યુકેના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ અંગેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે જેના અનુસાર ઇન્ડિયા બીજા ક્રમે છે. યુકેમાં આવતા ઇન્વેસ્ટમેન્ટમાં સૌથી વધારે યુએસએથી અને ત્યારબાદ ભારતમાંથી સૌથી વધારે નિવેશ થાય છે. વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ભારતીય કંપનીઓએ યુકેમાં ૯૯ પ્રોજેક્ટ્સમાં ઈન્વેસ્ટ કર્યું અને તેના દ્વારા ૪,૮૩૦ નવી નોકરીઓ બ્રિટનમાં સર્જાઈ. યુએસએ દ્વારા આ વર્ષ દરમિયાન ૩૮૯ પ્રોજેક્ટ્સમાં નિવેશ કરીને ૧૯,૩૦૧ નવી નોકરીઓ આપેલી અને પ્રથમ ક્રમ જાળવી રાખેલો. ડિપાર્ટમેન્ટના આંકડા અનુસાર કોવિડની અસર આંશિક રીતે ઇન્વેસ્ટમેન્ટ પર થઇ છે અને તે સ્પષ્ટ છે કેમ કે ૨૦૧૯-૨૦ દરમિયાન ભારતીય કંપનીઓએ ૧૨૦ પ્રોજેક્ટ્સમાં ઈન્વેસ્ટ કરીને ૫,૪૨૯ નવી નોકરીઓ આપેલી. યુએસએનો આંકડો પણ વર્ષ ૨૦૧૯-૨૦માં ૪૬૨ પ્રોજેક્ટ્સ અને ૨૦,૧૩૧ નોકરીઓનો હતો જે ઘટ્યો છે, જો કે યુએસએ અને ભારતનો પ્રથમ અને દ્વિતીય ક્રમ જળવાઈ રહ્યો છે.

ભારતીય કંપનીઓ યુકેમાં ખુબ સારી સંખ્યામાં છે અને અહીં ખુબ સારો બિઝનેસ કરીને ઘણી નોકરીઓનું સર્જન કરે છે જે યુકેના અર્થતંત્રને ધબકતું રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ભારતીય મૂળના લોકોનું યુકેના અર્થતંત્રમાં ખુબ મોટું યોગદાન છે. પચાસેક હજારથી વધારે ભારતીય મૂળના ડોક્ટર્સ અને મોટી સંખ્યામાં નર્સ, ફાર્માસીસ્ટ વગેરે અહીંના આરોગ્યતંત્રને સંભાળી રહ્યા છે તે પણ ખુબ સારી વાત છે. કેટલાય ભારતીય વૈજ્ઞાનિકો, આઇટી પ્રોફેશનલ્સ પણ અહીંની જીવાદોરી સમાન મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી રહ્યા છે.

યુકેમાં કોવિડને લગતા બધા જ પ્રતિબંધો હટાવી દેવાયા છે અને તેને કારણે લોકોની અવરજવર વધતા, સિનેમાઘર, નાટ્કગૃહો, રેસ્ટોરન્ટ્સ, રમત-ગમતના સ્થળો તથા પાર્કમાં લોકોની ભીડ જોવા મળે છે. આ સપ્તાહના અંતથી શાળાઓમાં પણ રજા પડી ગઈ છે એટલે હવે લોકો વધારે હરવા-ફરવા નીકળશે. ટૂંકમાં કહીએ તો યુકેમાં સમર બરાબર આવી ગયો છે. ઉનાળાની વાત કરીએ તો અહીં ભારતની સરખામણીમાં ગરમી ઓછી હોય છે પરંતુ તેમ છતાં સૂર્યનો તીખો તડકો અહીં સહેવો મુશ્કેલ પડે છે. બ્રિટિશ લોકોને તો તેમ છતાંય બહાર ફરવાનો આનંદ માણે છે. એક તકલીફ એ પણ છે કે અહીં જુના ઘરોમાં એરકંડીશનીંગ નથી હોતું, માત્ર હિટિંગ સિસ્ટમ હોય છે, કેમ કે પહેલા આટલી ગરમી ન પડતી. હવે ગરમી વધી રહી છે, ઉનાળો લાંબો ચાલે છે અને તેને કારણે નવી બિલ્ડિંગમાં એ.સી. પણ ફિટ કરવામાં આવી રહ્યા છે. ઠંડી માટે હિટિંગ સિસ્ટમ તો ખરી જ.

ઉનાળામાં સામાન્ય રીતે અહીં ભારતમાંથી લાખોની સંખ્યામાં ટુરિસ્ટ લોકો ફરવા માટે આવતા જે આ વર્ષે કોવિડને કારણે બહુ ઓછા છે. ભારતનું રેડલિસ્ટમાં હોવું અને તેને કારણે હોટેલનું ફરજીયાત ક્વોરેન્ટાઇન બહુ ઓછા લોકોને પરવડે તેમ છે. અહીંના લોકો પણ ઉનાળાના વેકેશન દરમિયાન બહાર ફરવા જતા હોય છે અને આ વર્ષે તેઓ બહુ ઓછા દેશોમાં જઈ શકે તેમ છે કેમ કે રેડલિસ્ટ, એમ્બર લિસ્ટ એન્ડ ગ્રીન લિસ્ટ પૈકી તેઓ ગ્રીન લિસ્ટમાં આવેલા દેશોમાં ફરવા જાય તો પાછા ફરતા કોઈ ક્વોરેન્ટાઇનની જરૂર નથી. એમ્બરલિસ્ટમાં હોમ ક્વોરેન્ટાઇન છે અને રેડલિસ્ટમાં હોટેલ ક્વોરેન્ટાઇન છે.

જો કે આ સ્વતંત્રતાને કારણે અહીં પણ કેસ વધવા મંડ્યા છે. ટ્રેક એન્ડ ટ્રેસ એપ દ્વારા ગયા સપ્તાહ દરમિયાન છ લાખથી વધારે લોકોને આઇસોલેટ કરવાના મેસેજ મળેલા કેમ કે તેઓ કોઈક જગ્યાએ જે કોવિડ માટે પોઝિટિવ આવ્યા હોય તેમના સંપર્કમાં આવ્યા હોવાની શક્યતા હતી. આ ટ્રેક એન્ડ ટ્રેસ એપનો ઉપયોગ કોઈ પણ સ્થળે એન્ટ્રી કરતા પહેલા એક કોડ સ્કેન કરવા માટે થાય છે. તે સ્થળે, તે સમયે બીજા જે લોકો હાજર હોય તે પૈકી એકેય પોઝિટિવ નીકળે તો બીજા લોકોને ઓટોમેટિક આઇસોલેટ કરવા માટે મેસેજ જાય છે. રસીકરણને કારણે હોસ્પિટલમાં ભરતી થતા દર્દીઓની સંખ્યા અને મૃત્યુ દર તો ઘણા ઓછા છે પરંતુ જો મૂળ આંકડો આ રીતે વધતો રહ્યો તો યુકે સરકાર માટે ફરીથી ચિંતાની બાબત બની શકે છે.