ભારતમાં કોરોનાને કારણે લોકોને જે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે તે વિશ્વવિદિત છે. માનવસંવેદના હજુ મરી પરવારી નથી અને દેશ-વિદેશના ભેદભાવને ભૂલીને દુનિયાના એક ખૂણે બેઠેલો માનવી બીજા ખૂણા સુધી પોતાનાથી બનતી મદદ પહોંચાડવા તૈયાર છે તે પણ સ્પષ્ટ થઇ રહ્યું છે. વિશ્વના નિષ્ણાતોને ગયા વર્ષે ભારતને લઈને જે ડર હતો તે આ વખતે કેટલાક અંશે વાસ્તવિકતા બનીને સામે આવી રહ્યો છે. પરિસ્થિતિનો ચિતાર વેદના જન્માવે તેવો છે.

અત્યારની ભારતની સ્થિતિને લઈને લઈને યુકેમાં બે પ્રકારના મંતવ્યો ફેલાઈ રહ્યા છે. એક તો અહીંના કેટલાક સમાચારપત્રો ભારતની મુશ્કેલીઓ અને તેના માટે કોણ જવાબદાર છે તેને લઈને ડિબેટ કરી રહ્યા છે જયારે બીજી બાજુ ભારતીય સમુદાયના લોકો, ભારતથી અહીં કામ કરવા આવેલા લોકો તેમજ કેટલાય બ્રિટિશ લોકો અને સંસ્થાઓ ઓનલાઇન ફંડ એકઠું કરીને ભારત માટે જરૂરી વસ્તુઓ મોકલી રહ્યા છે. યુકેમાં લોકો ચેરિટીમાં ખુબ માને છે અને અહીં એક પાઉન્ડ બરાબર ભારતના ૧૦૦ રૂપિયા થતા હોવાથી જોતજોતામાં લાખો રૂપિયા એકઠા થઇ જાય છે.

ભારતમાં ઉભી થયેલી ઓક્સિજન અને કોવીડને લગતા ઉપકરણોની અછતમાં મદદરૂપ થવા માટે કેટલાય ભલા માણસોએ મળીને લાખો પાઉન્ડ એટલે કે કરોડો રૂપિયા એકઠા કર્યા છે. આ ભંડોળનો ઉપયોગ કરીને તેઓએ ઓક્સિજન કોનસ્નટ્રેટર્સ ખરીદ્યા છે, કેટલાકે PPE ખરીદ્યા છે અને કેટલાકે સિલિન્ડર, જનરેટર વગેરે જેવી વસ્તુઓ ખરીદીને ભારત મોકલાવી છે અને મોકલાવી રહ્યા છે.

એઇર ઇન્ડિયા, વિસ્તારા, બ્રિટિશ એરવેઝ, વર્જિન એટલાન્ટિક, કતાર એરલાઇન્સ, એમિરાટ્સ વગેરે જેવી એરલાઇન્સ દ્વારા પણ ચેરિટી માટે જઈ રહેલો સમાન ફ્રી ઓફ કોસ્ટ લઇ જવામાં મદદ મળી રહી છે. ગ્રાઉન્ડ લેવલ પર લોજિસ્ટિક કંપનીઓ, ગોડાઉન કંપનીઓ વગેરે પણ આ કપરી સ્થિતિમાં સાથે આવી ઉભી છે અને મદદરૂપ થઇ રહી છે. કેટલાક લોકો ડાઇરેક્ટ કુરીઅર કરીને પણ પોતાનો સમાન ભારત પહોંચાડી રહ્યા છે અને જે તે સ્થળે કોઈ સંસ્થા, હોસ્પિટલ કે પોતાના પરિચિતોને મદદ કરી રહ્યા છે. સરકારે હવે ઓક્સિજન કોન્સન્ટ્રેટર વગેરે પર ડ્યુટી હટાવી લીધી હોવાથી લોકો અહીંથી કુરિયરથી જ મોકલી શકે છે અને તેના પર કોઈ કસ્ટમને લગતી કાર્યવાહી કરવાની જરુર રહી નથી.

