છેલ્લા અઠવાડિયે પણ આપણે કેન્યામાં ચાલી રહેલ રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે જ વાત કરેલી અને જોગાનુંજોગ આ વખતે પણ તેની જ વાત કરીશું. કેમ કે અહીં એવી પરિસ્થિતિ છે કે બધી બાજુ માત્ર અને માત્ર ચૂંટણીની જ વાત ચાલી રહી છે.

નવમી ઓગસ્ટે આખા કેન્યામાં ચૂંટણી યોજાઈ ગઈ. 46 હજારથી વધારે પોલિંગ સ્ટેશન પર લોકોએ મતદાન કર્યું. આંકડા દર્શાવે છે કે આ વખતે 22 મિલિયન મતદારોમાંથી માત્ર 14 મિલિયન મતદાર એટલે કે 65% લોકોએ મતદાન કર્યું છે જે 2017ની ચૂંટણીની સરખામણીમાં ઘણું ઓછું છે, ત્યારે ૮૦ ટકા જેટલું મતદાન થયેલું.

પહેલાથી જે રીતે આપણે વાત કરતા આવ્યા છીએ તેમ બે ઉમેદવારો વચ્ચે કટોકટીનો જંગ જામેલો છે. ચૂંટણી બુથ પર સવારે છ વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી મતદાનનો સમય હતો. જે લોકો પાંચ વાગ્યા પહેલા આવીને લાઈનમાં ઊભા રહી ગયા હોય તેમને મતદાન ન કરે ત્યાં સુધી સામાન્ય રીતે બુથ ખુલ્લું રાખવામાં આવતું હોય છે. લોકો મતદાન કરી લે તેના અમુક સમય પછી ચૂંટણી બુથ મત ગણતરી મથકમાં ફેરવી દેવામાં આવે છે. ત્યાંનાં પ્રિસાઇડિંગ ઓફિસરની નીચેના લોકો મતની ગણતરી કરે છે. પ્રિસાઇડિંગ ઓફિસર ફોર્મ ૩૪A માં મતની સંખ્યા લખીને ઇન્ડિપેન્ડન્ટ ઇલેક્ટોરલ એન્ડ બાઉન્ડ્રીઝ કમિશન (IEBC)ને ફોટો મોકલી આપે છે. આ સમયે મીડિયાને પણ ફોર્મનો ફોટો લેવાની છૂટ હોય છે. આ રીતે મોકલાયેલા ફોર્મ 34A ની ઇમેજને IEBC પોતાની વેબસાઈટ પર અપલોડ કરે છે. અપલોડ થયેલા ફોર્મ ૩૪Aમાં રાષ્ટ્રપતિ અને પાર્લામેન્ટના કયા ઉમેદવારને કેટલા મત મળ્યા તે લખેલું હોય છે. આ ફોર્મના આધારે અનેક મીડિયા હાઉસ પોતપોતાની રીતે ગણતરી શરૂ કરી દે છે અને પોતપોતાની વેબસાઈટ, ટીવી અને સમાચાર પત્રોમાં છાપે છે.

ગુરુવારે રાત સુધીમાં લગભગ ૯૦ ટકાથી વધારે ફોર્મની ગણતરી થઈ ગયેલી હતી અને બે ઉમેદવારો એટલે કે રાયલા ઓડીગા અને વિલિયમ રૂટો વચ્ચે કશા કશીની રેસ ચાલતી હતી. ક્યારેક રાયલા આગળ તો ક્યારેક રૂટો આગળ. તેમની વચ્ચે મતનો તફાવત વધારે નહોતો. બંનેને લગભગ 49 ટકાથી વધારે મત મળ્યા હતા ત્યાર પછી મીડિયાએ અચાનક ગણતરી દર્શાવવાનું બંધ કરી દીધું. આગળની ગણતરી મીડિયા દ્વારા દર્શાવવામાં આવી નથી એટલે આખરી પરિણામ શું હશે એ હજુ ખબર પડતી નથી. જો કોઈ ઉમેદવારને 50% થી વધારે મત નહીં મળે તો જેને સૌથી વધારે મત મળ્યા હશે તેવા બે ઉમેદવારો વચ્ચે ફરીથી ચૂંટણી યોજાશે. આવા બે ઉમેદવારો રાઇલા ઓડિંગા અને વિલિયમ રૂટો જ છે કેમકે બીજા બે ઉમેદવારોને તો કુલ મળીને પણ ૧% થી ઓછા મત મળ્યા છે. આ વખતે મતદાન એકદમ ટ્રાઇબ કે એથનીસિટીના આધારે થયું હોય તેવું લાગતું નથી કેમકે અલગ અલગ ઉમેદવારોને બીજી ટ્રાઇબનો દબદબો હોય તેવા વિસ્તારોમાંથી પણ સારા મત મળ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

સત્તાવાર રીતે તો IEBC જ ચૂંટણીનું પરિણામ જાહેર કરી શકે એટલા માટે જ્યારે IEBC એ પોતાની ગણતરી જાહેર કરવાનું શરૂ કર્યું ત્યારે મીડિયાએ સ્વયં નિયંત્રણ લાદીને આગળની ગણતરી ન દર્શાવી. જોકે અત્યારે ગણતરી ખૂબ ઢીલી ચાલી રહી છે. લોકો મોટાભાગે બેમાંથી એક મુખ્ય ઉમેદવારને વફાદાર જણાય છે અને અચાનક ગણતરી અટકી જતા અને આખરી પરિણામ જાણવા ન મળતા સૌને લાગી રહ્યું છે કે કોઈક રીતે ચૂંટણીમાં ક્યાંક ગફલત કરીને બીજા ઉમેદવારને જીતાડવાના પ્રયત્નો થઈ રહ્યા હોઈ શકે. આ કારણથી પરિસ્થિતિ થોડી તંગ બની ગઈ છે અને જ્યાં સુધી IEBC આખરી પરિણામ સત્તાવાર રીતે જાહેર નહીં કરે ત્યાં સુધી લોકોને ચેન પડશે નહીં. આવી રસાકસી વળી ચૂંટણીઓ ભાગ્યે જ ક્યાંક થતી હોય છે અને અત્યારે કેન્યામાં એવું બની રહ્યું છે. સાત દિવસ સુધીમાં IEBC એ પરિણામ જાહેર કરવું ફરજીયાત છે એટલે બહુ બહુ તો મંગળવાર સુધીમાં પરિણામ આવી જવું જોઈએ.