કેન્યાની ચૂંટણીનું વાતાવરણ રસાકસી વાળું બની ગયું છે અને અત્યારે બધા લોકોનું ધ્યાન ચૂંટણી પર જ છે. અહીં ૨૦૦૭ની ચૂંટણી બાદ હિંસાની ઘટનાઓ બનેલી ત્યારથી લોકો ચૂંટણીના સમયે થોડા સાવચેત રહે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એવું માનવામાં આવે છે કે આફ્રિકાના કેટલાય દેશોમાં સત્તા પરિવર્તન આસાન નથી. જો કે કેન્યામાં છેલ્લી બે ચૂંટણીઓમાં તો કોઈ ખાસ એવી ઘટનાઓ બની નથી કે જેથી વધારે ચિંતા કરવી પડે પરંતુ લોકોના મનમાં એક શંકા તો છે જ. રાયલા ઓડિંગા અને વિલિયમ રૂટો બે મુખ્ય ઉમેદવારો છે તેમની વચ્ચે ખુબ રસાકરીનો ચૂંટણી જંગ જામ્યો છે. રસપ્રદ વાત એ છે કે ઉહુરુ કેન્યાટા અત્યારે પ્રેસિડેન્ટ છે અને વિલિયમ રૂટો ડેપ્યુટી પ્રેસિડેન્ટ છે. તેમ છતાંય ઉહુરુ કેન્યાટાએ પોતાનો સહકાર રાયલા ઓડિંગાને આપ્યો છે, નહિ કે તેમના પોતાના ડેપ્યુટી પ્રેસિડેન્ટને. તેનું એક કારણ એ પણ છે કે ઉહુરુ કેન્યાટા અને રાયલા ઓડિંગા વચ્ચે ૨૦૧૮માં હેન્ડશેક કરીને દોસ્તી કરેલી. તે પહેલા તેઓ એકબીજાના કટ્ટર રાજકીય વિરોધી હતા પરંતુ આ હેન્ડશેક દ્વારા તેમણે વિભાજનની નીતિ છોડીને સહમતીની નીતિથી કેન્યાની આગળ લઇ જવાનો નિર્ણય કર્યો હતો. ત્યારથી આ બંને નેતા વચ્ચે સારા સંબંધો છે. તેની સામે પ્રેસિડેન્ટ અને ડેપ્યુટી પ્રેસિડેન્ટ વચ્ચે છેલ્લા બે-ત્રણ વર્ષ દરમિયાન મતભેદ ઉભા થયા છે અને તે ધીમે ધીમે ગંભીર બન્યા છે.
બંને નેતાઓ વચ્ચે કટોકટીની જંગ જામી છે પરંતુ સારી વાત એ છે કે બંનેએ અત્યારે તો એવા સંકેત આપ્યા છે કે જે કોઈ પણ જીતશે તેને શાંતિથી સત્તા હસ્તગત કરવા દેશે. ચૂંટણી યોજવા માટે ઈન્ડિપેન્ડન્ટ ઈલેક્ટોરલ એન્ડ બાઉન્ડરી કમિશન નામની તટસ્થ સંસ્થા જવાબદાર છે તેની કાર્યક્ષમતા અંગે પણ સમયે સમયે કોઈને કોઈ રાજકારણી આક્ષેપ કરતા રહે છે તેવું જોવા મળી રહ્યું છે. ભારતના લોકો અહીં એકાદ લાખ જેટલા છે અને તેઓ મોટાભાગે ચાર પાંચ વિસ્તારોમાં એકસામટા રહે છે. ભારતીય મૂળના લોકો અને કેન્યાના લોકો એકબીજાની સાથે રહેતા હોય તેવું ઓછું બને છે. આપણા લોકો પોતાની કોલોની બનાવીને રહેવાનું પસંદ કરે છે તે સ્પષ્ટ દેખાય છે. જો કે ભારતીય લોકોના ઘરમાં કામ કરવા માટે તો પાછા કેન્યન લોકો જ આવતા હોય છે.
ભારતીય લોકો આર્થિક રીતે તો ઘણું વર્ચસ્વ ધરાવે છે જ પરંતુ તેની સાથે સાથે ભારતીય વિસ્તારોમાં ત્રણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ ભારતીયમૂળના જ છે. આ ઉપરાંત મેમ્બર ઓફ કાઉન્ટી એસેમ્બલી પણ ઘણાય ભારતીય મૂળના લોકો છે. આ વખતે પણ કેટલાય ભારતીયમૂલનાં લોકો પાર્લામેન્ટ અને કાઉન્ટી એસેમ્બલી માટે ચૂંટણી લડી રહ્યા છે. સામાન્યરીતે કેન્યામાં એવું જોવા મળે છે કે મતદાન ટ્રાઈબ – જાતિ આધારે થાય છે અને તેમાં સૌથી વધારે વર્ચસ્વ ધરાવતી ટ્રાઈબ કિકુયૂ છે. આ વખતે તે ટ્રાઈબમાંથી કોઈ જ પ્રેસિડેન્ટ માટે ઉમેદવાર નથી પરંતુ હાલના પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટા કિકુયૂ ટ્રાઈબના છે અને તેમણે પોતાનો સપોર્ટ રાયલા ઓડિંગાને આપેલો છે જેની અસર દેખાઈ રહી છે.
ઓપિનિયન પોલમાં બંને ઉમેદવાર ખુબ ઓછા માર્જીનના તફાવત સાથે કટોકટીની સ્થિતિમાં છે અને લોકો જાને છે કે ઓપિનિયન પોલ કઈ બ્રહ્મવાક્ય હોતા નથી એટલે આખરી પરિણામ કોઈપણ બાજુ આવી શકે. વળી પાંચ દશ ટકા જેટલા અનિર્ણિત મતદારો આખરે કોના તરફ ઢળે છે તે પૂરું ગેમ બદલાવી નાખે તેવી શક્યતા અત્યારે વધારે દેખાઈ રહી છે. કદાચ એવું પણ કહી શકાય કે જો બેમાંથી એકેય ઉમેદવારને બંધારણ અનુસાર આવશ્યક ૫૦% કરતા વધારે મત ન મળે અને કુલ ૪૭ કાઉન્ટીમાંથી ૨૪ કાઉન્ટીમાં કુલ મત પડ્યા હોય તેના ૨૫% મત ન મળે તો સૌથી વધારે મત મેળવનારા બે ઉમેદવારો વચ્ચે ફરીથી ચૂંટણી કરવાની જોગવાઈ છે. એવી સ્થિતિ ન આવે તેવી આશા રાખીને લોકો પુરજોશમાં મતદાન કરવા નીકળવા તૈયાર છે. અહીંના લોકો મતદાનને ખુબ ગંભીરતાથી લેતા હોય તેવું લાગી રહ્યું છે કેમ કે ૨૦૧૭ની ચૂંટણીમાં લગભગ ૮૦% મતદાન થયેલું.
આવતા મંગળવારે મતદાન થવાનું છે અને તેના એકાદ અઠવાડિયામાં પરિણામ પણ આવી જશે.