કેટલીક કંપનીઓ અને સંસ્થાઓએ ખુબ મોટા પ્રમાણમાં ભંડોળ એકઠું કરીને મદદ કરી છે. જેમ કે ‘O2 ફોર ઇન્ડિયા’ નામની એક ચેરિટી માટેની અપીલ હેઠળ લોકોએ લગભગ સાડા ચાર કરોડ રૂપિયા, હેલ્પ ઇન્ડિયા બ્રિધમાં લગભગ ૯૨ લાખ, ભારતીય મૂળના ડોક્ટરોની સંસ્થા બાપીઓની અપીલમાં લગભગ ૮૨ લાખ અને એવી બીજી કેટલીય અપીલમાં અત્યાર સુધીમાં લાખો રૂપિયા આપ્યા છે. આ આંકડા શુક્રવાર રાત સુધીના છે અને આ બધું છેલ્લા ૩-૪ દિવસમાં જ થયું છે. લોકો હજુ તેમાં ઉમેરો કરી રહ્યા છે, વધારે ને વધારે નાણા આપી રહ્યા છે જેનો ઉપયોગ કરીને કોવિડમાં મદદરૂપ થાય તેવા તબીબી ઉપકરણો કે જેની ભારતમાં જરૂર છે તે ખરીદીને મોકલવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો અક્ષયપાત્ર જેવી ચેરિટીને પૈસા આપીને જરૂરિયાયત મંદોને ભોજનની વ્યવસ્થામાં મદદરૂપ થઇ રહ્યા છે.

બ્રિટિશ એશિઅન ટ્રસ્ટ – કે જેમાં પ્રિન્સ ચાર્લ્સ મહત્ત્વનું સ્થાન ધરાવે છે તે તો અત્યાર સુધીમાં પંદર કરોડ રૂપિયાથી વધારે એકઠા કરી ચૂક્યું છે અને તેનું અત્યારનું લક્ષય વિસ કરોડ રૂપિયાનું છે. એટલે કે વિસ લાખ પાઉન્ડનું છે. કેટલાક નાના ઓર્ગેનાઈઝેશને મળીને પોતાનો ફાળો બ્રિટિશ એશિયન ટ્રસ્ટના ભંડોળમાં ઉમેર્યો છે જેથી કરીને કુલ એકથી થયેલી રકમ મોટી થાય અને તેનો ઉપયોગ વધારે સારી રીતે કરી શકાય. ૧૧,૬૦૦થી વધારે લોકોએ અત્યાર સુધીમાં પોતાનો ફાળો તેમાં ઓનલાઇન નોંધાવ્યો છે.

ભારતીય ઉચ્ચાયોગ પણ આ કામમાં દિવસ રાત એક કરીને લાગી ગયું છે અને આ રીતે આવતા ડૉનેશનને ભારત પહોંચાડવામાં મદદ કરવા તથા ભારતમાં જરૂરી વસ્તુઓની ખરીદી કરવામાં પણ મદદ કરી રહ્યું છે. લોજિસ્ટિક કંપનીઓ અને એરલાઇન્સ સાથે સંપર્ક સાધીને આ બધા કાર્યોમાં મદદરૂપ બનવાના પ્રયત્નો પણ ઉચ્ચાયોગ દ્વારા થઇ રહ્યા છે. બ્રિટિશ સરકાર દ્વારા પણ ભારતમાં કેટલીક સહાય મોકલવામાં આવી છે. લગભગ ૯ એરોપ્લેન લોડ કરીને યુકે ગવર્નમેન્ટ ભારતમાં સમાન મોકલવાની છે તે પૈકી બે કાર્ગો પ્લેન તો પહોંચી પણ ગયા છે. તાજેતરમાં જ ૩ જનરેટર ભારત મોકલવામાં આવ્યા જેની કેપેસીટી ૫૦૦ લીટર પ્રતિ કલાક ઓક્સિજન બનાવવાની છે. આ પહેલા કેટલાય કોનસ્નટ્રેટર અને વેન્ટિલેટર મોકલવામાં આવેલા. PPE તો કરોડોની સંખ્યામાં બ્રિટિશ સરકારે ડોનેટ કરી છે. ભારતની આ કપરી ઘડીમાં સાથ આપવા બ્રિટિશ સરકારે તાત્પર્ય બતાવ્યું છે અને તે સરકાર જ નહિ પ્રજામાં પણ દેખાઈ રહ્યું છે. એકવાત નોંધપાત્ર છે કે બ્રિટિશ લોકો વિશ્વમાં ક્યાંય પણ આવી કુદરતી આફતોમાં મદદરૂપ થવામાં અચકાયા વિના મન ખોલીને દાન આપે છે. બ્રિટિશ સરકારે અન્ય રીતે પણ ભારતને પોતાનો સહકાર વ્યક્ત કર્યો છે અને કોઈ વૈજ્ઞાનિક, તબીબી કે અન્ય પ્રકારની સુવિધાઓ તથા માહિતીની આપ લે કરવાની તૈયારી બતાવી છે. કેટલીક બાબતો હજી પ્રજાની જાણકારીમાં આવી નથી અને જેમ જેમ કામ થતું જશે તેમ તેમ જણાવવામાં આવશે. ભારતના લોકો તકલીફમાંથી ઊગરી જાય તેવા સસંવેદન સંદેશા પણ બ્રિટિશ લોકો તરફથી આવી રહ્યા છે.

Don’t miss new articles