યુકેમાં ભારતના ઘણા લોકો વસે છે. લગભગ ૧૫ લાખ લોકો તો અહીં સ્થાયી થયા છે અને બ્રિટિશ નાગરિકત્વ ધરાવે છે. ઉપરાંત દર વર્ષે લગભગ ત્રીસેક હજાર વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ અભ્યાસ કરવા આવે છે. ત્રણેક લાખ પ્રોફેશનલ્સ પણ અહીં નોકરી માટે આવેલા છે. તેમની કંપની તેમને અહીં બે-ત્રણ વર્ષ માટે પોસ્ટીંગમાં મોકલે છે અને પછી તેઓ પાછા ફરે છે. તેની જગ્યાએ બીજા કોઈને કંપની પોસ્ટ કરે છે. આ રીતે કુલ મળીને લગભગ ૧૮-૨૦ લાખ ભારતીયો યુકેમાં વસે છે.
યુકે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને લંડન વિશ્વનું ફાઇનાન્સિયલ કેપિટલ ગણાય છે. ભારતની લગભગ ૮૫૦ કંપનીઓએ અહીં પોતાની ઓફિસ કે બ્રાન્ચ કે કંપની સ્થાપી છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ અનુસાર ભારતની આ ૮૫૦ જેટલી કંપનીઓનું વાર્ષિક ટર્નઓવર ૫૦.૮ બિલિયન પાઉન્ડ છે. તેઓએ યુકેમાં ૧૧૬,૦૪૬ લોકોને નોકરી આપી છે અને વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ૪૫૯.૨ મિલિયન પાઉન્ડ કોર્પોરેશન ટેક્સમાં યુકે સરકારને ભર્યા છે.
ભારતીય કંપનીઓ લંડનને પોતાનું હેડ ક્વાર્ટર બનાવીને અહીંથી યુરોપ અને બીજા કેટલાક દેશોમાં પોતાનો બિઝનેસ ચલાવે છે. લંડનમાં બિઝનેસ માટે બીજી સુવિધાઓ પણ સારી રીતે મળી રહે છે અને તેમને અલગ અલગ દેશો સુધી પહોંચવામાં સરળતા રહે છે. અહીં સરકાર તરફથી અને બેન્ક તરફથી પણ સારી સુવિધાઓ મળી રહેતી હોવાથી તેમજ લંડનની આંતરરાષ્ટ્રીય સ્તરે એક પ્રતિભા હોવાથી પણ ભારતની કમ્પનીઓ લંડનને એક મહત્ત્વનું સેન્ટર માને છે. અહીં ભારતની લગભગ બધી જ મોટી મોટી કંપનીઓ જેમ કે ઇન્ફોસિસ, ટાટા, વિપ્રો, અલગ અલગ બેન્ક વગેરે અહીં સ્થપાયેલ છે.
વર્ષ ૨૦૨૦ ના અંતે, યુકે અને ઇયુએ બ્રેક્ઝિટ બાદ વેપાર અને સહકાર કરાર પર હસ્તાક્ષર કર્યા. કેટલાક લોકોમાં બ્રેક્ઝિટની અસર અંગે શંકા હતી પરંતુ ભારતીય રોકાણકારોએ યુકેમાં પોતાનો બિઝનેસ ચાલુ રાખ્યો છે અને તેમાં વધારો પણ થયો છે. ભારતીય કંપનીઓ ૧૦ હસ્તાંતરણમાં – ટેક ઓવરમાં – સામેલ હતી, જેમાં ચાર તકનીકી અને ટેલીકોમ ઉદ્યોગમાં અને બે ઉત્પાદન ક્ષેત્રમાં છે. આ વર્ષ દરમિયાન ભારતીય રોકાણકારોએ પણ ૨૭ સોદા કર્યા. યુકેએ ઇયુના દેશો કરતા વધારે બિઝનેસ ભારતીય કંપનીઓ સાથે કર્યો છે.
