15 મી ઓગસ્ટ સાંજે છ વાગ્યા પછી ઇન્ડિપેન્ડન્ટ ઈલેક્ટોરલ એન્ડ બાઉન્ડરીઝ કમિશન (IEBC) ના ચેરમેન દ્વારા કેન્યાની રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. તેમણે વિલિયમ રૂટોને કેન્યાના પાંચમાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા જાહેર કર્યા. વિલિયમ રૂટોને કુલ ૫૦.૪૯% મત મળ્યા હતા જ્યારે તેના સૌથી નજીકના પ્રતિસ્પર્ધી રાયલા ઓડિંગાને ૪૯.૮૫% મત મળેલા એવું જાહેર થયું. આ રીતે રૂટો કેન્યાના પાંચમાં રાષ્ટ્રપતિ જાહેર તો થયા પરંતુ તેની પહેલા અને પછી જે નાટકીય ઘટનાઓ બની તે ખૂબ રસપ્રદ છે.
આઈઈબીસીના ચેરમેન દ્વારા જાહેર કરાયું હતું કે બપોરે ત્રણ વાગ્યે તે બોમાસ નામના એક મોટા હોલમાં પરિણામ જાહેર કરશે અને એટલા માટે તે સ્થળ રાજકારણીઓ, પત્રકારો અને ડિપ્લોમેટથી ખચોખચ ભરાઈ ગયું. વિલિયમ રૂટો પણ લગભગ સમયસર ત્યાં પહોંચી ગયેલા અને અમુક સમય પછી તેમના માતાશ્રી પણ ત્યાં આવી પહોંચ્યા. જો કે રાયલા ઓડિંગા ત્યાં દેખાયા નહીં. સમય વીતતો જતો હતો અને આખા દેશમાં લોકો ટીવી સામે બેસીને ચૂંટણી પરિણામની રાહ જોઈ રહ્યા હતા. તેવામાં લગભગ સાડા ચાર વાગ્યાની આસપાસ રાયલા ઓડિંગાના મુખ્ય ચૂંટણી એજન્ટ દ્વારા બોમાસ સેન્ટરની બહાર પત્રકારોને એવું કહેવામાં આવ્યું કે જ્યાં સુધી તેમને પરિણામ અને ગણતરીની ખરાઈ – વેરિફિકેશન કરવા નહીં મળે ત્યાં સુધી તેમના નેતા રાયલા ઓડીગાને ત્યાં બોલાવશે નહીં. એક રીતે તેઓએ ચૂંટણીના પરિણામ અંગે પોતાની શંકા વ્યક્ત કરી.
આ તો થઈ એક રાજકીય પક્ષની વાત. તેના થોડા સમય પછી IEBC કે જેમાં કુલ સાત કમિશ્નર હોય છે તેમાંથી વાઇસ ચેરમેન સહિત ચાર કમિશનર બહાર આવ્યા અને તેમણે મીડિયા સમક્ષ જાહેર કર્યું કે ચેરમેન જે પરિણામ જાહેર કરવા જઈ રહ્યા છે તેમાં અનિયમિતતા અને અપારદર્શકતા હોવાથી અમે ચારેય તેની સાથે સહમત કે સંલગ્ન નથી. એ રીતે IEBC ના સાત માંથી ચાર કમિશ્નરોએ આવનારા પરિણામથી પોતાને અલગ કરી દીધા. આ ઘટના બાદ બોમાસ સેન્ટરમાં થોડો હોબાળો થયો અને પોલીસે રાયલા ઓડિંગાના કેટલાક સમર્થકોને તોફાન કરવાને કારણે બહાર કાઢ્યા.
લગભગ છ વાગીને દશ મિનિટ થઇ હશે ત્યારે IEBC ના ચેરમેન બહાર આવ્યા અને તેમણે ચૂંટણીનું પરિણામ જાહેર કર્યું કે વિલિયમ રૂટો રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. પરિણામ બાદ નાઇરોબી સહિત કેન્યાના અનેક સ્થળોએ માહોલ ખૂબ તણાવગ્રસ્ત રહ્યો. મોટાભાગના લોકો ત્રણ વાગ્યાથી જ ટીવી સામે બેસીને રાહ જોતા હતા કે પરિણામ શું આવશે? કેમ કે અગાઉ કહ્યું તેમ ચૂંટણીનો જંગ વિલિયમ રૂટો અને રાયલા ઓડિંગા વચ્ચે રસાકસીપૂર્ણ હતો. સાંજે હિંસાના કેટલાક બનાવો બન્યા અને કેટલીક જગ્યાએ વિજેતા ઉમેદવારના સમર્થકોએ મોટી સંખ્યામાં આવીને સમર્થન પ્રદર્શન પણ કર્યા.
તણાવગ્રસ્ત માહોલમાં સૌને ઇન્તેઝાર હતો કે રાયલા ઓડિંગા શું પ્રતિભાવ આપશે. બીજા દિવસે તેને જાહેર કર્યું કે તે બે વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. તે પોતાની પ્રેસ કોન્ફ્રન્સ કરે તે પહેલા IEBC ના વાઇસ ચેર અને બીજા ત્રણ કમિશનર કે જે લોકોએ એક દિવસ પહેલા પરિણામ સાથે અસહમતી દર્શાવી હતી તેઓએ પ્રેસ કોન્ફરન્સ કરી અને ચાર કારણો આપ્યા કે શા માટે જાહેર કરવામાં આવેલું પરિણામ તેમને મંજૂર નહોતું. ત્યારબાદ રાયલા ઓડિંગાએ અલગથી પોતાની પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ રીતે કહ્યું કે તેઓ આ પરિણામને નકારે છે અને કેટલીક સંવૈધાનિક જોગવાઈઓ અનુસાર તે રદબાતલ થવાને યોગ્ય છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે તેઓ આ ચૂંટણી પરિણામને સુપ્રીમ કોર્ટમાં લલકારશે.
કેન્યાના સંવિધાન અનુસાર તેમની પાસે સાત દિવસનો સમય છે કે તેઓ ચૂંટણીના પરિણામને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરી શકે. જો સુપ્રીમ કોર્ટ તેમની અરજીને નામંજૂર કરે તો વિલિયમ રૂટો રાષ્ટ્રપતિ તરીકેની શપથ લઈ લેશે પરંતુ જો સુપ્રીમ કોર્ટ ઓડિંગાની અરજીને મંજૂર રાખે અને ચૂંટણીના પરિણામને રદબાતલ ઠરાવે તો નવી ચૂંટણી એ બંને ઉમેદવારો વચ્ચે યોજાય. એટલે કે હવે પછી જેમને સૌથી વધારે મત મળ્યા હોય તેવા બે ઉમેદવારો વચ્ચે જ ફરીથી ચૂંટણી થશે અને તે લગભગ નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાશે.
આ રીતે ચૂંટણીનું પરિણામ તો આવી ગયું પરંતુ તેમ છતાં કેટલીક એવી પરિસ્થિતિઓ સામે આવી ઊભી છે કે લોકોમાં અનિશ્ચિતતા ફેલાઈ છે. જો કે હવે લાંબો સમય સુધી લોકો ચૂંટણી ચૂંટણી કરીને ઘરે બેસી શકે તેમ નથી, પોતાનું કામ રોકી શકે તેમ નથી એટલે સૌ ધીમે ધીમે ફરીથી પોતપોતાના કામમાં લાગવાનું શરૂ કરી રહ્યા છે.