૨જી ડિસેમ્બર સુધી લોકડાઉન લાગેલું છે. શાળા, કોલેજ, જરૂરી હોય તો ઓફિસ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ વેચતી દુકાનો ખુલ્લા છે. લોકોને બહાર જવા પર પાબંદી નથી પણ કોઈને મળવા ન જવું અને બે પરિવારોએ એકઠા ન થવું તેવા મતલબના પ્રતિબંધો લગાવાયા છે. ક્રિસ્મસ લાઇટ્સ પણ લાગી ગઈ છે અને રસ્તાઓ ઝળહળી રહ્યા છે પરંતુ દુકાનો, રેસ્ટોરન્ટ્સ અને શો-રૂમ્સ બંધ હોવાથી રોનક દેખાતી નથી. થોડા દિવસ પછી લોકડાઉન ખુલે અને પછી ક્રિસ્મસની ઉજવણી શરુ થાય તેવી રાહ જોઈ રહેલા લોકોમાં એ પણ ભય છે કે રોજ પચીસેક હજાર કેસ કોરોનાના નોંધાઈ રહ્યા છે અને હોસ્પિટલ ફરીથી ભરવા મંડી છે. મૃત્યુની સંખ્યા પણ વધી રહી છે.

ડિસેમ્બરના અંત સુધીમાં કોરોનાનો સેકન્ડ વેવ તો ઊંચાઈ તરફ વળાંક લેશે તેવું લાગી રહ્યું છે પરંતુ તેની સાથે સાથે ૩૧ ડિસેમ્બરે પૂરો થતો બ્રેક્ઝિટ માટેનો ટ્રાન્ઝીશનનો પીરીઅડ પણ પૂરો થવાનો છે. ૧લી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ બ્રેક્ઝિટ અમલમાં આવી અને આ આખું વર્ષ યુરોપીય સંઘ અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે વાટાઘાટો દ્વારા કોઈ સલાહ-સમજૂતી થઇ જાય તેના માટે સંક્રમણ સમય રાખવામાં આવેલો. પરંતુ બંને પક્ષ વચ્ચે એવા તો મતભેદ છે કે અમુક સમય પહેલા તો વાતચીત જ બંધ કરી દેવામાં આવેલી. ફરીથી વર્ચિત ચાલુ થયેલી પણ અત્યારે કોરોનાને કારણે ફરીથી વાટાઘાટો અટકી ગઈ છે. જો કે લોકોને આશા છે કે વર્ષના અંત સુધીમાં કંઈક તો સારું નીકળીને આવશે જ.

આ વર્ષે લોકોની નોકરી ગુમાવવાથી, ધંધા બંધ થઇ જવાથી અને કેટલાય લોકોના પરિવારમાં સગાવહાલાના અવસાનથી ક્રિસમસ થોડી ફિક્કી રહેશે તેવો ડર સહુને છે. ઠંડીની અને પાનખરની શરૂઆત થઇ ગઈ અને આ વખતે ગયા વર્ષે બોરિસ જોહન્સનની ચૂંટણીની તૈયારી ચાલી રહી હતી. તેની સરકારને પણ એક વર્ષ પૂરું થઇ રહ્યું છે અને તે કપરું રહ્યું છે. તેના મંત્રી પ્રીતિ પટેલ પર તાજેતરમાં પાર્લિયામેન્ટરી ઈન્કવાયરી થયેલી અને તેણે આશ્રિતોને બ્રિટનમાં ન પ્રવેશવા દેવા જે પગલાં ઉઠાવેલા તેની પણ ટીકા થયેલી. આ ઉપરાંત બોરિસ જોહન્સનને પોતાને પણ કોરોના થયેલો અને પાર્લિયામેન્ટમાં તેની કોરોના સામેની લડતને લઈને અનેક પ્રશ્નો ઉઠ્યા છે. પણ સરકારે સતત પ્રતિભાવ આપ્યા કર્યો છે.
યુકેના સરકારી આંક અનુસાર કોરોનામાં સરકારનું દેવું વધી રહ્યું છે. ઓક્ટોબર મહિનામાં જ સરકારે £ ૨૨.૩ બિલિયનનું દેવું કર્યું છે જે ઈ.સ. ૧૯૯૩થી શરુ થયેલા માસિક આંકડાઓના ઇતિહાસમાં સૌથી વધારે છે. એપ્રિલમાં નાણાકીય વર્ષની શરૂઆતથી ઓક્ટોબરના અંત સુધીમાં કુલ સરકારી દેવું લગભગ £ ૨૧૫ બિલિયન સુધી પહોંચી ગયું છે અને તે ગયા વર્ષ કરતા £ ૧૭૦ બિલિયન વધારે છે. બજેટ ઓફિસના અંદાજ અનુસાર ૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષના અંત સુધીમાં કુલ વાર્ષિક દેવું £ ૩૭૦ પાઉન્ડને પાર કરી જાય તેવી શક્યતા છે.
રોગચાળાને કારણે જાહેર નાણાં પર નોંધપાત્ર અસર થઈ રહી છે તે સ્પષ્ટ જણાઈ રહ્યું છે. દેવામાં થયેલો આ વધારો ઉમેરાઇને યુકેનું રાષ્ટ્રીય દેવું £ ૨.૦૮ ટ્રિલિયન પાઉન્ડ સુધી પહોંચ્યું છે અને તે યુકેની અર્થવ્યવસ્થા કરતા પણ વધારે છે. યુકેનું કુલ સરકારી દેવું તેના સકલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)ના ૧૦૦.૮% થયું છે.

