકંડીશન વાળું આધુનિક રેસ્ટોરન્ટ ખુલ્યું જેની વિશેષતા જ પિઝા, બર્ગરની હતી એટલે શહેરના સૌ લોકો ઉત્સાહમાં આવ્યા. ઉદ્ઘાટન થયું અને થોડા દિવસ તો લોકોની લાઈન લાગી. સૌ પોતાના સ્ટેટસમાં એ રેસ્ટોરન્ટમાં ગયાના ફોટો મૂકે અને પોતાના ઓળખીતા લોકોને વાત પણ કરે. પરંતુ છ મહિના પછી એ રેસ્ટોરન્ટ બંધ થઇ ગયું.

કેમ? સૌને આશ્ચર્ય થયું. જે લોકો જમી આવ્યા હતા તેમણે વિશ્લેષણ કરવાનું શરુ કર્યું. ટેસ્ટ તો સારો હતો. સર્વિસ પણ સારી હતી. તો પછી કેમ એ રેસ્ટોરન્ટ છ મહિનામાં બંધ થઇ ગયું? કારણ એ હતું કે રેસ્ટોરન્ટ મોંઘુ હતું. મોડર્ન અને લક્ષરી રેસ્ટોરન્ટ અને શહેરનું એકમાત્ર પિઝા, બર્ગર વેંચતું રેસ્ટોરન્ટ છે એટલે લોકો તો આવશે જ તેવું વિચારીને માલિકે ભાવ ઊંચા રાખેલા. નાના શહેરમાં લોકો એક-બે વખત, વારેતહેવારે તો મોંઘા રેસ્ટોરન્ટમાં જઈ શકે પરંતુ શું તેઓ દર રવિવારે હજાર રૂપિયાનું બિલ બનાવવા તૈયાર છે તેવું પૂછવામાં આવે તો જવાબ નકારાત્મક જ આવે. આ રેસ્ટોરન્ટમાં બધું જ સારું હોવા છતાંય તેની એક કમી કે તે ત્યાંના સ્થાનિક લોકોના બજેટમાં બંધ ન બેસી શક્યું એટલે બંધ થઇ ગયું તે દરેક વેપારી માટે જ નહિ પરંતુ સામાન્ય માણસ માટે પણ સમજવા જેવી વાત છે.

વ્યક્તિ ક્યારેય કોઈ પ્લાનિંગ કરે ત્યારે તેને ઘણા પાસા સમજવા પડતા હોય છે. બિઝનેસ શરુ કરતા પહેલા વેપારીએ એ તો સમજ્યું કે શહેરમાં એકેય પિઝા, બર્ગર પીરસતું રેસ્ટોરન્ટ નથી પરંતુ તેમણે કદાચ એ અભ્યાસ ન કર્યો કે શહેરના લોકો સરેરાશ અઠવાડિયામાં કેટલા પૈસા બહાર જમવા જવા માટે ખર્ચે છે? તેને લાગ્યું કે હાઈ-કલાસ રેસ્ટોરન્ટ બનાવીએ, ઊંચા ભાવ રાખીએ અને સૌથી ઉચ્ચ કક્ષાના રેસ્ટોરન્ટ તરીકે સ્થાપિત થઈએ. પરંતુ જયારે લોકોની પૈસા ખર્ચવાની ક્ષમતા કે આદત કરવા વધારે ઉપર જતા રહો ત્યારે તમે સોનુ આપતા હોય તો પણ શા કામનું? સફળતા માટે કેટલીય રણનીતિ બનાવવી પડતી હોય છે પરંતુ એક ખોટી રણનીતિ તમારા બિઝનેસ કે પ્લાંનિંગને નિષ્ફળ કરી શકે છે તેનું આ ઉદાહરણ છે.

આપણે સામાન્ય રીતે સફળ આયોજન અને અમલ વિષે વાંચીએ છીએ. તેમની લોકો પ્રસંશા કરતા થાકતા નથી પરંતુ જયારે વાત આવે નિષ્ફળ પ્લાંનિંગની, તેમાં રહેલી ખામીઓના અભ્યાસ કરવાની ત્યારે ઘણીવાર આપણી સામે બહુ ઓછા ઉદાહરણ હોય છે. સામાન્ય રીતે નિષ્ફળ રણનીતિની પહેલી નિશાની એ છે કે તે અઘરા શબ્દો અને વ્યાખ્યાઓથી સમજાવવામાં આવી હોય છે. સરળતાથી જે ન સમજાવી શકાય તેનો સફળતાથી અમલ પણ ન થઇ શકે તે એક સત્ય છે. બીજી નિશાની એ છે કે આ રણનીતિ કે પ્લાનિંગ સામે આવતી ચુનૌતીઓનો સામનો કરી શક્તિ નથી. તે પરિસ્થિતિને અનુરૂપ થઇ શકે તેમ ન હોવાથી નિષ્ફળ જાય છે. ક્યારેક આપણે ઈચ્છા અને આયોજન વચ્ચેનો તફાવત ભૂલી જઈએ છીએ. જેમ કે તમારે ધંધામાં નફો ૩૦% વધારવો છે. આ વર્ષના અંત સુધીમાં નફો ૩૦% વધારવો એ તમારી ઈચ્છા છે, આયોજન નહિ. તેના માટે આયોજન કર્યા વિના, સ્ટ્રેટેજી બનાવ્યા વિના તે કેવી રીતે હાંસલ થશે? એક અન્ય ખામી એ હોઈ શકે કે આયોજન કરતી વખતે સામે રહેલ ચેલેન્જ અંગે તો અભ્યાસ કર્યો હોય પરંતુ આવનારી ભવિષ્યની ચેલેન્જને અનુરૂપ થવા જેટલી સ્થિતિસ્થાપકતા સ્ટ્રેટેજીમાં ન રાખી હોય. જટિલ અને અસ્થીતીસ્થાપક રણનીતિ જલ્દી નિષ્ફળ થઇ જતી હોય છે.

જીવન હોય કે ધંધો, સફળ આયોજન આવશ્યક છે. સફળ આયોજનમાં અનેક પાસાઓ હોય છે પરંતુ તેમાં ખાસ એ છે કે તે હાલની પરિસ્થિતિને બરાબર સમજીને તેને અનુરૂપ ઘડવામાં આવી હોય છે. બીજું એ પણ સાચું છે કે તે કેવી પરિસ્થિતમાં શું પગલાં લેવા તેના અંગે સારું વિશ્લેષણ કરે છે અને ભવિષ્યમાં પરિસ્થિતિ બદલાય ત્યારે તેને અનુરૂપ થવા માટે પણ કોઈ પ્રકારે પ્રાવધાન ધરાવે છે. તમે પણ પોતાની સ્ટ્રેટેજી બનાવો ત્યારે આ બાબતો અંગે ધ્યાન રાખજો.