વર્ષ ૨૦૨૪નો આ છેલ્લો રવિવાર. નવા વર્ષ માટેની તૈયારીઓ શરુ થઇ જશે. કેલેન્ડર અને ડાયરીઓ બદલાશે. ઓફિસમાં પણ કઈંક બદલાવ આવી શકે. પરંતુ આપણા સામાજિક જીવનમાં આ દિવસનું બહુ મહત્ત્વ નહિ. તેમ છતાંય લોકો પોતાના વીતેલા વર્ષનું સરવૈયું કાઢવા અને નવા વર્ષની શરૂઆતમાં જ આયોજન કરવાનો પ્રયત્ન તો કરતા જ હોય છે. સારી વાત કહેવાય. આયોજન કરવું, પ્લાંનિંગ કરવું, લક્ષ્યો નિર્ધારિત કરવા સારી વાત છે.

આ વર્ષ વીત્યું તેના માટે આપે કોઈ આયોજન કર્યું હોય તો તેને ચકાસવા બેસી જવું જોઈએ. અડધો કલાકનો સમય પોતાના માટે, એકાંતમાં કાઢીને, ડાયરી અને પેન લઈને બેસજો. ઘરમાં આવી તક ન મળતી હોય તો કોફીશોપમાં જતા રહેજો. ધાબા પર જતા રહેજો. પરંતુ અડધો કલાક તમારા માટે જરૂર કાઢજો. ગયા વર્ષનું આયોજન હાથવગું રાખો તો સારું. તેને નિખાલસતાથી મુલવજો. કેટલા કામ ધાર્યા પ્રમાણે થયા અને કેટલા ન થયા. બધા તો ન જ થાય. કોઈના પણ ના થાય. એટલે ચિંતા કરવાની જરૂર નહિ. પરંતુ જે થયું તેની સામે સરસ ઘાટું ટીક માર્ક કરજો. જે કામ પૂરું ન થયું તેને આવનારા વર્ષમાં આગળ લઇ જવું છે કે કેમ તે વિચારજો.

આવનારા વર્ષ ૨૦૨૫ માટે એક નવું ડાયરી લેજો. નોટબુક પણ ચાલે. નાની હોય તો સારું. આયોજન માટે અને પ્લાનિંગ માટે બહુ મોટી બુકની જરૂર નથી હોતી. આખા વર્ષ દરમિયાન પણ તેમાં વધારે નોંધ કરવાની થતી નથી. માટે નાની ડાયરી કે નોટબુક રાખવી સારી. તેને ખાનગી રાખવી. કોઈને વંચાવવી નહિ. (કેટલાક લોકો કહે છે કે પોતાના ગોલ્સ મિત્રો સાથે શેર કરો. અમુક ગોલ્સ શેર કરી શકાય. પરંન્તુ ડાયરી અંગત જ રાખજો. તમારી બધી ઈચ્છાઓ કોઈની સાથે ડિસ્કસ કરવાની જરૂર નથી. આ તમારું વિશલિસ્ટ છે. તેમાં તમારે કોઈનો મત લેવાની શી જરૂર? કોઈનું મંતવ્ય લઈને પોતાની ઈચ્છાઓ ન ઘડાય. એ ઘોડાઓને તો ખુલ્લા દોડવા દેવા જોઈએ. પક્ષીની જેમ મુક્ત બનીને ગગન વિહાર કરવા દેવો જોઈએ. મોટું વિચારો તો જ મોટું કંઈક કરો ને જીવનમાં? જો કે એક વર્ષમાં શું કરી શકાશે અને તે કેટલું વાસ્તવિક છે તેનું મૂલ્યાંકન તમારે જાતે જ કરવું રહ્યું.

આમ તો તમારી જાતે જ તમારે નક્કી કરવું જોઈએ કે વર્ષમાં તમારી પ્રાથમિકતા શું છે. મારી સલાહ માત્ર એટલી છે કે આ વર્ષને ક્લીન અને લીન રાખીએ – બહુ બાબતોથી ન ભરીએ, બહુ બધા લક્ષ્યો ન બનાવીએ. ઓછું પરંતુ અગત્યનું અને સ્પષ્ટ તેમજ કેન્દ્રિત આયોજન કરીએ.આપણી ઊર્ધ્વગમનની ફિલોસોફી છે કે સર્વાંગી જીવન જીવવા માટે ચાર સ્તંભોનો સમતલ વિકાસ થવો જરૂરી છે: આરોગ્ય, કારકિર્દી, પરિવાર/સમાજ, આધ્યાત્મ/આનંદ. આ ચારેય જીવનસ્થંભોને આવરી લઈને બે-ચાર બે-ચાર લક્ષ્યો નિર્ધારિત કરી શકાય.

