ઈ.સ. ૧૮૬૬માં જ્હોન કર્ક નામના સ્કોટિશ મુસાફર અને વનસ્પતિશાસ્ત્રી તેમના મિત્ર અને ઝાંઝીબારમાં બ્રિટિશ વાઇસ કોન્સુલ ડેવિડ લિવિંગ્સ્ટન સાથે કેન્યાની મુલાકાતે આવ્યા ત્યારે ભારતીયોના પૂર્વ આફ્રિકામાં દબદબા અંગે તેમણે નોંધ્યું છે કે તે સમયે પૂર્વ આફ્રિકાના વિસ્તારમાં લગભગ બધો જ ધંધો ભારતીય વેપારીઓના હાથમાં હતો અને તેઓ લગભગ બધી જ વસ્તોનો વેપાર કરતા. જ્હોન કર્ક તો એટલે સુધી કહે છે કે ભારતીયો ન હોય તો બ્રિટિશ પણ પૂર્વ આફ્રિકામાં ન આવી શક્યા હોત. માત્ર ભારત પરના આધિપત્ય અને સંપર્કને કારણે જ બ્રિટિશ પૂર્વ આફ્રિકા પર પોતાનું આર્થિક અને રાજકીય આધિપત્ય સ્થાપવામાં સફળ થયા છે.
ત્યારબાદ અલીભાઈ મુલ્લા જીવનજી નામના એક વોહરા સમુદાયના વેપારી કે જેઓ ઈ.સ. ૧૮૯૦માં વેપારની તકો શોધતા કરાચીથી મૉંબાસા આવેલા તેમણે બે દાયકા બાદ નિવેદન કરેલું કે ભારતીય લોકોએ પૂર્વ આફ્રિકાને રણમાંથી વિકસાવીને વસવા લાયક પ્રદેશ બનાવવામાં મોટો ભાગ ભજવ્યો છે, ભારતીય લોકો આ પ્રદેશ સાથે લગભગ ૩૦૦ વર્ષોથી વેપાર-ધંધો કરતા આવ્યા છે અને તેમણે જ આ વિસ્તારના સંસાધનોને વિકસાવીને તેમણે ઉપયોગમાં લેવાની શરૂઆત કરેલી. અલીભાઈનું કહેવું હતું કે બ્રિટિશ હુકુમતે એ તૈયાર ભાણામાં હાથ નાખ્યો હતો જેને પકાવવાની મહેનત તો ભારતીય વેપારીઓએ કરેલી.
સોળમી સદીથી ભારતના પશ્ચિમ કિનારાથી વેપારીઓ આફ્રિકાના પૂર્વ કિનારા સાથે સંપર્કમાં હતા અને લગભગ ઓગણીસમી સદીના મધ્ય સુધીમાં તેઓ જર્મન અને અમેરિકન સામાન, હાથી દાંત, ખાંડ, સુરતનું કાપડ વગેરે વસ્તુઓ લઈને અહીં વેંચવા આવતા. તે પૈકીના મોટા ભાગના લોકો મુસ્લિમ હતા, ખાસ કરીને ખોજ લોકો કે જેઓ ઝાંઝીબાર અને મોમ્બાસામાં સ્થિર થયા હતા. એક અભ્યાસ અનુસાર ઈ.સ. ૧૮૭૪માં લગભગ ૪૩૦૦ જેટલા આવા વેપારીઓ પૂર્વ આફ્રિકા સાથે વેપારમાં સંકળાયેલા હતા અને ત્યાર પછીના એક દશકામાં તેમાં ૨૫૦૦ જેટલા વેપારીઓ વધારે ઉમેરાયેલા.
ત્યારબાદ તો ઈ.સ. ૧૮૯૫માં જયારે યુગાન્ડા રેલવે બનાવવાની શરૂઆત થઇ ત્યારે ૪૦,૦૦૦ જેટલા ભારતીયો અંગ્રેજ હુકુમત સાથે ક્લાર્ક, પોલીસ, કારીગર, મજુર અને વેપારી તરીકે અહીં આવેલા અને તે પૈકીના લગભગ ૩૦,૦૦૦ લોકો રેલવેનું કામ પૂરું થતા પાછા ફરેલા પરંતુ ૧૦,૦૦૦ જેટલા લોકો અહીં જ સ્થાયી વસવાટ માટે રહી ગયેલા જેઓએ પોતાના નાનામોટા ધંધા શરુ કરેલા અથવા તો કોઈ સાથે નોકરી કરેલી. આ ધંધાદારી લોકોને ત્યારે ‘દુક્કાવાલા’ તરીકે ઓળખવામાં આવતા કેમકે તેઓ નાનીમોટી અટારીઓ ચલાવતા. આજે પણ ઘણીવાર ભારતીયોને અહીં દુક્કાવાલાના હુલામણા નામથી ઓળખવામાં અને સંબોધવામાં આવે છે. વહાણવટા દ્વારા વેપાર માટે અવરજવર કરતા લોકો ઉપરાંત અહીં સ્થાયી થઈને વેપાર-વાણિજ્ય કરનારા લોકોની સંખ્યા પણ ધીમે ધીમે વધતી ગઈ અને આ બધા લોકોએ સતત પોતાના વતન સાથે સંપર્ક જાળવી રાખેલો. તેઓ વારે-તહેવારે પોતાને વતન જતા અને તેમના સંતાનોના લગ્ન પણ ભારતમાં કરાવતા. પોતાની ભાષા, ધર્મ અને રીતરિવાજોને ખુબ કાળજીપૂર્વક જાળવી રાખવા માટે તેઓ જાણીતા છે. સ્થાનિક આફ્રિકન લોકો સાથે વેપારવાણિજ્ય અને સામાજિક સંપર્ક રાખીને હળીમળીને રહ્યા ખરા પરંતુ તેમની સાથે ક્યારેય રોટી-બેટીનો વ્યવહાર તેમણે સ્થાપ્યો નહોતો. આજે પણ અહીં વસતા ભારતીય લોકો અને સ્થાનિક આફ્રિકન લોકો વચ્ચે ભાગ્યે જ આવા સંસર્ગ થાય છે. એક બીજી ખાસિયત એ પણ રહી કે પૂર્વ આફ્રિકામાં તેમને ધાર્મિક સ્વતંત્રતા મળી રહી જેથી કરીને તેઓ પોતાના દેવસ્થાનો સ્થાપી શક્યા. કેન્યામાં સો સો વર્ષ જુના મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારા પણ છે. મૉંબાસા અને નૈરોબીની વચ્ચે આવેલા એક મેકિનડું નામના સ્થળે મેકિનડું સાહેબ ગુરુદ્વારા છે જે શીખ લોકો દ્વારા ઈ.સ. ૧૯૨૬માં બનાવવામાં આવેલ.
આ દુક્કાવાલા આજે નાની મોટી દુકાનો નહિ પરંતુ મોટી મોટી વેપારી પેઢીઓ ચલાવે છે અને અહીંની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર યોગદાન આપે છે. સ્થાનિક લોકો માટે નોકરીનું સર્જન કરવા ઉપરાંત તેમની અપનાવેલી માતૃભિમીના વિકાસમાં પણ આગળ પડતો ફાળો આપે છે. આ દુક્કાવાલાનું પૂર્વ આફ્રિકામાં આદરણીય સ્થાન છે અને તેઓ અહીંની અર્થવ્યવસ્થાનો કરોડરજ્જુ છે તેવું કહી શકાય.