કેન્યાના કેપિટલ નાઈરોબીનો મુખ્ય વિસ્તાર કે જ્યાં દેશની નેશનલ એસેમ્બલી, બધા જ મંત્રાલયોની ઓફિસ, સુપ્રીમ કોર્ટ, સેન્ટ્રલ બેન્ક અને એવી બીજી મહત્વપૂર્ણ સંસ્થાઓના મુખ્ય મથકો આવેલા છે તેને હરંબી એવન્યુ તરીકે ઓળખાય છે. રસપ્રદ વાત એ છે કે હરંબી શબ્દનો ઉદ્ભવ ‘હર અંબે’ માંથી થયેલ છે. 19 મી સદીના અંતમાં ભારતમાંથી આવેલા ગુજરાતીઓ જ્યારે મોમ્બસાથી યુગાન્ડાની રેલવે લાઈન નાખતા હતા ત્યારે વજનદાર વસ્તુઓ ઉપાડવા બધા મજૂરો એક સાથે જોર લગાવી અને ‘હર હર અંબે’નો નારો લગાવતા અને કામ કર્યે જતા. તેમની સાથે સ્થાનિક લોકો પણ કામમાં જોડાયેલા હતા અને ધીમે ધીમે હર અંબે, હર અંબે માંથી નવો શબ્દ હરંબી બની ગયો જે અહીં એક સાથે મળીને કામ કરવાના સંદર્ભમાં ઉપયોગમાં આવવા લાગ્યો. તેનો અર્થ અહીં એકતા – યુનિટીને સમાનાર્થી પણ થાય છે.

અહીંનું મુખ્ય સ્થળ જ હરંબી એવન્યુ નામથી ઓળખાય છે તે દર્શાવે છે કે ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓનો અહીંના કલ્ચર અને સમાજ પર કેટલો પ્રભાવ છે. ત્યારબાદ અહીંના લોકોની રહેણી કરણી પર પણ ગુજરાતીઓએ સારી એવી સાંસ્કૃતિક અસર ઉભી કરી છે. કેન્યાના કેટલાય લોકો ગુજરાતી સમજે છે અને બોલે પણ છે. રોટલી અને પરોઠા તેમની ભોજનની વાનગીઓમાં સામેલ થઈ ચૂક્યા છે. શાકભાજી વાળા ઘણી વખત શાકની કિંમત ગુજરાતીમાં કહે છે. અહીં બજારમાં જઈએ ત્યાં ઘણી ગુજરાતી સાડી પહેરેલી મહિલાઓ પણ દેખાય છે. ઘણા વર્ષોથી અહીં રહેવા છતાં ગુજરાતીઓ અને બીજા ભારતીયોએ હજુ પણ પોતાના પહેરવેશ અને ખાણીપીણી બદલ્યા નથી. ઉલ્ટા તેઓએ પોતાની ખાણીપીણી અને પહેરવેશની અસર અહીંની સ્થાનિક પ્રજા પર કરી છે.

અહીંના કેટલાય રેસ્ટોરન્ટમાં રસોઈયા તરીકે અને કેટરર્સ તરીકે પણ કેન્યન આફ્રિકન લોકો કામ કરી રહ્યા છે અને તેમના હાથમાં ભારતીય વાનગીઓનો સ્વાદ પણ બેસી ગયો છે. નાઇરોબીમાં ગિરિરાજ નામનું રેસ્ટોરન્ટ છે જેના માલિક તો ખંભાળિયાના બ્રાહ્મણ છે પરંતુ ત્યાં જલેબી અને ફાફડા બનાવનાર વ્યક્તિ કેન્યાની છે. એવા તો કેટલાય રેસ્ટોરન્ટ અને દુકાનો ગુજરાતીઓ અને ભારતીય દ્વારા ચલાવવામાં આવે છે. શહેરમાં પ્રમુખસ્વામી એવન્યુ છે, સ્વામિનારાયણના મંદિરો છે, જૈન દેરાસર અને ગુરુદ્વારાઓ છે, ઉપરાંત જલારામ બાપાનું મંદિર પણ છે.

