છેલ્લા કેટલાક સપ્તાહથી આપણે કેન્યાની ચૂંટણી અંગે જ વાત કરી રહ્યા છીએ અને કેમ ન હોય જયારે લોકશાહીનો આવો જંગ જામ્યો હોય ત્યારે બીજો શું વિષય હોઈ શકે આપણા માટે? આ સપ્તાહે હારેલા ઉમેદવાર રાયલા ઓડિંગાએ સુપ્રીમ કોર્ટમાં ચૂંટણીના પરિણામને લલકારી દીધા છે. સોમવારે તેણે ઈન્ડિપેન્ડન્ટ ઈલેક્ટોરલ એન્ડ બાઉન્ડરીઝ કમિશન (IEBC) દ્વારા જાહેર કરાયેલ રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામને રદબાતલ ઠરાવવા સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે. ૭૨ પાનની તેની અરજી સાથે સાત ટનનો ટ્રક ભરીને દસ્તાવેજી પુરાવા તેણે રજુ કર્યા હતા. અત્યારે સુપ્રીમ કોર્ટ આ અપીલ સાંભળી રહી છે. રોજ એક પૂર્વ નિશ્ચિત સમયપત્રક પ્રમાણે સુપ્રીમ કોર્ટ અરજીના અલગ અલગ પહેલુને ચકાસી રહી છે અને પાંચ સપ્ટેમ્બર સુધીમાં તે પોતાનું પરિણામ આપે તેવું બની શકે.

સુપ્રીમ કોર્ટના જજમેન્ટ દ્વારા અનેક શક્યતાઓ સામે આવી શકે. એક તો એ કે સુપ્રીમ કોર્ટ ચૂંટણીના પરિણામને માન્ય રાખે અને કહે કે IEBC ના પરિણામમાં કોઈ ભૂલ નથી અને વિલિયમ રૂટો જ પ્રેસિડેન્ટ છે. બીજી શક્યતા એ છે કે તે ચૂંટણીના પરિણામને ઉલટાવી નાખે અને કહે કે વિલિયમ રૂટો નહિ પરંતુ રાયલા ઓડિંગા જીતેલ ઉમેદવાર છે. ત્રીજી શક્યતા એ છે કે સુપ્રીમ કોર્ટ એવો નિર્ણય આપે કે IEBC એ જાહેર કરેલા પરિણામમાં ભૂલ છે અને બેમાંથી એકેય ઉમેદવારને આવશ્યકતા અનુસાર ૫૦% કરતા વધારે મત મળ્યા નથી, જેથી બેમાંથી એકેય ચૂંટણી જીત્યા નથી. આ સંજોગોમાં તે રાષ્ટ્રપતિની ચૂંટણી ફરીથી કરાવે. આ વખતે માત્ર ટોંચના બે ઉમેદવારો વચ્ચે જ ચૂંટણી થાય તેવી જોગવાઈ છે. ચોથી શક્યતા એ છે કે સુપ્રીમ કોર્ટ સંપૂર્ણ ચૂંટણીને જ રદબાતલ ઠરાવે અને બધી જ ચૂંટાયેલી જગ્યાઓ માટે નવેસરથી મતદાન થાય. આ વિકલ્પમાં તો ગવર્નર, સંસદ સભ્યો વગેરે માટે પણ ફરીથી ચૂંટણી કરવી પડે.

લોકો હવે સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ તો જોઈ રહ્યા છે પરંતુ પહેલા જેવી આતુરતા દેખાતી નથી. સૌ પોતપોતાના કામે લાગી ગયા છે અને ધીમે ધીમે બજાર ખુલવા મંડ્યા છે, ઓફિસ ખુલવા માંડી છે. જો કે સરકારમાં જે અત્યાર સુધી પ્રેસિડેન્ટ હતા તે ઉહુરુ કેન્યાટા અત્યારે કામચલાઉ પ્રેસિડેન્ટ તરીકે હાજર હોવા છતાં કોઈ નિર્ણય લઇ શકે તેમ નથી. આ સપ્તાહ દરમિયાન કેન્યાની ૪૭ કાઉન્ટી એટલે કે રાજ્યોમાં જે ગવર્નર તરીકે ચૂંટાઈને આવેલા તે મોટાભાગના ગવર્નરે શપથ લઇ લીધી છે અને ધીમે ધીમે તેઓ પોતાની કેબિનેટ જાહેર કરવાના કામમાં લાગી જશે. દરેક કાઉન્ટીમાં ગવર્નર ૧૦ સભ્યોની કેબિનેટ બનાવી શકે છે. કેન્દ્રમાં જે નેશનલ એસેમ્બલી છે તેના સભ્યો – આપણે ત્યાંના મેમ્બર ઓફ પાર્લામેન્ટ – પણ હવે પોતાનું કામ શરુ કરી શકે છે અને તેના માટે શપથ લેવાના છે. જો કે આ સભ્યો ઉહુરુ કેન્યાટા માટે નહિ પરંતુ જે નવા પ્રેસિડેન્ટ જાહેર થશે તેના માટે કામ કરવાના છે. એટલા માટે સંસદ શરુ થવા છતાંયે પુરી રીતે કાર્યરત થઇ શકશે નહિ. આ પરિસ્થિતિને કારણે કેટલાય કામ અટકી જશે કે ધીમા પડી જશે. કેટલીક બેઠકો પરની ચૂંટણીઓ રદ થઇ હતી એટલા માટે ત્યાં નવેસરથી ચૂંટણીઓ યોજવાની તૈયારી ચાલી રહી છે. તેનો સંબંધ કોર્ટમાં ચાલતા કેસ સાથે નથી પરંતુ તે સ્વતંત્ર રીતે યોજવામાં આવશે.


કેન્યા ચૂંટણીના માહોલમાંથી બહાર આવી જાય એટલે આપણે બીજી બાબતો વિષે પણ ચર્ચા કરીએ. અહીં કેટલીય એવી રસપ્રદ વાતો છે કે જે આપણને જાણવી જરૂર ગમશે, ખાસ કરીને ગુજરાતીઓને. અહીં સવાસો વર્ષથી વધારે જુના આવેલા ગુજરાતી પરિવારો પણ છે અને તેઓએ પોતાના સામ્રાજ્ય જમાવ્યા છે, તેવી જ રીતે નવા આવેલા યુવાનોએ પણ પોતાનું સારું વર્ચસ્વ સ્થાપ્યું છે. અહીંની સ્થાનિક વ્યવસ્થામાં પણ ઘણું રસપ્રદ જાણવા જેવું છે જે સમયે સમયે ચર્ચામાં લાવતા રહીશું.

Don’t miss new articles