થોડા દિવસ પહેલા એક નોવેલ વાંચતા લાગ્યું કે વાર્તામાં કઈ ખાસ દમ લાગતો નથી. આ પુસ્તકના ત્રણસો પાના વાંચવામાં સમય બગાડવો કે નહિ તેવો વિચાર આવ્યો. આવું આપની સાથે પણ થતું હશે. જો આપણને એક-બે પ્રકરણ વાંચતા મજા ન આવે તો ચોપડી છોડી દઈએ અને બીજું કઈ રસ પડે તેવું વાંચવા ઉઠાવી લઈએ. પરંતુ જીવનમાં તો એવું શક્ય નથી. એક એક દિવસ જે આપણે જીવીએ છીએ, નાની-મોટી ઘટનાઓમાંથી પસાર થઇએ છીએ તેની અસર આપણા આગળના જીવન પર થાય છે. ગમે કે ન ગમે પરંતુ તે તો સ્વીકારવું જ રહ્યું. નવલકથા બદલી શકાય, પરંતુ જીવનની કથા કેવી રીતે બદલીએ? જે મળી છે તે જ જીવવાનીને?

જો કે વાત એટલી નિરાશાજનક પણ નથી. નવલકથાનું એક એક પ્રકરણ મળીને, તેમાં આવતા કિરદારોથી સંપૂર્ણ કથા બને છે. એટલે એક એક કિસ્સો, એક એક કહાની મળીને પુરી નવલકથા બને. આપણા જીવનનું પણ કૈંક એવું જ છે ને? તે પણ નાના નાના પ્રસંગો અને પાત્રોથી બને છે. દરેક ઘટના અને વ્યક્તિ આપણા જીવનની કથાને કોઈને કોઈ રીતે આગળ વધારે છે, એક દિશા આપે છે. નવલકથાના કોઈ પ્રકરણ દર્દભર્યા પણ હોઈ શકે અને કોઈક ખુશખુશાલ કરી મૂકે તેવા પણ હોય.

મહત્ત્વનો પ્રશ્ન એ છે કે નવલકથા પહેલાથી લખાયેલી આપણા હાથમાં આવે છે. તેમાં અંતે શું થવાનું છે તે કોઈ લખી ચૂક્યું છે. આપણને તેના અંગે માહિતી નથી અને શું બનશે તે જાણવાની જિજ્ઞાષામાં આપણે ત્રણસો ચારસો પાના વાંચીએ છીએ. શું જીવનમાં પણ આગળ શું થવાનું છે પહેલાથી લખાઈ ચૂક્યું છે? માત્ર શું થશે તેનાથી અજાણ હોવાથી આપણે જીવ્યા કરીએ છીએ? આપણા જીવનમાં કોણ આવશે, ક્યારે આવશે, આપણને કેવી રીતે અસર કરશે વગેરે નિયત છે? જો એવું જ હોય તો આપણે પોતાના જીવનની કથાને બદલી શકીએ ખરા?

પ્રારબ્ધ અને પુરુષાર્થ બંને પૈકી આપણા જીવનને કોણ વધારે અસર કરે છે? લખાયેલી વાર્તાના મુખ્ય કિરદાર તરીકે આપણે પોતાનો રોલ ભજવ્યે જવાનો છે કે પછી પુરુષાર્થ કરીને, આ પ્રકરણમાં મહેનત કરીને હવે પછી આવનારા પ્રકરણને આપણે લખી શકીએ છીએ? અને તેમાં પણ આપણી નજર સામે કેટલાય લોકોના જીવન તો એવા આશ્ચર્યચકિત કરી દે તેવા વળાંક લેતા હોય છે જાણે કોઈ થ્રિલર નોવેલની કહાની. કેટલાક લોકોના જીવન ગ્રીક ટ્રેજેડી જેવા – કરુણાંતિકા જેવા હોય છે અને કેટલાક લોકોના હેપી-ગો-લકી પ્રકારના સુખદ અને સરળ હોય છે. અલ્કેમીસ્ટ નવલકથાની જેમ એક સામાન્ય છોકરો પોતાનું નસીબ બદલવા પ્રયત્ન કરતો રહે, કે પછી માનવીની ભવાઈની જેમ લોકો દુકાળનો ભોગ બને અને નસીબની બલિહારીથી વરસાદ આવવાની રાહ જોવા સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ ન રહે તેવું આપણી નજર સામે બનતું હોય છે.

વાર્તાથી જીવનચક્ર તરફ ખેંચીને લઇ ગયેલો આ પ્રશ્ન ગહન છે પરંતુ તેનો ઉકેલ કોણ જાણી શકે? પ્રારબ્ધવાદી લોકોનો પોતાનો મત હોય છે અને પુરુષાર્થવાદીઓનો પોતાનો. પ્રારબ્ધવાદીઓ પોતાની મહેનતથી જીવનના આગળના પડાવને સારા બનાવતા હોય તેવા ઉદાહરણોમાં માને છે. પરંતુ શું તે પણ નવલકથાના ભાગ તરીકે લખાયેલું હતું કે કોઈ મહેનત કરીને કે ચમત્કારિક રીતે જીવનમાં પરિવર્તન લાવશે? નવલના અને જીવનના આગળના પાનાઓમાં શું લખ્યું છે તે ન જાણવાનું દુઃખ કરવું કે પછી જેમ નવલકથામાં આવતા વળાંકો અને ઘટનાઓથી આપણે રોમાંચિત થઈએ છીએ તેમ જીવનને પણ વાંચકના ભાવે જીવવું? જે નવા પરિવર્તનો આવે તેનાથી રોમાંચિત થવું?

Don’t miss new articles