આ વર્ષના આંકડા બતાવે છે કે ૮૫૦ ભારતીય કંપનીઓ પૈકીની ૪૯ કંપનીઓની આવકમાં ઓછામાં ઓછી ૧૦% વૃદ્ધિ થઇ છે. આ કંપનીઓએ ૬.૬ અબજ પાઉન્ડની સંયુક્ત આવક મેળવી અને સરેરાશ વાર્ષિક વિકાસ દર ૪૦% થી વધુ પહોંચાડ્યો. ટ્રેક કરેલી ૪૯ કંપનીઓમાંથી ૨૦ કંપનીઓ ટેકનોલોજી અને ટેલીકોમમાં છે. કુલ કંપનીઓમાં પણ ટેક્નોલોજી કંપનીઓ સૌથી વધારે છે અને ત્યારબાદ ફાર્માસ્યુટિકલ કંપનીઓનો ક્રમ આવે છે. આ કંપનીઓ પૈકી ૨ કંપનીની વાર્ષિક આવક £ ૨૫૦ મિલિયન કરતા વધારે છે, ૨૪ની ૨૫ થી ૨૫૦ મિલિયન પાઉન્ડ વચ્ચે તથા ૨૩ની ૫ થી ૨૫ મિલિયન પાઉન્ડ વચ્ચે છે. આ અહેવાલ ભારતની કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ તથા ગ્રાન્ટથોર્નટન દ્વારા તૈયાર કરવામાં આવેલો છે.
એક વાત એ પણ નોંધનીય છે કે ભારતની કંપનીઓમાં મહિલાઓનું મોટું પ્રદાન છે. આ ૮૫૦ કંપનીઓ પૈકી ૪૭% કંપનીઓમાં એક મહિલા ડાઈરેક્ટર જરુર છે. સૌથી ઝડપથી વિકસેલી ૪૯ કંપનીઓમાં તો ૫૩% ડાઈરેક્ટર મહિલાઓ છે. ભારતીય કંપનીઓ મોટાભાગે – ૫૩% – લંડનમાં જ સ્થિત છે. સ્કોટલેન્ડ અને વેલ્સમાં સૌથી ઓછી કંપનીઓ – બંનેમાં ૨% છે.
ભારત અને યુકે વચ્ચે આર્થિક સંબંધો મજબૂત છે અને વાર્ષિક ૨૬ બિલિયન ડોલરથી વધારેનો વેપાર બંને દેશો વચ્ચે વર્ષ ૨૦૨૦માં થયો હતો. આ વેપારમાં માલસામાન ઉપરાંત સેવાઓની આપ-લે પણ લગભગ સમાન હિસ્સો ધરાવે છે. યુકે વિકસિત અર્થવ્યવસ્થા હોવાથી અહીં સૌથી મોટો હિસ્સો સેવાક્ષેત્રની કંપનીઓનો છે અને અહીં ફાઇનાન્સ અને ટેક્નોલોજી ક્ષેત્રની કંપનીઓ વિશ્વમાં આગળ પડતી છે. ભારત અને યુકેની કંપનીઓ સાથે મળીને કામ કરતી હોય તેવા અનેક ઉદાહરણો છે. વેપાર-ઉદ્યોગની સમૃદ્ધિથી બંને દેશના લોકોને પણ ફાયદો થાય છે.
આ ઉપરાંત શુક્રવારની સવારથી ભારત યુકેના કોરોનાના રેડલિસ્ટમાં આવી ગયું છે અને ભારતથી આવનારા મુસાફરોએ ૧૦ દિવસ સુધી હોટેલમાં ફરજીયાત ક્વોરેન્ટાઇન કરવું પડશે. એર ઇન્ડિયા અને બીજી કેટલીક હવાઈ મુસાફરી વાળી કંપનીઓએ પણ પોતાની ફ્લાઇટ કેન્સલ કરી દીધી હતી. પહેલા કરતા ઓછા મુસાફર ભારતથી યુકે આવશે તેવા ભયથી આ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી.