શું કોઈ પોતાના ડીએનએમાં બદલાવ લાવી શકે છે? દરેક જીવનું બંધારણીય માળખું એટલે ડીએનએ. આ ડીએનએ જ નક્કી કરે છે કે કોઈ પણ જીવ, વ્યક્તિનો રંગ કેવો હશે, તેના વાળ વાંકળિયા હશે કે પછી સીધા, તેનો બાંધો પાતળો રહેશે કે જાડો? આવી શારીરિક અને માનસિક લાક્ષણિકતાઓ નક્કી કરતુ આપણા અસ્તિત્વનું આ બંધારણીય માળખું આપણા જનીનદ્રવ્યોમાં સમાયેલું છે. આ જનીનદ્રવ્યો દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે અને તેનાથી જ તેનું આખું જીવન નક્કી થાય છે.

તો પ્રશ્ન એ છે કે શું કોઈ પોતાના ડીએનએ બદલી શકે છે? શું પોતાના મૂળભૂત માળખાને કોઈ બદલી શકે છે? જો તમારા ડીએનએ જ પાતાળ અને લાંબા શારીરિક બંધ માટે બનેલા હોય તો તમે શારીરિક વ્યાયામ અને પોશાક આહાર દ્વારા માંસલ અને મજબૂત બાંધો ઘડી શકો? જો તમારા ડીએનએમાં જ એવું હોય કે તમને પેટની તકલીફ રહ્યા કરશે તો તેને કેમેય કરીને અટકાવી શકાય? કેન્સરના ડીએનએ લઈને પેદા થયેલ વ્યક્તિ લાબું જીવી શકે? આવા પ્રશ્નો આપણને વાસ્તવમાં તો વૈજ્ઞાનિક અભિગમથી પ્રારબ્ધવાદી અભિગમ તરફ લઇ જાય છે. અથવા તો પ્રારબ્ધનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે તેનો વૈજ્ઞાનિક પુરાવો આપે છે.

આજકાલ લોકો વ્યક્તિના સ્વભાવ અને વર્તન માટે પણ ડીએનએને જવાબદાર ઠરાવતા થયા છે. લોકો કહે છે કે તેના તો ડીએનએમાં જ મક્કારી છે તો તેનાથી સારા વર્તનની આશા કેવી રીતે રાખી શકાય. વાસ્તવમાં લોકો આવી ટીકા દ્વારા એવું કહેવા માંગતા હોય છે કે વ્યક્તિનો સ્વભાવ ધોખાધડીનો હોય તો તેને બદલાવો શક્ય નથી. વીંછીનો સ્વભાવ ડંખ મારવાનો છે તો તેને કેમ બદલવો? વીંછીના ડીએનએ જ ડંખ મારવા માટે બન્યા છે. સંપના ડીએનએમાં ઝેર હોય છે તો તેને કઈ પણ ખવડાવો તેનાથી ન તો ઝેર ઓછું થાય કે વધે. આ બધું જ જનીનદ્રવ્ય ડીએનએ દ્વારા નિર્ધારિત થાય છે.

એટલા માટે જ એક વાત તો નિશ્ચિત છે કે વ્યક્તિએ પોતાના જીવનમાં જો પ્રગતિ કરવી હોય અને જીવનને પોતાના માળખાકીય બંધારણ અનુસાર જીવવું હોય તો પોતાના ડીએનએ જાણવા જોઈએ. તેનાથી રોજિંદા જીવનની કેટલીય એવી બાબતો કે જેમાં આપણને રોજબરોજની સ્ટ્રગલ થતી હોય તે ટાળી શકાય છે. તમારા શરીરની તાસીર તમોગુણી હોય તો ક્યાં પ્રકારનો ખોરાક ખાવો કે ન ખાવો તે સમજી લેવાથી શારીરિક તકલીફો ઘટાડી શકાય છે.

પરંતુ શું ડીએનએનું કારણ આપીને કોઈ પોતાની આળસ અને કામચોરી પણ વ્યાજબી ઠેરવી શકે? માણસ કામ કરવા ન ઈચ્છે તો તેને સફળતા ન મળે તે વાત સ્પષ્ટ છે. જો વ્યક્તિ પ્રેક્ટિસ ન કરે તો સારો દોડવીર ન બની શકે અને તેને પરિણામે તે પોતાની દોડવાની ક્ષમતા અને ગતિ ન સુધારી શકે. આ સમયે વ્યક્તિએ જનીનદ્રવ્યનું કારણ આપવું યોગ્ય છે? આ પ્રશ્ન એટલા માટે મહત્ત્વ ધરાવે છે કેમ કે ડીએનએના નામે લોકો પોતાની કામચોરી પણ ઉચિત ઠરાવી દેતા હોય છે, અલબત્ત લાંબાગાળે તો સૌને સમજાય જ જાય છે કે શું બંધારણીય ખામી છે અને શું અભિગમનો દોષ છે.

પોતાના સ્વભાવ અને શરીરનું વિશ્લેષણ કરતી વખતે એકવાર આ ડીએનએની વાતને ધ્યાનમાં રાખીને એટલું કરજો કે તમારા ડીએનએને કારણે તમને શું ખાસિયત અને શું ક્ષતિ પ્રાપ્ત થઇ છે અને તેનો સ્વીકાર કરીને તમે જીવનમાં કેવી રીતે સમાયોજન સાધી શકો છો અને મહત્તમ કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકો છો. આ વિશ્લેષણ દ્વારા તમે સમય અને ઉર્જાનો સારી રીતે ઉપયોગ કરતા શીખી શકશો અને જ્યાં ઓછા સમય અને પ્રયત્નથી વધારે સારું પરિણામ મેળવવા માટે તમારા ડીએનએ ઘડાયા હોય તેવા ક્ષેત્રમાં સિદ્ધિ મેળવી શકો છો. સાથે સાથે કેલાક બહાના કે જે તમે જાણતા કે અજાણતા કરતા હતા તે પણ ઓછા થઇ જશે. તમને વાસ્તવિક મર્યાદા સમજાઈ જશે માટે કોઈ એવી કાલ્પનિક મર્યાદાઓને ડીએનએના કારણે હોવાનું માનીને તમે કામ ટાળવાનું બંધ કરશો.

Don’t miss new articles