ઇંગ્લેન્ડ ફૂટબોલ વર્લ્ડકપના ફાઇનલમાં પહોંચી ગયું છે અને તેનો ઉત્સાહ પુરા લંડનમાં જ નહિ પરંતુ યુકેમાં દેખાઈ રહ્યો છે. ‘ઇટ્સ કમિંગ હોમ’ એટલે કે કપ ઘરે આવી રહ્યો છે એવા સૂત્રો ઠેર ઠેર લખાઈ ગયા છે. બધા પબ, ક્લબ અને કેટલીક જગ્યાએ તો ખુલ્લી જગ્યાઓમાં મોટી સ્ક્રિન લગાવી દેવામાં આવી છે અને ઇંગ્લેન્ડના મેચના દિવસે મોટી ભીડ જોવા મળે છે. ઇંગ્લેન્ડનો સેમી ફાઇનલમાં વિજય થતા તો રાત્રે યુવાનો અને ઉત્સાહીઓના ટોળા રસ્તા પર નીકળીને સેલિબ્રેટ કરતા જોવા મળેલા. ફાઇનલ આ રવિવારે ઇટાલી અને ઇંગ્લેન્ડની ટિમ વચ્ચે રમાવાનો છે.

UEFA યુરોપીઅન ફૂટબોલ ચેમ્પિયનશિપ – કે જેને યુરો ચેમ્પિયનશિપ પણ કહે છે – તે ૧૨ જૂન થી ૧૨ જુલાઈ ૨૦૨૦ દરમિયાન રમાવાની હતી. કોવીડને કારણે તે નિશ્ચિત સમયે ન રમાઈ અને હવે ૨૦૨૧માં રમાઈ રહી છે પરંતુ એનું નામ યુરો ૨૦૨૦ જ રાખવામાં આવ્યું છે. આ ૧૬મી યુરો ચેમ્પિયનશિપ છે.

પ્રથમ ચેમ્પિયનશિપ ૧૯૬૦માં ફ્રાન્સમાં શરુ થયેલી અને તેમાં ચાર યુરોપીય ટિમ હતી. સોવિયેત સંઘની ટીમે યુગોસ્લાવિયાની ટીમને હરાવીને પ્રથમ યુરો કપ જીતેલો. દર ચાર વર્ષે આ ટુર્નામેન્ટ રમાઈ છે અને તે યુરોપની સૌથી મોટી ફૂટબોલ ટુર્નામેન્ટ છે. ઇંગ્લેન્ડ અત્યાર સુધીમાં એકેયવર ચેમ્પિયન થયું નથી. જર્મની અને સ્પેઇન સૌથી વધારે ૩ – ૩ વાર ચેમ્પિયન થયા છે. આ વખતે ઇંગ્લેન્ડ માટે પ્રથમ ચાન્સ છે. ઇટાલી પણ ૧૯૬૮માં એકવાર ચેમ્પિયન રહી ચૂક્યું છે.

યુરો ૨૦૨૦માં ગ્રુપ સ્ટેજમાં ઇંગ્લેન્ડે ક્રોએશિયાને ૧-૦થી પરાજિત કરેલું, પછી સ્કોટલેન્ડની ટિમ સામે તેનો મેચ ૦-૦થી ડ્રો ગયેલો. ત્યારબાદ ચેક રિપબ્લિક સામે ઇંગ્લેન્ડ ૦-૧થી જીત્યું અને જયારે જર્મનીને ૨-૦થી હરાવ્યું ત્યારે તો એકદમ ઇતિહાસ રચાઈ ગયો. ત્યારબાદ ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લેન્ડે યુક્રેઇનને ૪-૦થી અને સેમિફાઇનલમાં ડેન્માર્કને ૨-૦થી પરાજિત કરેલા.આ વખતે ફૂટબોલ કપ પણ હોમપીચ પર વેમ્બ્લીમાં જીતવા માટે ઇંગ્લેન્ડ આશા રાખી રહ્યું છે.

અત્યારે શાળાઓમાં રજાઓ પડી ગઈ છે અને માહૌલ સ્પોર્ટ્સ અને થિયેટરનો ચાલી રહ્યો છે. કોરોનાને સંબંધિત નિયંત્રણો ઘટવાથી અને તેનાથી થતા મૃત્યુની સંખ્યા ખુબ નિયંત્રણમાં હોવાથી લોકો ખુશીથી ફરી રહ્યા છે. ધીમે ધીમે કાર્યક્રમો યોજાવાની શરૂઆત પણ થઇ ગઈ છે. અત્યારે ભારતીય ટિમ અહીં ટેસ્ટ રમવા આવી છે અને ટેસ્ટ મેચોની શૃંખલા ચાલી રહી છે. તે દરમિયાન વચ્ચે સમાચાર આવેલા કે ઇંગ્લેન્ડની વેન ડે ક્રિકેટ ટીમમાં બે ખેલાડી અને ત્રણ મેનેજમેન્ટના સભ્યો કોવીડ પોઝિટિવ આવેલા.

૧૨-૧૬ ઓગસ્ટના દિવસોમાં ભારત અને ઇંગ્લેન્ડનો ટેસ્ટ મેચ લોર્ડ્સ ગ્રાઉન્ડમાં યોજવાનો છે તેના માટે પણ અહીં લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ૧૫મી ઓગસ્ટ જયારે ભારત આઝાદીના ૭૪ વર્ષ ઉજવી રહ્યું હશે ત્યારે જ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચનો ચોથો દિવસ હશે. ભારતીયમૂળના કેટલાક લોકો આ મેચને લગાન ફિલ્મ સાથે સરખાવી રહ્યા છે અને ખાસ કરીને તે મેચ ભારત જીતી જાય તેવી આશા સેવી રહ્યા છે. જો કે અત્યારે ઈંગ્લેન્ડનું પલડું ભારી લાગી રહ્યું છે. ક્રિકેટ વર્લ્ડ કપ પણ બે વર્ષ પહેલા ઇંગ્લેન્ડે પ્રથમ વખત જીતેલો અને તે પણ હોમ ગ્રાઉન્ડ પર. ફૂટબોલ ફાઇનલમાં પણ તેના નસીબ જોર કરી રહ્યા હોય તેવું લોકો કહે છે, પરંતુ જોઈએ શું થાય છે આ રવિવારે.

Don’t miss new articles