તાજેતરમાં બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોહ્ન્સને સુરક્ષા ક્ષેત્રે બજેટમાં વધારો કરવાનો ચાર વર્ષનો પ્લાન રજુ કર્યો જેના અંતર્ગત ડર વર્ષે ૧૦,૦૦૦ એટલે કે કુલ ૪૦,૦૦૦ નવી નોકરીઓ સુરક્ષા ક્ષેત્રમાં મળશે. અત્યારે છે તેના કરતા ચાર વર્ષ પછી ડિફેન્સનું બજેટ £૭.૫ બિલિયન પાઉન્ડ વધારે હશે અને ૨૦૨૪-૨૫ સુધીમાં ડિફેન્સનું બજેટ £ ૧૬.૫ બિલિયન થશે. આ ખર્ચ મુખ્યત્વે અવકાશ તકનીકી, સાઇબર સુરક્ષા અને ઑટોમેટેડ વેહિકલ (સ્વયંસંચાલિત વાહનો)માં ખર્ચ કરવામાં આવશે. વિરોધ પક્ષે તેની વિરુદ્ધમાં એવું કહ્યું છે કે શાળામાં બાળકોને મફત ભોજન સુવિધા ચાલુ કરવામાં સરકાર પાછીપાની કરી રહી છે પરંતુ સુરક્ષા ક્ષેત્રે ખર્ચવા માટે આટલા પૈસા છે.

વિશ્વની સુરક્ષા ક્ષેત્રની કુલ નિર્યાતનો ૧૬% હિસ્સો બ્રિટિશ ઇન્ડસ્ટ્રીના હસ્તગત છે અને બ્રિટિશ ડિફેન્સ કંપનીઓનું ટર્નઓવર લગભગ £૨૫ બિલિયન જેટલું છે. ૧૯૯૬માં યુકેનું ડિફેન્સ બજેટ લગભગ £ ૨૨ બિલિયન પાઉન્ડનું હતું જે આજે વધીને £ ૪૨ બિલિયન પાઉન્ડ થયું છે. પરંતુ એક વાત નોંધપાત્ર છે કે ૧૯૮૦માં બ્રિટિશ ડિફેન્સ બજેટ તેના કુલ જીડીપીના ૫% હતું જે હવે ૨૦૧૮માં ઘટીને ૨.૧% જેટલું થઇ ગયું છે. એટલે કે ભલે કુલ ખર્ચ વધ્યો પરંતુ સુરક્ષા ક્ષેત્રે થતા ખર્ચનું પ્રમાણ અન્ય ખર્ચની ટકાવારી અનુસાર ઓછું જ થયું છે. ભારતમાં પણ યુકેના કેટલાક શાસ્ત્ર-સરંજામ ખરીદવામાં આવે છે.

બ્રિટન અને આર્જેન્ટિના વચ્ચે ઈ.સ. ૧૯૮૨માં ફોલ્કલૅન્ડ આઇલેન્ડના મુદ્દે લડાઈ થયેલી જે ૧૦ સપ્તાહ સુધી ચાલેલી. ફાલ્કલૅન્ડ આઇલેન્ડ અને તેના બે બીજા ટાપુઓ – સાઉથ જ્યોર્જિયા અને સાઉથ સેન્ડવીચ આઈલેન્ડને માટે આ લડાઈ હતી જેમાં બ્રિટૈનનો વિજય થયેલો.

Don’t miss new articles