ગતિમાન પદાર્થને જ્યાં સુધી બહારથી કોઈ અંતરાય ઉભો ન કરવામાં આવે તો તે ગતિમાન જ રહે છે તેવો ન્યુટનનો નિયમ સાચો જ છે પરંતુ તે અંતરાયનું માહાત્મ્ય જ વ્યક્ત કરે છે. ઝડપથી ગબડતા રોલરની વચ્ચે કોઈ અંતરાય ઉભો કરવાથી તેની ગતિ અટકી જાય છે. વહેતા પાણીમાં અંતરાય ઉભો કરવાથી તે પર એક જગ્યાએ સ્થિર થઇ જાય છે. અંતરાય ઉભો થાય તો આપણા વિચારોની ટ્રેઈન પણ અટકે અને અંતરાયથી તો આપણી વાતચીત અધવચ્ચે રોકાય. કેટલીયવાર એવું બને જ છે ને?

કહેવાની વાત એ છે કે જીવનમાં અવરોધનું પણ પોતાનું આગવું મહત્ત્વ છે. અવરોધ વિનાનું જીવન કેવું હોઈ શકે? સરળ અને સીધું ચાલતું જીવન ધીમે ધીમે આળસ અને નિષ્ક્રીયતામાં જ પરિણામે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. અવરોધો આવતા રહે, અંતરાયો ઉભા થતા રહે અને તેમને ઓળંગવાનો પ્રયત્ન આપણે કરતા રહીએ તેનું નામ જ જીવન. તેનું નામ જ પ્રગતિ. તે જ આપણી કસોટી અને તે જ આપણી સાચી શીખ. આવી શિક્ષા વિના આપણી બુદ્ધિનો વિકાસ ન થાય. આપણા કૌશલ ક્યારેય ન કેળવાય. બાળકોને શાળામાં પરીક્ષારૂપી અંતરાય મૂકીને તેમની કસોટી લેવાય છે જે તેમને વધારે તેજ અને હોશિયાર બનાવે છે. તાલીમ દરમિયાન સૈનિકોને કેટલાય અંતરાયો પાર કરતા શીખવાડાય છે.

ક્યારેક જીવનમાં અંતરાયો કુદરતી રીતે જ આવતા હોય છે. સંજોગો જ એવા ઉભા થાય છે કે સહજ ચાલતા જીવનમાં દખલ દે છે જેનાથી કેટલાય આયોજનો ચોપાટ થઇ જાય છે. આવી દાખલગીરીથી કેટલાક લોકોના તો જીવનનો રકાસ પણ થતો જોયો છે. ક્યારેક તો આવા કુદરતી હસ્તક્ષેપ એટલા મોટા પ્રમાણમાં હોય છે કે તે એકાદ બે વ્યક્તિ નહિ પરંતુ આખા સમાજની જ કાયાપલટ કરી નાખે છે, જેમ કે કોરોનાની મહામારી. તેનાથી કેટલાય લોકોના અંગત જીવનમાં, કેટલાય લોકોના અભ્યાસમાં, કેટલાયના નોકરી-ધંધામાં અંતરાયો ઉભા થયા હશે? અને લાખો લોકોના તો જીવન જ થંભી ગયા.

અડચણોની આવી આડઅસરો છતાંય આખરે તો તેનાથી કેટલાય ફાયદા પણ થાય છે. જે જીવનમાં એક નવો દ્રષ્ટિકોણ આપે છે. આપણે પરિસ્થિતિને અલગ રીતે, વધારે સક્ષમ રીતે સંભાળતા શીખીએ છીએ. પરીક્ષા વિના વિદ્યાર્થીનું શિક્ષણ મજબૂત ન બને. કુદરતી આપદાઓ વિના આપણે નવી શોધખોળ ન કરી શકીએ. ચેલેન્જ વિના આપણે પ્રગતિ ન જ કરી શકીએ. એટલા માટે જીવનમાં નવી નવી ચેલેન્જ હોય, હર્ડલ્સ હોય તે જરૂરી છે.

તમારા જીવનમાં પણ આવા કોઈ અંતરાય, ચેલેન્જ આવ્યા છે? જો આવ્યા છે તો તમે તેને કેવી રીતે નિયંત્રિત કર્યા છે? તેમાંથી તમે શું શીખ્યા છો? અડચણભર્યો સમય વીતી ગયો પછી આખરે તમારી પ્રગતિ થઇ છે કે નહિ? તમારા પ્રયત્નો એ ચુનૌતીઓનો સામનો કરવા માટે પૂરતા હતા કે તેમાં કઈ કંઈ રહી ગઈ? અને જો કમી રહી ગઈ તો ભવિષ્યમાં કોઈ ચુનૌતીના સમયમાં તમારી નબળાઈ ફરીથી સામે ન આવે એટલા માટે તમે હવે કેટલા સક્ષમ છો? આ પ્રકારનું વિશ્લેષણ તમે પોતાના અંગત અનુભવોના આધારે કરી શકો છો. અને ભવિષ્યમાં જો કોઈ અંતરાય ઉભો થશે તો તેનો સામનો કરવા માટે તમારે કેવી રીતે તૈયાર રહેવું જોઈએ તે અંગે આયોજન પણ કરી શકાય. આવી કપરી પરિસ્થિતિ આર્થિક ક્ષેત્રમાં, સામાજિક કે પારિવારિક ક્ષેત્રમાં કે પછી કારકિર્દીના ક્ષેત્રમાં આવી શકે છે.

જીવનમાં આવતા અંતરાઓથી, અડચણોથી ભાગવાને બદલે તેમને સમજીને, તેમને સ્વીકારીને તેમનો સામનો કરવો વધારે ફાયદાકારક રહે છે. તેમાંથી શીખીને જીવનને વધારે સમૃદ્ધ બનાવવાની તક ખોવી ન જોઈએ. કપરી પરિસ્થિતિ ભલે આપણી પાસેથી કોઈક બલિદાન માંગી લે, આપણને કેટલુંક નુકશાન પણ પહોંચાડે, પરંતુ તે બહુમૂલ્ય પાઠ ભણાવીને પણ જાય છે. કોઈ નવા અવસરો આપીને પણ જાય છે. આવા સકારાત્મક અભિગમથી આપણે જો પરિસ્થિતિને સંભાળતા શીખીએ, અંતરાયોને આવકારતા શીખીએ તો જીવનમાં ઘણું શીખવા મળે અને એવા સંજોગોમાં દુઃખી થવાને બદલે આપણે વધારે હિંમતવાન બનીએ.

Don’t miss new articles