ઈંગ્લેન્ડમાં બીજો ટેસ્ટ મેચ ૧૨મી ઓગસ્ટથી શરુ થયો જેમાં ભારતે પ્રથમ બેટિંગ સ્ટાર્ટ કરી. લોર્ડ્સનું ક્રિકેટ ગ્રાઉન્ડ એટલે ક્રિકેટનું ઘર – હોમ ઓફ ક્રિકેટ – ગણાય છે. ત્યાં ટેસ્ટ મેચ રમવો દરેક ખેલાડી માટે એક ગૌરવની વાત છે. મેચમાં રોહિત શર્માએ સુંદર શરૂઆત કરી અને લગભગ સેન્ચુરી મારી દેશે તેવી સ્થિતિએ પહોંચી ગયો ત્યારે ક્લીનબોલ્ડ થઈને ૮૩ રને તેની પારી સમેટાઈ ગઈ. પરંતુ સંયમ રાખીને રમી રહેલ કે એલ રાહુલે પ્રથમ દિવસે નોટ-આઉટ રહીને સેન્ચુરી પુરી કરી. લોર્ડ્સમાં ટેસ્ટમાં સેન્ચુરી બનાવનાર દશમાં ભારતીય ખેલાડી તરીકે કે એલ રાહુલનું નામ ઉમેરાઈ ગયું છે. તેમની પહેલા ટેસ્ટમાં સૌ પ્રથમ વિનોદ માંકડે ૧૯૫૨માં, દિલીપ વેંગેસકારે ૧૯૭૯, ૧૯૮૨ અને ૧૯૮૬માં, ત્યારબાદ જી. વિશ્વનાથ, રવિશાસ્ત્રી, મહમ્મદ અઝહરુદિન, સૌરવ ગાંગુલી, અજિત અગરકાર, રાહુલ દ્રવિડ અને અજિંક્ય રહાણે ટેસ્ટ મેચમાં લોર્ડ્સના ગ્રાઉન્ડ પર સેન્ચુરી બનાવી ચુક્યા છે.
લોર્ડ્સના ગ્રાઉન્ડમાં લગભગ ૬૦,૦૦૦ લોકોની કેપેસીટી છે અને તેમાં લગભગ ૫૦,૦૦૦ જેટલા દર્શકો હાજર હતા. ઈંગ્લેન્ડમાં શાળાની રજાઓ ચાલી રહી છે અને એટલે વાલીઓ પણ પોતાની વાર્ષિક રજાઓ લગભગ ઓગષ્ટમાં લેતા હોય છે. તેને કારણે રવિવાર ન હોવા છતાં પણ સ્ટેડિયમ ભરેલું હતું. અહીં લોર્ડ્સમાં ટેસ્ટના પ્રથમ દિવસની ટિકિટને ઓફિશ્યિલ મનાય છે અને તેને કારણે જો કોઈ કંપની આપણે આમંત્રિત કરતી હોય તો તે રજા નહિ પરંતુ કામનો દિવસ જ ગણવામાં આવે છે. અહીંની હોસ્પિટાલિટી એટલે કે મોટી કંપનીઓ દ્વારા બોક્સ બુક કરીને પોતાના ક્લાયન્ટને આમંત્રિત કરવાની પ્રથા ખુબ પ્રચલિત છે અને તે મોભાદાર પણ ગણાય છે. આ ઉપરાંત પણ લોર્ડ્સના ગ્રાઉન્ડની કેટલીક ખાસિયતો છે, જેમ કે અહીં પબ્લિકને ફ્લેગ લઇ જવાની પરવાનગી હોતી નથી. એટલે લોર્ડ્સમાં મેચ ચાલતો હોય ત્યારે લોકો ફ્લેગ લહેરાવતા જોવા મળતા નથી. ઉપરાંત આ ગ્રાઉન્ડમાં સામાન્યરીતે મેચ દરમિયાન ખુબ શિસ્ત જળવાઈ રહે છે અને એટલે બહુ સૂત્રોચ્ચાર પણ થતા નથી. બીજા પણ કેટલાય નિયમો આ ગ્રાઉન્ડમાં પ્રેક્ષકો પર લાગે છે.
લોર્ડ્સનું ક્રિકેટ ગ્રાઉન્ડ ઈ.સ. ૧૮૧૪માં થોમસ લોર્ડ્સ નામના બોલરના નામ પરથી પાડવામાં આવ્યું હતું અને અત્યારે તેને ક્રિકેટનું મક્કા માનવામાં આવે છે. મેરીલબોર્ન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આ ગ્રાઉન્ડ ઓપરેટ કરવામાં આવે છે. ત્યાં સુંદર મ્યુઝિયમ પણ છે જેની ટુર અલગથી ગોઠવી શકાય છે. આ ગ્રાઉન્ડના ખાસ ઢાળને કારણે અહીં રમવું ખેલાડી માટે થોડું કપરું માનવામાં આવે છે. અત્યારે આ ગ્રાઉન્ડની બધી જ વીજળીની જરૂરિયાત ૧૦૦% પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત દ્વારા પુરી પાડવામાં આવે છે.
લોર્ડ્સના ક્રિકેટ ગ્રાઉન્ડની ૨૦૦મી વર્ષગાંઠ ૨૦૧૪માં મનાવવામાં આવી ત્યારે એમ.સી.સી. ઇલેવન અને રેસ્ટ ઓફ થઈ વર્લ્ડ ઇલેવન નામની બે ટિમ બનાવીને ખાસ વેન ડે મેચ ગોઠવાયો હતો જેમાં સચિન તેંડુલકર એમ.સી.સી. ઈલેવનના અને શેન વોર્ન બીજી ટીમના કેપ્ટન હતા. આ ગ્રાઉન્ડ પર સૌ પ્રથમ ટેસ્ટ મેચ ઈ.સ. ૧૮૮૪માં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયો હતો. લોર્ડ્સના ગ્રાઉન્ડમાં ટેસ્ટ મેચમાં સૌથી વધારે રનનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાનો ઇંગ્લેન્ડ સામેની ૧૯૩૦ની મેચનો છે જેમાં ૭૨૯/૬ પર ઓસ્ટ્રેલિયાએ ડિક્લેર કરી દીધો હતો. સૌથી ઓછા રનનો ટેસ્ટ રેકોર્ડ ઇંગ્લેન્ડ સામે આયર્લેન્ડનો છે જયારે તે ૨૦૧૯માં ૩૮ રનમાં ઓલ આઉટ થઇ ગયેલી. ટેસ્ટમાં સૌથે વધારે રન બનાવનાર બેટ્સમેન ઇંગ્લેન્ડનો ગ્રેહામ ગુચ છે જેણે ભારત સામે ૧૯૯૦માં ૩૩૩ રન બનાવેલા. ટેસ્ટની એક ઇનિંગમાં ૩૪ રનમાં ૮ વિકેટ લઈને પાકિસ્તાન સામે ઇંગ્લેન્ડના ઇયાન બોથમ અને પુરા મેચમાં ૧૩૭ રનમાં ૧૬ વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાના બોબ મેસીએ રેકોર્ડ બનાવ્યો છે.
મેચની પ્રથમ દિવસની શરૂઆત તો સારી થઇ છે અને સોમવારે ટેસ્ટનો પાંચમો દિવસ હશે ત્યારે ભારત જીતે તેવી આશા રાખીએ.