ભારતીય અને અંગ્રેજી પ્રજા વચ્ચે સદીઓ સુધી સંપર્ક રહ્યો. ઈ.સ. ૧૭૫૭ના પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબ પર ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય થતા પ્રથમ વખત અંગ્રેજી સત્તા ભારતમાં સ્થપાઈ. ત્યારબાદ ૧૦૦ વર્ષ સુધી ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું સામ્રાજ્ય વિસ્તાર્યા કર્યું. ઈ.સ. ૧૮૫૭ના વિદ્રોહ કે સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ બ્રિટનની મહારાણીએ ભારતની સત્તા ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી લઈને બ્રિટિશ તાજના તાબામાં લીધી. ત્યારથી ૯૦ વર્ષ બાદ ઈ.સ. ૧૯૪૭માં ભારતને આઝાદી મળી. બધુ મળીને ૧૯૦ વર્ષનો આ રાજકીય બ્રિટિશ સત્તાનો સમય રહ્યો. તેના પહેલા પણ સર થોમસ રો બ્રિટનના રાજદૂત તરીકે ઈ.સ. ૧૬૧૫માં ભારતમાં મુગલ દરબારમાં આવ્યા ત્યારથી બંને પ્રજા વચ્ચે પારસ્પરિક સંબંધ વધતો રહ્યો હતો. પરંતુ આ સંબંધ બહુ સામાજિક સમરસતામાં પરિવર્તન પામ્યો નહિ. બહુ ઓછા કિસ્સાઓમાં બંને વચ્ચે લગ્ન સંબંધો સ્થપાયા. સમાનતાનો નાતો પ્રસ્થાપિત થવામાં ઉણપ રહી.


સામાન્યરીતે બે પ્રજા વચ્ચે જયારે પારસ્પરિક સમાગમ થાય ત્યારે પરિણામ સ્વરુપે સાહિત્ય સર્જન પણ થાય છે. પરંતુ કમનસીબે ભારત અને બ્રિટન વચ્ચે આવું સાહિત્ય સર્જન મોટા પ્રમાણમાં થયું નથી. આ શ્રેણીમાં ઈ. એમ. ફોર્સ્ટર, રુડયાર્ડ કિપલિંગ, એમિલી ઈડન, જિમ કોર્બેટ વગેરે બ્રિટિશ રાજના સમયના લેખકો છે. ત્યારબાદ વી. એસ. નાઇપોલ જેવા લેખકોએ પણ અંગ્રેજીમાં ભારત વિષે લખ્યું છે. સલમાન રશ્દી અને વિલિયમ ડેર્લિમ્પલ અત્યારના સમયના બ્રિટિશ લેખકો છે જેઓ આ સંબંધને સાહિત્યના ફલક પર લાવ્યા છે. 


આ બધામાં સૌથી નોંધપાત્ર કૃતિ ભારતીય અને અંગ્રેજી પ્રજાના સંબંધને સરસ રીતે વ્યક્ત કરતી ઈ.એમ. ફોર્સ્ટર દ્વારા લખાયેલી નવલકથા ‘એ પેસેજ ટુ ઇન્ડિયા’ છે. ઈ.સ.૧૯૨૪માં લખાયેલી આ નવલકથા ૧૯૨૦ના આંદોલનની પશ્ચાદભૂમિકા અને એક હિન્દૂ, મુસ્લિમ અને અંગ્રેજના સંબંધોનો સુંદર ચિતાર આપે છે. મોડર્ન લાઈબ્રેરી દ્વારા આ નવલકથાને ૨૦મી સદીની ૧૦૦ ગ્રેટ વર્કસની યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. ટાઈમ મેગેઝીનમાં પણ તેને ‘ઓલટાઈમ ૧૦૦ નોવેલ્સ’ની યાદીમાં શામેલ કરાઈ છે. ડો. અઝીઝ સાથે એક ટ્રીપ પર મરબાર ગુફાઓમાં પ્રવાસે ગયેલ એક અંગ્રેજ નારી અડેલાની છેડતી કરી હોવાનો આક્ષેપ ડો. અઝીઝ પર લાગે છે અને કોર્ટમાં કેસ થાય છે. આ દરમિયાન બ્રિટિશ અને ભારતીય વચ્ચેનું રેશીઅલ ટેન્શન ઉગ્ર બને છે. એક રીતે જોઈએ તો તેમાં પણ બ્રિટિશ રાજની જ વાત વધારે છે. બંને પ્રજા વચ્ચે સંલગ્નતા સ્થપાતી હોય તેવી કૃતિઓ વધારે નથી. 


હવે આ સાહિત્યમાં એક નવો પ્રકાર ઉમેરવાની જરૂર છે અને તે છે ભારતથી યુકે સ્થળાંતર કરેલા લોકોના જીવનને દર્શાવતા સાહિત્યની. આ પ્રકારનું સાહિત્ય હજુ બહુ ખેડાયું નથી. કિરણ દેસાઈએ અને ઝુમ્પા લહિરીએ આ પ્રકારનું પ્રવાસી ભારતીયોનું સાહિત્ય અંગ્રેજીમાં લખ્યું છે અને તેમાં વધારે ઉમેરો કરવાની તાતી જરૂર છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *