જ્યોર્જ ફ્લોઇડનું પોલીસ કર્મચારી દ્વારા કરવામાં આવેલા બાળપ્રયોગથી મૃત્યુ થયું ત્યારબાદ અમેરિકામાં પોલીસને Defund કરવાની વાત વધારે જોરશોરથી ચાલી રહી છે. પોલીસને ડિફન્ડ કરવાનો અર્થ એવો છે કે પોલીસિંગ માટે ખર્ચવામાં આવતા નાણા ઘટાડવા અને તેને બીજે ક્યાંય લગાવવા. કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે પોલીસના બજેટમાં ઘટાડો કરીને શિક્ષણ, આરોગ્ય, પ્રાથમિક સુવિધાઓ અને સામાજિક વિકાસમાં તેનો ઉપયોગ કરવાથી ઘણા ગુનાઓ ઘટી જશે અને તેનો ફાયદો આખરે પોલીસને જ થશે. પોલીસે બધા જ કામોમાં સામેલગીરી કરવી પડે છે જેમ કે કોઈનો પાડોશી સાથે ઝગડો થયો હોય, પતિ-પત્નીની દલીલ થઇ હોય, શાળામાં શિસ્ત ન જળવાતું હોય કે કોઈનો છોકરો ડ્રગ લેતો હોય તો તેવા કિસ્સાઓમાં પણ પોલીસને પોતાનો સમય આપવો પડે છે. આ પૈકીના ઘણા પ્રશ્નો એવા છે કે જે પોલીસની જવાબદારી નથી. તેનો યોગ્ય શિક્ષણ અને અન્ય સામાજિક સેવાઓ દ્વારા નિકાલ લાવી શકાય છે.
અમેરિકામાં દર ત્રીજી પુખ્ત વયની વ્યક્તિ પાસે પિસ્તોલ/બંદૂક જેવું હથિયાર છે. અમેરિકામાં જૂન ૨૦૨૦ દરમિયાન એક જ મહિનામાં લગભગ ૩૯ લાખ હથિયારો વેંચાયા હતા. ત્યાં અન્ય વિકસિત દેશોની સરખામણીમાં માનવહત્યાનો દર પણ ખુબ ઊંચો છે. ગુનેગારો દ્વારા કરવામાં આવતી હત્યા જ નહિ, અમેરિકન પોલીસ પણ જરૂર પડે તો ખુલ્લે હાથે શકમંદ ગુનેગારને ઠાર કરે છે. તેનો નિર્દેશ એ છે કે અમેરિકામાં પોલીસે વર્ષ ૨૦૧૯ દરમિયાન ૯૯૯ લોકોને ઠાર માર્યા હતા જયારે આ વર્ષ દરમિયાન ઇંગ્લેન્ડ અને વેલ્સમાં કુલ મળીને પોલીસે ત્રણ લોકોને ઠાર કર્યા હતા. એટલે કે અમેરિકામાં પોલીસ અને સમાજ વચ્ચે ઘર્ષણ વધારે છે.
રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને પૈકી કોઈ જ પાર્ટીએ પોલીસના ડિફન્ડિંગના મુદ્દાને સ્વીકાર્યો નથી. પરંતુ અમેરિકામાં પણ પોલીસ સ્થાનિક વહીવટનો પ્રશ્ન છે. અમેરિકા પોલીસિંગ માટે વર્ષના લગભગ ૧૧૫ બિલિયન ડોલર ખર્ચે છે. તે અન્ય દેશોની સરખામણીમાં જીડીપીનો ઘણો મોટો હિસ્સો છે. આટલા મોટા બજેટ અને મોટા પોલીસ દળ સાથે સાથે અમેરિકન પોલીસને આધુનિક અને મિલિટરી સ્તરના હથિયાર પણ આપવામાં આવે છે. પરંતુ તેની સામે ટ્રેનિંગ પણ મહત્વ ધરાવે છે. એક અભ્યાસ અનુસાર અમેરિકાની પોલીસની સરેરાશ ટ્રેનિંગ ૧૬ સપ્તાહની હોય છે. જયારે ઈંગ્લેન્ડમાં તે ૪૮ સપ્તાહ અને જર્મનીમાં બે વર્ષ હોય છે. અમેરિકન પોલીસની ટ્રેનિંગમાં પણ લગભગ ૧૬૮ કલાક હથિયાર ચલાવવાની અને સ્વરક્ષણની ટ્રેનિંગ છે જયારે ૪૦ કલાકથી ઓછી ટ્રેનિંગ કોમ્યુનિટી પોલીસિંગ, નેગોશિએશન કે સંઘર્ષ અટકાવવા અંગે હોય છે.
ભલે સંદર્ભ અમેરિકાનો લઈએ પરંતુ પ્રશ્ન એ છે કે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં પોલીસિંગ અંગે આપણે કેવો અભિપ્રાય ધરાવીએ છીએ? શરૂઆતમાં એ વાત પણ સમજી લઈએ કે આપણા સમાજમાં દરેક ગુનાઓ માટે પોલીસને જવાબદાર ગણાવવામાં આવે છે. કાયદો અને વ્યવસ્થાથી માંડીને ટ્રાફિક બંદોબસ્ત, વીઆઈપી બંદોબસ્ત, તહેવારો કે મેળાઓની સુરક્ષા અને મંદિરોમાં લોકોની લાઈન મેનેજ કરવા જેવા કામો પણ પોલીસ પાસેથી કરાવવામાં આવે છે. દરેક પોલીસ કર્મચારી પોતાની નોકરીના કલાકોથી સરેરાશ દોઢું કામ કરતો હશે તેવું કહીએ તો કદાચ ખોટું નહિ હોય.
ભારતમાં તો માથાદીઢ પોલીસની સંખ્યા પણ ઓછી છે અને પરિણામે તેમના પર કામનું ભારણ વધે છે.
અમેરિકમાં ચાલી રહેલી ડિફન્ડીંગની ડિબેટના દ્રષ્ટિકોણથી આપણે ગુનાઓને રોકવા અંગે પોલીસિંગ સિવાયના એવા ક્યાં ઉપાયો કરી શકીએ તે વિચારવા જેવું છે. આવા સમયે પોલીસ ફોર્સને વધારે મજબૂત બનાવવી, તેના પર વધારે જવાબદારી મુકવી કે પછી તેમના કામોને નવા સંદર્ભમાં જોવા તે નીતિના ઘડવૈયાઓ પર આધાર રાખે છે. અનેક જગ્યાએ થયેલા અભ્યાસ અને નિષ્ણાતોના મંતવ્યો એવું કહે છે કે ગુનો થાય અને તેને પકડવા પોલીસને દોડાવીએ તેના કરતા જો ગુનો થાય જ નહિ, સમસ્યા જ ઉભી ન થાય તેવા વિકલ્પો વિકસાવવામાં આવે તો પોલીસનું કામ સરળ બને. સમાજમાં જો વ્યવસ્થા જળવાય તો અવ્યવસ્થા રોકવાનો પ્રશ્ન જ ઉભો ન થાય.
પોલીસના ડરને કારણે લોકો ગુનો ન કરે તેવું નહિ પરંતુ તેમને ગુનો કરવાની જરૂર જ ઉભી ન થાય, તેમનું શિક્ષણ જ એવું હોય કે તેઓ ગુનો કરતા અટકાય, સમાજમાં રહેલી તિરાડોને પારખીને તેને પૂરવાની મહેનત કરવામાં આવે, પ્રાથમિક જરૂરિયાત અને સમજણ વિકસાવવા પ્રયત્ન કરવામાં આવે તથા સામાજિક મતભેદો અને ભેદભાવોને દૂર કરવામાં આવે તો કદાચ પોલીસ-ફ્રી સ્ટેટ આપણે જોઈએ શકીએ.