યુકેમાં કોરોનાથી અસરગ્રસ્ત લોકોના આંકડા વધી રહ્યા છે અને સાવચેતીના પગલાં વધારે આકરા બનાવાયા છે. અમુક સંખ્યાથી વધારે લોકો એકઠા થવાના હોય તેવા કાર્યક્રમો ન કરવાની સૂચના અપાઈ છે. લોકોએ હાથ કેવી રીતે ધોવા તેના અંગે બીબીસી અને અન્ય ટીવી પર પણ વિડિઓ બતાવીને માર્ગદર્શન કરવામાં આવી રહ્યું છે. વારંવાર હાથ ધોઈને, હેન્ડ સેનિટાઇઝર વાપરીને ઇન્ફેક્શનથી બચવાની સલાહ આપે રહી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે બજારમાં હેન્ડ સેનિટાઇઝરની અને ફેસ માસ્કની તંગી ઉભી થઇ છે. કોરોનાની અસર જણાય, એટલે કે તાવ અને ઉધરસ થાય તો દવાખાને જવાને બદલે ૧૧૧ નંબર પર કોલ કરવાનો છે અને ત્યાંથી માર્ગદર્શન મળે તે રીતે વર્તવાનું કહેવાયું છે. દર્દીને સૂચના આપીને એકાંતમાં રહેવાની સલાહ આપવામાં આવે છે. જેમને કોરોનાની સંભાવના હોય તેને ચેક કરવા ખાસ ટિમ આવે છે અને દર્દીના કેટલાક શારીરિક પરીક્ષણો કરે છે. જો કે ૧૧૧ નંબર પર પણ હવે તો વેઇટિંગ આવે છે અને ટીમને આવતા પણ દિવસો લાગી જાય છે. કોરોના અંગે પગલાં લેવા પ્રધાનમંત્રીના નૈતૃત્વમાં મિટિંગ ભરાયેલી અને તેમાં પણ વધારે સાવચેતીના પગલાં નક્કી કરવામાં આવ્યા છે. લોકોને બિનજરૂરી પ્રવાસ કરવાનું ટાળવા કહેવાયું છે. કેમ્બ્રિજ યુનિવર્સીટીએ તો પોતાના ક્લાસ માત્ર ઓનલાઇન ચલાવવાનો નિર્ણય કર્યો છે.
કોરોનાના આંકડાઓથી અને તેના અંગેની ચર્ચાઓથી સમાચારપત્રો અને ટીવી ન્યુઝ ભરાયેલા છે તે દરમિયાન પ્રિન્સ હેરી અને તેની પત્ની મેગાન યુકે આવેલા અને તેઓ ૩૧ માર્ચ ૨૦૨૦ના રોજ અધિકૃત રીતે તેમની શાહી જવાબદારીઓ છોડે તે પહેલાના આખરી રોયલ પ્રસંગમાં તેઓએ હાજરી આપી. કોમન્વેલ્થ ડે ને લગતી સેરેમનીમાં સસેક્સના ડ્યુક પ્રિન્સ હેરી અને ડચેસ મેગાન મર્કેલે રોયલ ફેમિલીના મેમ્બર તરીકે ભાગ લીધો. કોમનવેલ્થ ડે પર ૩૧ વર્ષીય બ્રિટિશ મહિલા ગાયક એલેક્ષાંડર બર્કનું પરફોર્મન્સ અને બ્રિટિશ હેવી વેઇટ બોક્સર એન્થોની જોશુઆનું વ્યાખ્યાન પણ રાખવામાં આવેલું. એન્થોની જોશુઆ બ્રિટન માટે ૨૦૧૨ના ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતેલો અને ત્યારબાદ તેણે પ્રોફેશનલ બોક્સિંગમાં જવાનો નિર્ણય કર્યો. અત્યારે તે વિશ્વના મહત્વના ગણાતા ચારેય હેવી વેઇટ બોક્સિંગ ટાઇટલ ધરાવે છે. તે બે વખત યુનિફાઇડ બોક્સિંગ ચેમ્પિયન બન્યો છે. વર્ષ ૨૦૧૬થી જૂન ૨૦૧૯ સુધી તે યુનિફાઇડ બોક્સિંગ ચેમ્પિયન રહ્યા બાદ ફરીથી ડિસેમ્બર ૨૦૧૯થી આ ટાઇટલ હસ્તગત કર્યું છે.
