ક્યારેક આપણે પોતાના અસ્તિત્વ અને ક્ષમતાને લઈને એટલા અભિમાનમાં આવી જઈએ છીએ કે વાસ્તવિકતા જોઈ શકતા નથી. સૃષ્ટિમાં દરેક જીવ પોતપોતાની એક મર્યાદાને વશ થઈને જીવે છે જેનાથી વાકેફ હોવું જરૂરી છે. જે વ્યક્તિ આ સીમાને અવગણે તે મોટી ભૂલ કરી બેસે છે. પોતાની પ્રગતિથી અંજાઈને જે લોકો આ સત્યને વિસરાવી દે તેમને ભાનમાં લાવવા મુશ્કેલ છે. આમ તો સૌ જાણે છે કે તેમની શક્તિ અને સમજની એક મર્યાદા છે પરંતુ ક્યારેક જાણવા છતાં તેને સ્વીકારવું અઘરું હોય છે. જો એવું ન બનતું હોત તો ડેવિડ અને ગોલિઆથની લડાઈ જ ન થાત ને? દ્વંદ્વ યુદ્ધ પણ ખરેખર પોતાની શક્તિ અને ગુમાન પર વિશ્વાસનું જ પરિણામ છે. આ રીતે પોતાની ક્ષમતા પર ભરોસો કરીને રોજબરોજની ઘટનાઓમાં તો ઠીક પરંતુ આપણા અસ્તિત્વ અને આ દુનિયામાં આવવાના ઉદેશ્ય અંગે જો ભ્રમ થઇ જાય ત્યારે મુશ્કેલી પડે છે. રાહ ભટકેલી વ્યક્તિ ખોટી રાહ પર જેટલી વધારે ચાલે તેટલી વધારે દિશા ભટકે છે અને પોતાના લક્ષ્યથી વધારે ને વધારે દૂર થતી જાય છે તેવું જ આપણા જીવનનું છે.

સુજ્ઞ વાંચકમિત્રોએ લેબનીઝ-અમેરિકી કવિ, લેખક અને ફિલોસોફર ખલિલ જિબ્રાનનું નામ સાંભળ્યું હશે. તેની એક કવિતા છે ‘ધ થ્રિ એન્ટ્સ’ જેમાં ત્રણ કીડીઓ ચાલતી ચાલતી એક ઊંઘતા માણસના નાક પર મળી જાય છે. અલગ અલગ પ્રદેશોમાંથી આવતી આ કીડીઓ પોતપોતાની પ્રથા પ્રમાણે સલામ-નમસ્તે કરે છે અને વાતો કરવા લાગે છે. એક કહે છે કે મેં ખુબ મહેનત કરી પરંતુ આ જમીન પર કઈ જ ખોરાક મળ્યો નહિ, એકદમ બંજર છે. બીજી કીડી કહે કે આટલા મોટા પ્રદેશમાં કઈ જ ખાવાનું ન મળે તે વળી કેવી જગ્યા કહેવાય. ખબર નહિ ક્યાં આવી ગયા આપણે. ત્યાં ત્રીજી કીડીએ કહ્યું કે આપણે જ્યાં મળ્યા છીએ તે ખુબ મોટી કીડીનું શરીર છે અને તે દરેક જગ્યાએ હોય છે. આ મહાકાય કીડી ખુબ તાકાતવર અને વિશાળ છે જેને આપણે પૂરી જોઈ પણ શકતા નથી. ત્રણેય કીડીઓ આ રીતે વાત કરતી હતી ત્યાં ઊંઘેલો માણસ સળવળ્યો, તેણે હાથ ઉઠાવી નાક ખજવાળ્યું અને ત્રણેય કીડીઓ દબાઈને મરી ગઈ. આપણે પણ ક્યારેક આ કીડીઓની જેમ અલગ અલગ રીતે સૃષ્ટિને સમજીએ છીએ પરંતુ તેની સમગ્રતાને સમજી શકતા નથી.

ખલિલ જિબ્રાનની આ કવિતા એટલી સરળ છે કે તેનાથી કોઈ પણ પ્રભાવિત થઇ જાય. સામાન્ય માણસથી લઈને વિદ્વાન વ્યક્તિ સમજી શકે તેવી સરળ પરંતુ ગહન દર્શન વ્યક્ત કરતી આ કવિતા આપણી ક્ષુલ્લકતા તેમજ જીવનની ક્ષણભંગુરતા અંગે માત્ર અંગુલિનિર્દેશ કરી જાય છે. દર્શનશાસ્ત્રના મોટા વિદ્વાનો જે વાત ન સમજાવી શકે તેને આ કવિતા સમજાવી દે છે. ક્યારેક આપણને વાત સમજાવવા માટે મોટા ગ્રંથો અને પ્રવચનોની નહિ માત્ર દિશાદર્શન કરતા ઈશારાની આવશ્યકતા હોય છે જે આવી નાની કવિતા કે શિખામણથી મળી જાય છે. જે લોકોને સમજવું હોય તે સમજી જાય છે પરંતુ જયારે આપણી આંખો પર ભ્રમનાં આવરણો છવાયેલા હોય ત્યારે આ વાત તરત સમજમાં આવતી નથી. આવા સમયે કોઈ આપણને ઝંઝોળીને જગાડે તે જરૂરી છે. અંધારાને ઉલેચવા જેમ અજવાળાની આવશ્યકતા છે તેમ આપણી ભ્રમણાને દૂર કરવા જ્ઞાનના પ્રકાશની આવશ્યકતા છે.

Don’t miss new articles