ગઈકાલે કેન્યાના શિક્ષણ મંત્રીએ આઠમા ધોરણનું પરિણામ જાહેર કર્યું. આઠમા ધોરણનું પરિણામ એટલા માટે મહત્ત્વનું છે કેમ કે હવે આ વિદ્યાર્થીઓ હાઈસ્કૂલમાં જશે. આપણે ત્યાં સાત ધોરણ પછી વિદ્યાર્થી હાઈસ્કૂલમાં જાય છે અહીં વર્ષ આઠ પછી હાઈસ્કૂલ શરુ થાય છે. ગઈ કાલે આ પરિણામ જાહેર થયું અને તે આજે ચર્ચાનો વિષય બની ગયું છે કારણ કે અહીં શિક્ષણ મંત્રી પરિણામ જાહેર કરે છે અને દર વર્ષે તેઓ ટોપ રેન્કિંગ વિદ્યાર્થીઓના નામ પણ જાહેર કરતા. આખા દેશમાં કોને ટોપ કર્યું તેની આતુરતા રહેતી. પરંતુ આ વર્ષે શિક્ષણ મંત્રીએ આ પરંપરાથી હટીને પરિણામ જાહેર કર્યું. તેઓએ માત્ર એટલું જણાવ્યું કે સૌથી વધારે માર્ક્સ ૫૦૦માંથી ૪૩૧ છે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે રેન્કિંગ આપવાથી વિદ્યાર્થીઓમાં નકારાત્મક સ્પર્ધા વધે અને અને તેને કારણે શિક્ષણને લઈને તણાવ અને પ્રેસર પણ વધે છે. વિદ્યાર્થીઓને આવા તણાવ અને દબાવથી બચાવવા શિક્ષણમંત્રીએ પ્રથા તોડી છે અને ટોપ રેંકર્સના નામ જાહેર કર્યા નથી. તેમના સર્ટિફિકેટમાં પણ રેન્કિંગ આપવામાં આવ્યું નથી.

અહીંની શિક્ષણ પદ્ધતિમાં ત્રણ તબક્કાઓ છે. છઠ્ઠા વર્ષથી શાળામાં પ્રવેશ મળે છે અને પ્રાથમિક શિક્ષણ આઠ વર્ષ માટે હોય છે. ત્યારબાદ સેકન્ડરી એજ્યુકેશન ચાર વર્ષ માટે અને ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ ચાર વર્ષ માટે છે. પ્રાથમિક અને સેકન્ડરી શિક્ષણ સરકાર દ્વારા મફત આપવામાં આવે છે. જો કે અહીં ખાનગી શાળાઓ પણ છે. કેન્યાના પ્રથમ રાષ્ટ્રપતિ જોમો કેન્યાટાએ સ્વતંત્રતા વખતે જાહેર કરેલું કે બ્રિટિશ રાજ દરમિયાન કેન્યાના બાળકોના શિક્ષણને અવગણવામાં આવ્યું હોવાથી સમયની જરૂરિયાત છે કે દરેક બાળકને ફ્રી શિક્ષણ મળે એટલા માટે સરકાર દ્વારા પ્રાઈમરી અને સેકન્ડરી એજ્યુકેશન ફ્રી આપવામાં આવશે. ત્યારથી આ શાળાઓ તદ્દન ફ્રી છે. શિક્ષણ અંગ્રેજી ભાષામાં છે. તેને કારણે અહીંના દરેક લોકો સારું અંગ્રેજી બોલી જાણે છે. સ્વાહિલી ભાષા માત્ર એક ભાષા તરીકે ભણાવવામાં આવે છે, નહિ કે શિક્ષણના માધ્યમ તરીકે. નોંધનીય છે કે સ્વાહિલી ભાષાની અત્યારે કોઈ લિપિ – સ્ક્રીપટ નથી. તેને રોમન સ્ક્રીપટમાં જ લખવામાં આવે છે.

અહીં વર્ષ ૨૦૧૮ના આંક પ્રમાણે 81.54% સાક્ષરતા છે. પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજન આપવામાં આવે છે અને તેને કારણે ગરીબ બાળકો શાળા પાડતા નથી. જ્યાં ગામડાઓમાં દારુણ ગરીબી હોય ત્યાં મધ્યાહ્ન ભોજન આશીર્વાદરૂપ બની રહે છે તે આપણે ભારતમાં પણ જોયું છે. ભારતીય સમુદાયના કેટલાય સંગઠનો પણ ફ્રી શાળા ચલાવે છે અને તેમાં ફ્રી ભોજન આપે છે. કેન્યાના કેટલાય વિસ્તારોમાં આ રીતે ભારતીય મૂળના લોકો દ્વારા ચલાવતી શાળા બાળકોમાં શિક્ષણ અને પોષણ પૂરું પાડવાનું કર્યા કરી રહી છે. શિક્ષણને કારણે લોકોમાં સંસ્કાર અને મહત્ત્વાકાંક્ષા પણ જન્મે છે જેનાથી તેઓ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે તૈયાર થાય છે પરંતુ યુવાન બનતા કોલેજની ફી અને ત્યારબાદ બેરોજગારીના પ્રશ્નો અહીં પણ વિકટ છે જે થોડું નિરાશાજનક છે. અંગ્રેજી બોલનારા ભણેલા ગણેલા યુવક યુવતીઓ વિદેશમાં પણ નોકરીની તકો શોધતા હોય છે.

અન્ય એક મહત્ત્વની વાત એ છે કે અહીંના હજારો લોકો ભારતમાં ઉચ્ચ શિક્ષણ માટે આવે છે અને સારી ડિગ્રી તથા સ્કિલ મેળવીને અહીં પાછા આવે ત્યારે તેમને સારી નોકરી પણ મળી જાય છે. ભારતમાં ભણેલા લોકોની સંખ્યા ઘણી વધારે છે અને તેઓ સારી રીતે વ્યવસાય કે નોકરીમાં સ્થિર થયા છે. ભારત સરકાર દ્વારા કેન્યાના લોકોને અનેક સ્કોલરશીપ પણ આપવામાં આવે છે જે અહીં ખુબ લોકપ્રિય છે.

Don’t miss new articles