પ્રિન્સ હેરી ૩૧ માર્ચ પછીથી રોયલ ટાઇટલ છોડી દેશે અને ત્યારબાદ બ્રિટનના ખજાનામાંથી તેમની સેક્યુરીટી સિવાય બીજો કોઈ જ ખર્ચ તેમના પર કરવામાં નહિ આવે. હેરી રોયલ પરિવારના ક્રમમાં છઠ્ઠા નંબરે છે. તેઓ ૯૩ વર્ષીય કવિન એલિઝાબેથ દ્વિતીયના સૌથી મોટા પુત્ર અને વારસદાર પ્રિન્સ ચાર્લ્સના સૌથી નાના પુત્ર છે. ભલે તેમણે રોયલ પરિવારની ફરજોમાંથી મુક્ત થઈને નાણાકીય રીતે મુક્ત અને સ્વતંત્ર જીવન જીવવાનો નિર્ણય લીધો હોય પરંતુ કવિન એલિઝાબેથ દ્વિતીયે કહ્યું તેમ જો તેઓ પાછા ફરવા માંગશે તો શાહી પરિવાર તેમનું સ્વાગત કરશે. પ્રિન્સ હેરીની માતા પ્રિન્સેસ ડાઇનાનું ફ્રાન્સમાં કાર અકસ્માતમાં ૧૯૯૭માં મૃત્યુ થયેલું. ડાઇનાને પણ બ્રિટિશ મીડિયાએ ખુબ ચર્ચી હતી અને પ્રિન્સ હેરીએ મે ૨૦૧૮માં મેગાન માર્કેલ સાથે લગ્ન કર્યા ત્યારથી તેમને બંનેને પણ બ્રિટિશ મીડિયાએ વગોવ્યા છે. તેનાથી પરેશાન થઈને જ કદાચ તેઓએ કેનેડા જવાનો અને રોયલ પરિવાર છોડવાનો નિર્ણય લીધો છે.
મેગાન માર્કેલ તો ઈંગ્લેન્ડમાં દિવસે દિવસે લોકપ્રિય બનતી જતી જણાય છે. આ વખતેના પ્રવાસ દરમિયાન તેઓએ એક શાળાની મુલાકાત લીધી તો ત્યાંના બાળકોએ તેને ખુબ હરખભેર આવકારી હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે મેગાન માર્કલે એ બધી મહિલાઓને શ્રદ્ધાંજલી આપી જેઓ ફોર્ડ મોટરના કારખાનામાં કામ કરતી અને ૧૯૬૮માં હડતાલ કરેલી. એ ઐતિહાસિક હડતાળને કારણે બ્રિટનમાં વર્ષ ૧૯૭૦માં સમાન વેતન ધારો ઘડવામાં આવેલો. આજે યુકેમાં રોજે કામ કરતા લોકો માટે જીવંત વેતન દરેક કલાકના સાવ આઠ પાઉન્ડ જેટલું છે. યુકેમાં લઘુતમ વેતન ઉપરાંત ૨૫ વર્ષ કે તેથી વધારે ઉંમરના લોકો માટે લિવિંગ વેજ – જીવંત વેતનની જોગવાઈ છેલ્લા ત્રણેક વર્ષથી કરવામાં આવી છે. તે લઘુતમ વેતન કરતા અડધો પાઉન્ડ પ્રતિ કલાક વધારે હોય છે.