આખરે સારા સમાચાર આવ્યા. ઇન્ડિયા રેડ લિસ્ટમાંથી નીકળીને એમ્બર (કેસરી) લિસ્ટમાં આવી ગયું. કોરોનાના સંદર્ભમાં યુકેએ અલગ અલગ દેશોને ત્રણ કેટેગરીમાં મુકેલા છે: રેડ, એમ્બર અને ગ્રીન. રેડ લિસ્ટમાં આવતા દેશોમાંથી જો કોઈ યુકે આવે તો તેમને ફરજીયાત ૧૦ દિવસ હોટેલમાં રહેવું પડે, જેના માટે £૧૭૫૦ આપવા પડે અને ત્યારબાદ જ તેઓ મુક્ત રીતે ફરી શકે. આ ખર્ચો મોંઘો પડતો હોવાથી અને વિઝા પર પણ કેટલીય મર્યાદાઓ આવી ગઈ હોવાથી લોકો અપીલ કરી રહેલા કે ભારતમાં હવે કોરોનાના કેસ તો ઘટી ગયા છે તો પછી રેડ લિસ્ટમાંથી એમ્બર લિસ્ટમાં કેમ ન મુકવામાં આવે? એમ્બર લિસ્ટમાં આવેલા દેશોમાંથી જો કોઈ આવે કે ત્યાં પ્રવાસ કરીને પરત આવે તો તેઓને પણ ૧૦ દિવસ ક્વોરેન્ટાઇન તો કરવું પડે પરંતુ તે પોતાના ઘરમાં કરી શકે, હોટેલમાં જવાની જરૂર નથી અને એટલે ખર્ચો બચી જાય છે અને પરિવાર સાથે રહી શકે છે. ભારતીય મૂળના લોકો ખુશ છે કેમ કે તેમને પરિવારને મળવા જવું હોય કે તેમના પરિવારના કોઈને બોલાવવા હોય તો હવે થોડું સરળ છે.

ફ્રાન્સ ગ્રીન લિસ્ટમાં આવી ગયું છે અને બ્રિટિશ લોકો વેકેશન માટે જવા તૈયાર છે. ઓગસ્ટનો મહિનો અહીં શાળામાં વેકેશન હોય છે એટલે મોટાભાગના લોકો પોતાના કામમાંથી રાજા લઈને ફરવા જતા હોય છે. પરંતુ બહુ ઓછા દેશો ગ્રીન લિસ્ટમાં હોવાથી તેમના માટે રજા માનવના વિકલ્પો માર્યાદિત હતા. પરંતુ આ અઠવાડિયે થયેલા રીવ્યુ બાદ ફ્રાન્સ ગ્રીન લિસ્ટમાં ઉમેરાયું છે.

વેલ્સ અને સ્કોટલેન્ડમાં પોતાના સ્થાનિક નિયમો છે જે ઇંગ્લેન્ડની સરખામણીમાં થોડા સખત છે પરંતુ આ શનિવારથી વેલ્સમાં પણ બધી છૂટછાટ મળવાની છે.

ભારતની પુરુષ હોકી ટીમે ગ્રેટ બ્રિટન હોકી ટીમને ૩-૧થી હરાવીને ક્વાર્ટર ફાઇનલ જીતી લીધેલો અને પછી જર્મનીને પરાજિત કરીને ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યું. ૪૧ વર્ષ બાદ પહેલી વાર ભારતીય ટીમે હોકીમાં મેડલ જીત્યું છે. મેન ઈન બ્લુ કે ભારત આર્મી તરીકે ઓળખાતી ભારતીય હોકી ટીમનો તો એક જમાનો હતો અને ૧૯૨૮થી ૧૯૫૯ સુધીનો સમય તેના માટે સુવર્ણ યુગ ગણાતો. પરંતુ છેલ્લો ગોલ્ડ મેડલ ૧૯૮૦માં જીત્યા બાદ ભારતીય હોકી ટીમને કોઈ જ સફળતા ઓલમ્પિકમાં મળી નહોતી. ટોક્યો ૨૦૨૦માં ભારતીય મહિલા હોકી ટીમનો મેચ પણ ગ્રેટ બ્રિટનની ટિમ સામે હતો પરંતુ તેમાં ભારતીય ટીમનો પરાજય થયો હતો.

બ્રિટનની ટિમ ઓલમ્પિકમાં સતત પોતાનું પ્રદર્શન સુધારી રહી છે અને ગુરુવાર સુધીમાં ૧૬ ગોલ્ડ, ૧૮ સિલ્વર અને ૧૮ બ્રોન્ઝ મેડલ સાથે ગોલ્ડની રેન્કિંગમાં છઠ્ઠા ક્રમે તથા કુલ મેડલની સંખ્યામાં ૫૨ મેડલ સાથે ચોથા ક્રમે ચાલી રહી છે.

યુકેના બધા જ પ્રયત્નો છતાં સ્થળાંતર કરનારા લોકો – માઇગ્રન્ટ્સને રોકવા મુશ્કેલ થઇ રહ્યા છે. ઈંગ્લીશ ચેનલ પાર કરીને નાની નાની બોટમાં આવી રહેલા આ માઇગ્રન્ટ્સની સંખ્યા ૨૦૨૧માં અત્યાર સુધીમાં ૧૦,૭૧૧ જેટલી થઇ ગઈ છે. ૪૪૦ બોટમાં આ માઈગ્રન્ટ બ્રિટનના કિનારે પહોંચ્યા છે. સરકાર પ્રયત્ન કરે છે કે માઇગ્રન્ટ્સ કિનારે પહોંચે તે પહેલા જ તેમને રોકી લેવા અને પાછા મોકલી દેવા કેમ કે એકવાર જો કોઈ યુકેની ધરતી પર પગ મૂકી દે તો પછી સરકાર તેમને પાછા ન કાઢી શકે. તેમને રાખવા માટે માઈગ્રન્ટ કેમ્પ બનાવવા પડ્યા છે અને ત્યાં તેમને રાખવામાં આવે છે. કેટલાય લોકો કેમ્પમાંથી ભાગીને શહેરોમાં આવી જાય છે અને નિરાશ્રિત બનીને રહે છે. નોંધનીય છે કે આ રીતના માઇગ્રન્ટ્સને ન લેવાનું સૌથી મોટું કારણ હતું જેને કારણે યુકે યુરોપિયન યુનિયન છોડીને બહાર નીકળેલું. તેમ છતાં જે રીતે ઈંગ્લીશ ચેનલથી માઈગ્રન્ટ આવી રહ્યા છે તેને રોકવામાં આંશિક સફળતાને કારણે હોમ સેક્રેટરીની ટીકા પણ થાય છે.

Don’t miss new articles