ભારતના શાસ્ત્રોમાં જીવનને પચીસ પચીસ વર્ષોના ચાર આશ્રમોમાં વહેંચવામાં આવ્યું છે. પ્રથમ પચીસ વર્ષ બ્રહ્મચર્યાશ્રમ, પછી ગૃહસ્થ, સન્યાસ અને વનપ્રસ્થાશ્રમ. આ રીતે સો વર્ષનું આયુષ્ય ગણવામાં આવતું. પરંતુ ત્યારબાદ હવે લોકોના જીવન સો વર્ષના રહ્યા નથી. આપણા દેશમાં અત્યારે અપેક્ષિત આયુષ્ય ૭૦ વર્ષનું છે. થોડાઘણા સજાગ હોય તેવા લોકો ૭૫ વર્ષ જીવતા હોય તેવું માની લઈએ તો એ પ્રાચીન ધોરણ અનુસાર આપણા જીવનમાં ત્રણ જ આશ્રમ બચ્યા છે. ચોથો વનપ્રસ્થાશ્રમ હવે જીવી શકાય તેમ નથી. કદાચ એટલા જંગલ પણ નથી બચ્યા કે કોઈ વનપ્રસ્થાશ્રમ ભોગવી શકે.
આજે જો જીવનને ત્રણ તબક્કામાં વહેંચવું હોય અને થોડા પ્રેક્ટિકલ થઈને વિચારવું હોય તો ૩૦-૩૦-૧૫ એમ ત્રણ ભાગ પાડી શકાય. શા માટે ૩૦-૩૦-૧૫? કેમ કે આજકાલ વ્યક્તિ સારી રીતે ભણી ગણીને નોકરીએ લાગે અને પોતાના જીવન અંગે નિર્ણય લઇ શકે. એ કારણથી પહેલાના ૩૦ વર્ષને આપણે બ્રહ્મચર્યાશ્રમ સાથે સરખાવી શકીએ. ભલે કેટલાક લોકો ત્રીસ પહેલા પરણી જતા હોય પરંતુ તેઓ પગભર થાય અને તેમનું જીવન થાળે પડે ત્યાં સુધીમાં ત્રીસ તો થઇ જ જાય છે. ત્યારબાદ જ વ્યક્તિ ધીમે ધીમે સાંસારિક જીવનમાં ધ્યાન આપી શકે છે. પહેલા ત્રીસ દરમિયાન જે અભ્યાસ કર્યો હોય, અનુભવ લીધો હોય, ડિગ્રી મેળવી હોય તેના આધારે હવે તે પોતાનું કરીઅર સ્થાપિત કરવાની શરૂઆત કરે છે. આ બીજા તબક્કાના ત્રીસ વર્ષને આપણે ગૃહસ્થાશ્રમ તરીકે ઓળખાવી શકીએ જયારે વ્યક્તિ સંપૂર્ણપણે પોતાના પરિવારની જવાબદારી જાતે ઉઠાવતો હોય છે. તે સમય દરમિયાન જ તે પોતાની કારકિર્દીમાં પ્રગતિ પણ કરે છે. ૬૦ પુરા થાય પછી મોટાભાગે આપણા દેશમાં લોકો નિવૃત થાય છે. આ નિવૃત્તિ બાદનો સમય આપણે સન્યાસાશ્રમ તરીકે ગણી શકાય જયારે વ્યક્તિ પરિવાર સાથે તો રહે છે પરંતુ હવે તે સક્રિય રીતે પરિવારની જવાબદારી પોતાના ઉપર ન લેતા બેકસીટ લે છે. હવે તેના બાળકો ધીમે ધીમે પરિવારની ગાડી આગળ ધપાવે છે અને તે ધીમે ધીમે પોતાની જાતને સાંસારિક જવાબદારીઓમાંથી મુક્ત કરવાનું શરુ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે આપણે ત્રીજો આશ્રમ પંદર વર્ષ કે જીવનના જેટલા વર્ષ બચ્યા હોય તેટલો જ ગણાવી શકીએ તેમ છીએ.
જો વ્યક્તિ પોતાના જીવનની દિશા પહેલા ત્રીસ વર્ષમાં નક્કી ન કરે તો આગળ જતા તે સ્થિર જીવન જીવવાને બદલે કેટલાય સંઘર્ષનો સામનો કરે છે. ભલે કેટલાક લોકો મોડા સફળ થતા હોય પરંતુ તેમની દિશા જો પહેલા નક્કી ન થઇ હોય તો કેટલીય વખત ઊથલપાથલનો સામનો કરવો પડે છે. વળી એ વાત પણ એટલી જ સાચી છે કે જે વ્યક્તિ પોતાના ગૃહસ્થાશ્રમમાં સારી રીતે મહેનત ન કરે, પોતાની જવાબદારી સારી રીતે ન નિભાવે તે પોતાના સન્યાસાશ્રમ માટે સારી વ્યવસ્થા કરી શકતો નથી.
વ્યક્તિ હવે ૫૦ વર્ષે સન્યાસાશ્રમમાં જઈ શકતો નથી કેમ કે તેનો સક્રિય વ્યવસાય કરવાનો સમય પણ ૬૦ વર્ષ કે તેનાથી વધારે હોય છે. કેટલાક દેશોમાં તો નિવૃત્તિની ઉમર ૬૫ વર્ષ હોય છે. જેમ કે બ્રિટનમાં ૬૫ વર્ષ પછી વ્યક્તિ નિવૃત ગણાય છે. ત્યાર પહેલા તેને સરકારી પેન્શન મળવાની શરૂઆત થતી નથી. કેટલાક લોકો તો યુકેમાં સીતેર વર્ષે પણ કામ કરતા હોય છે. તેનું એક કારણ એ છે કે લોકોનું અંદાજિત આયુષ્ય ત્યાં વધારે છે અને તેમની તંદુરસ્તી પણ સારી હોવાથી મોટી ઉમર સુધી સક્રિય રીતે કામ કરી શકે છે. આપણા દેશમાં પણ હવે લોકોનું આરોગ્યધોરણ સુધર્યું હોવાથી અને ધીમે ધીમે અપેક્ષિત જીવન વધી રહ્યું હોવાથી નિવૃત્તિની વય ૬૨ વર્ષની કરવાની વાત ક્યારેક ક્યારેક સામે આવે છે.
શક્ય છે કે પચાસેક વર્ષ પછી ફરીથી લોકોનું અપેક્ષિત આયુષ્ય ૧૦૦ વર્ષે પહોંચે પરંતુ ત્યારે પણ જીવનાશ્રમ તો ૨૫ વર્ષના હોય તેવું લાગતું નથી કેમ કે લોકો ત્રીસેક વર્ષે પોતાનું કરીઅર સેટ કરીને લગ્ન કરે તેવું થાય પરંતુ તેમનો સક્રિય કાર્યકાળ પચાસ વર્ષની ઉંમરે પૂર્ણ નહિ થાય – એટલે કે ગૃહસ્થાશ્રમ લંબાય તેવી શક્યતા છે.