જામનગરની આસપાસના વિસ્તારોમાંથી આવેલા ઓસવાલ કોમ્યુનિટીના જૈન લોકો ખૂબ સદ્ધર અને સુસ્થાપિત છે. તેઓ મોટી શાળા તથા કોમ્યુનિટી હોલ ચલાવે છે. જૈન સંવતરીના તહેવારમાં પર્યુષણની ખૂબ ધામધૂમથી ઉજવણી થઈ હતી. એકાદ સપ્તાહ પછી હજારોની સંખ્યામાં એક સંમેલન પણ થવાનું છે. અત્યારે ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ ધામધૂમથી મહારાષ્ટ્ર મંડળ અને હિન્દુ મંદિરમાં ઉજવાઈ રહ્યો છે. મહારાષ્ટ્ર મંડળે મુંબઈથી છ ફૂટ ઊંચી ગણપતિની મૂર્તિ પ્લેનમાં મંગાવી છે અને અહીં તેની સ્થાપના કરી છે. રોજ સાંજે હજારો શ્રદ્ધાળુઓ આરતી અને પ્રસાદનો લાભ લે છે અને ‘ગણપતિ બાપા મોરિયા’ નો નાદ ગાજી ઉઠે છે.

અત્યારે ઇન્ટરનેશનલ મેમણ ઓર્ગેનાઈઝેશનનાં કેન્યા ચેપ્ટરનું અધિવેશન મળી રહ્યું છે જેમાં ગુજરાત અને ભારતના મેમણ પરિવારો ઉપરાંત પાકિસ્તાન, દુબઈ, સાઉદી અરેબિયા, યુકે અને આફ્રિકાના કેટલાય મેમણ પરિવારો અહીં આવ્યા છે. તેમના અધિવેશનમાં મુખ્ય અતિથિ તરીકે મને આમંત્રિત કરેલો અને બે શબ્દ બોલવા કહ્યું ત્યારે ખાસ આગ્રહ એ કર્યો કે હું ગુજરાતીમાં બોલું. કોઈપણ દેશમાં રહેતા હોય પરંતુ મેમણ લોકો ગુજરાતી સમજે તો ખરા જ. રસપ્રદ વાત એ છે કે વિશ્વભરમાં મેમણની કુલ વસ્તી લગભગ 36 લાખ જેટલી છે પરંતુ વેપાર ધંધામાં તેઓ ખૂબ આગળ પડતા અને સમૃદ્ધ છે. તેમનો ઇતિહાસ એવો છે કે આજથી લગભગ છસો સાતસો વર્ષ પહેલા સિંધના કોઈ વિસ્તારમાં ગુજરાતી લોહાણાના લગભગ 700 પરિવારોએ એક સાથે ઇસ્લામ અંગીકાર કર્યો અને મુસ્લિમ બન્યા. આ નવા બનેલા મુસ્લિમ સમુદાયને પછીથી મેમણ તરીકે ઓળખવામાં આવ્યો. તેઓ શરૂઆતમાં સિંધ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં રહીને વેપાર ધંધો કરતા હતા અને પછીથી ધીમે ધીમે મુંબઈ તેમજ અન્ય શહેરો અને દેશોમાં પણ તેઓ સ્થાયી થયા છે. તેમની એક આગવી બોલી છે જે આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બોલાય છે.

કેન્યામાં રહીને અને તેમાં પણ ખાસ કરીને નાઇરોબી અને બીજા બે ચાર શહેરોમાં રહીને કોઈ ગુજરાતને કે ભારતને મિસ કરે તેવું તો ભાગ્ય જ બની શકે. ઊલટાનું અહીં તેમને ભારતના કેટલા એવા સંસ્કારો અને સંસ્કૃતિ જોવા મળે કે જે આપણા દેશમાંથી ધીમે ધીમે વિલુપ્ત થતા જાય છે અને તેમનું સ્થાન આધુનિકતા અને વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ લઈ રહી છે.

આવતીકાલે કેન્યાની સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે ચાલી રહેલા કેસનો નિર્ણય આપશે. નિર્ણય શું આવશે તેની ચર્ચા આવતા સપ્તાહે કરીશું.

Don’t miss new articles