ફાધર્સ ડે અલગ અલગ દેશોમાં અલગ અલગ દિવસે મનાવવામાં આવે છે. આમ તો આપણા દેશમાં મધર્સ ડે કે ફાધર્સ ડે ઉજવવાની પરંપરા નહોતી કારણ કે આપણે હંમેશા જ માતા-પિતા સાથે રહેતા અને આપણા માટે બધા જ દિવસે મધર્સ ડે અને ફાધર્સ ડે હોય છે. પરંતુ યુએસએમાં જૂનના ત્રીજા રવિવારે ફાધર્સ ડે ઉજવવામાં આવે છે અને આ દિવસે બાળકો પોતાના પિતાને પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. ક્રોએશિયા, સ્પેઇન, પોર્ટુગલ અને ઇટાલીમાં ૧૯મી માર્ચના દિવસે ફાધર્સ ડે ઉજવાય છે. ત્યાંની સોસાયટીને માટે કદાચ આ વ્યાજબી છે કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે માતા-પિતાના ડિવોર્સ થઇ જાય કે તેઓ અલગ અલગ રહેતા હોય તો બાળકો તેમના બાયોલોજીકલ એટલે કે જન્મ આપનાર પિતાથી દૂર રહેતા હોય તેવું બને. વળી વિકસિત દેશોમાં બાળકો કોલેજમાં આવે ત્યારથી જ લગભગ સ્વતંત્ર થઈને જીવતા હોય છે. તેઓ પોતે પાર્ટ ટાઈમ નોકરી કરે, મેકડોનાલ્ડમાં કે પિઝાહટમાં જાય, પાડોસીના ગાર્ડનનું ઘાંસ કાપે કે પછી પબમાં ટેબલ સાફ કરે અને તેમાંથી પોતાનો ખર્ચો કાઢે તથા કોલેજની ફી ભરે તે સ્વીકાર્ય છે. બાળકો પોતે જ લોન લઈને કોલેજ પણ કરે છે અને પછી નોકરી કરીને એ લોન ઉતારે છે.

આ બધી સોસાયટીમાં લોકો ગર્લફ્રેન્ડ/બોયફ્રેન્ડ સાથે કે લગ્ન થઇ જાય પછી પોતાના પતિ/પત્ની સાથે અલગ ઘરમાં રહે છે અને માતા-પિતા તેના પરિવારનો હિસ્સો ગણવામાં આવતા નથી. આ સોસાઈટીની વ્યવસ્થા અનુસાર બાળકો મોટા થાય પછી પોતાનો પરિવાર જાતે વસાવે અને વૃદ્ધ પતિ-પત્ની પોતે એકલા રહે છે. બાળકો તેમની સારસંભાળ માટે આવે જાય છે પરંતુ મોટાભાગે લગ્ન થયા પછી સાથે રહેવાની પ્રથા નથી. આપણા જુના સમયમાં પણ વનપ્રસ્થાશ્રમ આવતો જેમાં વૃદ્ધ વ્યક્તિઓ ઘર છોડીને અલગ રહેવા જતા – વનમાં જવાનો ઉલ્લેખ છે પરંતુ આપણે તેણે અલગ રહેતા હોય તેવું સમજી શકીએ – કેમ કે વૃદ્ધત્વમાં કોઈ જંગલમાં શિયાળ અને વરુઓની વચ્ચે રહી શકે તે વાત થોડી કપરી લાગે છે. ટૂંકમાં એવું કહી શકાય કે જયારે છોકરા પોતાના પરિવારમાં સેટ થઇ જાય ત્યારે વૃદ્ધો તેમને પ્રાઇવેસી આપીને પોતાનું જીવન નિવૃત્તિ સમયે, સ્વતંત્ર અને સંસારની ઝંઝટથી દૂર જીવતા હશે. આપણે તેને સમરૂપ વિચાર અમેરિકાની સોસાયટીને માટે પણ કરી શકીએ. આપણી આજની સમાજવ્યવસ્થા થોડી અલગ છે અને કેટલાય પરિવારમાં તો પુત્રના ઘરે પુત્ર આવી જાય અને તેઓ પણ કોલેજ જતા થઇ જાય ત્યાં સુધી ઘરનો બધો જ વહીવટ દાદાજી સાંભળતા હોય છે અને પરિણામે વચ્ચેની એકાદ પેઢી તો ક્યારેય પોતાના નિર્ણયો જાતે કરતી જ નથી. તેમનો સમય આવે ત્યાં તો નવી પેઢી પોતાની સ્વતંત્રતા જાહેર કરી ચુકી હોય છે.

આખરે આવી પ્રથામાં પિતાને માટે લાગણી, સ્નેહ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા ફાધર્સ ડે ઉજવવામાં આવે છે અને તે દિવસે બાળકો પોતાના પિતાને મળવા જાય છે. જો કે બીજા દિવસોમાં પણ મળતાં હોય છે, એવું ન માની લેવું કે પશ્ચિમી સમાજ વ્યવસ્થામાં જરાય લાગણી અને પરિવારની ભાવના છે જ નહિ. ત્યાં પણ સંબંધો ખુબ હૂંફાળા હોય છે અને સૌ એકબીજા સાથે પ્રેમથી રહેતા હોય છે. સંબંધો અને સ્નેહીઓ માટે ત્યાગ, સમર્પણ અને મદદ કરવાની વૃત્તિ તે સમાજમાં પણ છે જ. પરંતુ જેમ આપણે ત્યાં આખું વર્ષ ભાઈ બહેનનો સંબંધ પ્રેમાળ જ રહેતો હોવા છતાં ભાઈબીજ અને રક્ષાબંધન જેવા તહેવારો ઉજવાય છે તેમ ત્યાં મધર્સ ડે અને ફાધર્સ ડે જેવા તહેવારો ઉજવાય છે.

આપણા દેશમાં પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ કોર્પોરેટ કંપનીઓ લાવી છે. કોકાકોલા, પેપ્સી, મેક-ડી, ડોમિનોઝ, પિઝાહટ અને એવી બધી અમેરિકન કંપનીઓએ આવા દિવસોને આપણે ત્યાં પણ પ્રચલિત કર્યા છે. કેટલાય લોકો માને છે કે આ બધા ડે કંપનીઓને પોતાનું વેચાણ વધારવાના ધંધા છે અને કદાચ તે સાચું પણ છે. પણ આજે જયારે આપણે ત્યાં પણ ફાધર્સ ડે ના પતાકા લાગી ગયા છે તો સૌએ પોતપોતાના પિતાજીને પ્રણામ કરી લેવા જોઈએ અને હેપી ફાધર્સ ડે વિશ કરી દેવો જોઈએ. જો કે આવું કરવામાં ભારતીય પિતાની ગાળો ખાવી પડે તે તો પાક્કું – શું આ બધા ચોંચલા મંડ્યા છે? આજે જ હું તારો બાપ છું? આખું વરશ નથી? – તેવા વાક્યો પણ કદાચ સાંભળવા પડે.

પરંતુ, આપણા ભારતીય સમાજમાં, ખાસ કરીને ગુજરાતીઓમાં, આપણે સાથે રહેતા હોઈએ કે કામ-ધંધાને કારણે દૂર રહેતા હોઈએ, પિતા-પુત્રના સંબંધને કોઈ ફાધર્સ ડે ની જરૂર હજી તો નથી પડી અને કદાચ ભવિષ્યમાં પડશે પણ નહિ.

Don’t miss new articles