આરોગ્ય – હેલ્થ અંગે એક-બે લક્ષ્ય કે જે તમારા માટે અગત્યના હોય તે નક્કી કરો. રોજના દસ હજાર સ્ટેપ્સ ચાલવા, અઠવાડિયામાં ત્રણ વાર પાંચ કિમિ દોડવું, વર્ષ દરમિયાન પાંચ મેરેથોન દોડવી, રોજ જિમ જવું, એવી કોઈપણ બે-ત્રણ બાબતને તમે આ વર્ષના લક્ષ તરીકે નિર્ધારિત કરી શકો અને તેને આરોગ્યના સ્તંભ હેઠળ આવરી શકો. વજન ઘટાડવું હોય તો કેટલા કિલો કરવું છે અને ક્યાં સુધીમાં કરવું છે? તે પણ નોંધી શકાય.

કારકિર્દીમાં તમારા નોકરી ધંધાને લગતા ટાર્ગેટ સેટ કરો. ફાઇનાન્શ્યલ પ્લાંનિંગ કરો. અમુક બચત કરવા અંગે આયોજન કરો. ખર્ચ કરવા માટે પણ આયોજન કરો. કોઈ મોટી વસ્તુ ખરીદવી હોય તો તેના માટે કેવી રીતે પૈસાનની વ્યવસ્થા થશે તેને પણ અહીં નોંધી શકાય અને સમયે સમયે તેમાં થતી પ્રગતિનો ક્યાસ કાઢવા માટે આ જ ડાયરી મદદરૂપ થઇ શકે. પ્રમોશન લેવું છે? ધંધો વધારવો છે? તેના માટે કોઈ નવી ડિગ્રી કે કોર્સ કરવાની જરૂર છે? વગેરે પણ આ સ્તંભ હેઠળ આવશે.

પરિવાર અને સમાજ સાથેનો તમારો સંબંધ એટલે ત્રીજો સ્તંભ. સાથે વેકેશન કરવાનું આયોજન, ફરવા જવાના ટાર્ગેટ, કોઈના લગ્ન કરવાના હોય, પુત્રનું કોલેજમાં એડમિશન કરાવવાનું હોય, વિદેશમાં ભાઈને ત્યાં જવાનું આયોજન હોય, વગેરે કોઈપણ પારિવારિક બાબતો અહીં લખી લેવી સારી. ક્યારેક નાની નાની બાબતો પણ મોટો સંતોષ આપતી હોય છે. સમાજમાં કોઈ મોભાદાર સ્થાન પ્રાપ્ત કરવાનું હોય, સોસાઈટીની કમિટીની ચૂંટણી લડવી હોય કે એવું કઈ પણ હોય તો પણ તે આ સ્તંભમાં વર્ગીકૃત થશે. આ રીતે પારિવારિક અને સામાજિક ક્ષેત્રની બે-ચાર મહત્ત્વપૂર્ણ બાબતો નોંધજો.

આધ્યાત્મ અને આનંદપ્રમોદની બાબત એટલે આપણી અંદરની દુનિયા. ઘણીવાર આપણે બાહ્ય બાબતોમાં ઓતપ્રોત રહીએ છીએ અને અંદરથી પોતાની જાતને પોષતા નથી. આવું આંતરિક અપોષણ આપણને નબળા પડે છે. માટે અધ્યાત્મ એટલે કે પોતાની અંદરની શક્તિને પોષવી આવશ્યક છે. તેના માટે ધ્યાન, પ્રાર્થના, વાંચન વગેરે આવશ્યક છે. આનંદ પ્રમોદ અને સ્વયં સાથે એકાંતવાસ કરવો પણ જરૂરી છે. અહીં પણ આયોજન કરી શકાય. મેડિટેશનનો ટાઈમ, એકાન્તવાસનો સમય, વાંચનના લક્ષ્યો વગેરે આ સ્તંભ હેઠળ વર્ગીકૃત કરવાના થાય.

આવનારા વર્ષ ૨૦૨૫ માટે સરસ રીતે આયોજન કરવા અને વીતેલા વર્ષનું સરવૈયું મેળવવાનો આ છેલ્લો રવિવાર છે. તેનો ઉપયોગ કરી લેજો.