૫ મેં, ૨૦૨૧ના રોજ ભારત અને યુકેની શિખર મંત્રણા યોજાઈ, અલબત્ત વર્ચ્યુઅલ. ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને યુકેના પ્રધાનમંત્રી શ્રી બોરિસ જોહ્ન્સને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર આ મંત્રણામાં વાતચીત કરી અને ઇન્ડિયા-યુકે રોડમેપ ૨૦૩૦ રજુ કર્યો. બંને દેશો દ્વારા અપનાવાયેલ આ રોડમેપમાં આવનારા દશ વર્ષની રૂપરેખા છે. આ સાથે ભારત અને યુકેની પાર્ટ્નરશિપને સ્ટ્રેટેજિક પાર્ટ્નરશિપથી વધારીને ‘કોમ્પ્રેહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ’નો દરજ્જો આપવામાં આવ્યો છે. આ રોડમેપ હેઠળ રાજકીય, સુરક્ષા અને સલામતી, વ્યાપાર, નિવેશ, જનસંપર્ક, સંસ્કૃતિ, વિજ્ઞાન, સંશોધન, શિક્ષણ તથા આરોગ્ય જેવા બધા જ ક્ષેત્રોમાં સહકાર સ્થાપવામાં આવશે. આ રોડમેપ બંને દેશોના સંબંધોને આગળ વધારવા માર્ગદર્શક બની રહેશે.

આ સપ્તાહ દરમિયાન ભારતના વિદેશ મંત્રી ડો. જયશંકર ૩થી ૭ મે સુધી લંડનના પ્રવાસે આવેલા. લંડનમાં યોજાઈ રહેલ જી-૭ વિદેશમંત્રીઓની મિટિંગમાં તેમને એક વિશેષ મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવેલા. ભારત જી-૭નો સભ્યદેશ નથી પરંતુ ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને દક્ષિણ કોરિયા સાથે ભારતના વિદેશમંત્રીને પણ યુકેએ મહેમાન તરીકે આમંત્રિત કરેલા. જી 7 જૂથમાં – વિશ્વની સાત સૌથી મોટી કહેવાતી અદ્યતન અર્થવ્યવસ્થા – યુકે, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સનો સમાવેશ થાય છે.

તેમની લંડન મુલાકાત દરમિયાન ભારત અને યુકે વચ્ચે ‘ઈન્હેન્સડ ટ્રેડ પાર્ટનરશીપ’ એટલે કે ઉન્નત વ્યાપારી ભાગીદારી પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા જેના અંતર્ગત બંને દેશો વ્યાપારમાં આવતી બાધાઓને હટાવવા પ્રયત્ન કરશે અને બંને દેશો વચ્ચે વેપાર અને નિવેશને પ્રોત્સાહન આપશે. એક અન્ય એગ્રીમેન્ટ અનુસાર ભારતમાંથી ગ્રેજ્યુએટ યુવાનોને યુકે આવવા માટે સરળતાથી વિઝા મળી રહેશે અને તેઓ અહીં આવીને કામ કરી શકશે. યાદ હશે કે અગાઉ નોંધેલું કે દરવર્ષે ઈન્ડિયાથી લગભગ ચાલીસ હાજર વિદ્યાર્થીઓ આવતા હોય છે અને અહીં ભણ્યા પછી તેમને બે વર્ષ અહીં રહીને કામ કરવા – શોધવા માટે સમય મળે છે અને તેમને અમુક પ્રકારની નોકરી મળે તો તેઓ અહીં વધારે સમય રોકાઈ શકે છે. પાંચ વર્ષ અહીં નોકરી કર્યા પછી કે બીજી કોઈ રીતે કાયદેસર રહ્યા બાદ વ્યક્તિને ILR એટલે કે ઇંડેફીનિટી લિવ ટુ રિમેઇન મળે છે. તે અમેરિકાના ગ્રીન કાર્ડ જેવી સિસ્ટમ છે.

ભારત અને યુકે બંને વચ્ચે ૨૦૨૦ દરમિયાન કુલ ૨૩ બિલિયન પાઉન્ડનો વેપાર થયો હતો જેમાં લગભગ અડધો અડધ ભાગ સેવાઓનો હતો. ભારત માટે અમેરિકા બાદ યુકે બીજા નંબરનો સેવા ક્ષેત્રના વેપાર માટે ભાગીદાર દેશ છે. માલસામાનના વેપારમાં યુકે ભારતનો ૧૫મો ભાગીદાર છે. આ વેપારમાં વધારો કરવા અને મજબૂત બનાવવામાં આ સમજૂતી મદદરૂપ બનશે. બંને દેશોની ઈચ્છા છે કે કેટલાક સમયબાદ આ સમજૂતીના આધારે બંને દેશો વચ્ચે મુક્ત વ્યાપાર કરાર પણ કરવામાં આવશે.

યુકેએ અત્યાર સુધી લોકોને ટુરિઝમ માટે આંતરિક અથવા વિદેશ પ્રવાસ કરવા પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે. હવે ધીમે ધીમે તબક્કાવાર લોકડાઉન ખુલતા આંતરિક પ્રવાસ પરના પ્રતિબંધ હટતા જાય છે અને ૧૭મી મેં પછી હોટેલ પણ ખુલી જશે. વિદેશ પ્રવાસ માટે પણ યુકે આજે ગ્રીન લિસ્ટ જાહેર કરશે જેમાં સમાવિષ્ટ દેશોમાં યુકેના લોકો પ્રવાસ કરી શકશે અને પરત આવ્યા બાદ તેમને આઇસોલેશન કરવાની જરૂર નહિ રહે. આ દેશોમાં મોટા ભાગે એવા દેશ હશે જ્યાં રસીકરણ સારા પ્રમાણમાં થઇ ગયું હોય અને કોરોનાના કેસ ઓછા હોય. આ નવી યાદીમાં લીલી, એમ્બર અથવા લાલ રંગની મુકામવાળી નવી ટ્રાફિક લાઇટ સિસ્ટમની જેમ ત્રણ સૂચિ તૈયાર થશે. જીબ્રાલ્ટર, ઇઝરાઇલ, પોર્ટુગલ અને માલ્ટા જેવા કેટલાક દેશોની મુસાફરીના સ્થળો ગ્રીન લિસ્ટમાં આવે તેવી શક્યતા છે. નોંધનીય છે કે ભારત યુકેના રેડ લિસ્ટમાં છે અને ત્યાંથી આવનાર દરેક લોકોને ૧૦ દિવસ માટે ફરજીયાત હોટેલમાં ક્વોરેન્ટાઇન કરવું પડે છે જેના માટે સરકારે ૧૭૫૦ પાઉન્ડ નિર્ધારિત કર્યા છે અને હોટેલ પણ નિર્ધારિત છે. આ ઉપરાંત ૨૨૦ પાઉન્ડનો ખર્ચ બે વખત ટેસ્ટ કરવામાં થાય છે.