વર્ષ ૨૦૨૬ શરુ થઇ ગયું. જીવનના કેટલાય પડાવો પાર પડી ગયા અને કેટલાય નવા આવશે. વર્ષે વર્ષે આપણા જીવનમાં પરિવર્તન આવે છે. તે પૈકી કેટલાક પરિવર્તન આપણી ઈચ્છા પ્રમાણે હોય છે જયારે કેટલાક સંજોગોને કારણે લાવવા પડતા હોય છે. આવનારા વર્ષમાં પણ આપણી ઈચ્છાઓ અને સંજોગોના આધારે ઘણું પરિવર્તન જીવનમાં આવવાનું છે. આ બદલાવ આપણી ઈચ્છા પ્રમાણે વધારે હોય, અને સંજોગ-પ્રેરિત ઓછો હોય તો આપણે એવું માની શકીએ કે આપણે સફળ રહ્યા. જો સંજોગોને વશ થઈને આપણે કોઈ કાર્ય કરવું પડ્યું હોય, કોઈ પ્રોજેક્ટ છોડવો પડ્યો હોય તો આપણે વિવશતા અનુભવીએ છીએ અને ત્યારે નિષ્ફળતાનો અહેસાસ થાય છે. જો કે દરેક સંજોગપ્રેરિત પરિવર્તન નકારાત્મક કે નુકસાનકારક હોય તેવું નથી.
આવનારા વર્ષમાં તમે જો સંજોગોને પહેલાથી જ ઓળખી જાઓ તો તેની અસરને તમારી ઈચ્છા વિરુદ્ધ જતા અટકાવી શકો. ભલે સંપૂર્ણપણે તમે ઈચ્છો તેવું ન થાય, પરંતુ એક સારું અને સંતોષકારક તાદાત્મ્ય જળવાઈ રહે. જેનાથી આપણને પ્રયત્ન કર્યાનો, પરિસ્થિતિ પર નિયંત્રણ પામ્યાનો આનંદ થાય અને આપણી ઈચ્છાઓ સાથે પણ વધારે બાંધછોડ ન કરવી પડે. પરંતુ આ કામ સહેલું નથી. તેના માટે વ્યક્તિએ માનસિક, શારીરિક, આર્થિક અને સામાજિક રીતે તૈયાર થવું પડે. જેમ યુદ્ધમાં જવા માટે એક સૈનિકે તેના શસ્ત્ર સરંજામ તૈયાર કરવા પડે તેવી જ રીતે. સૈનિક દુશ્મનના હુમલાથી બચવા માટે કેટલાય પ્રકારની તૈયારી કરે છે. યુનિફોર્મ પહેરે, બુલેટપ્રુફ જેકેટ પહેરે. આસપાસના પર્યાવરણમાં ભળી જાય તેવા રંગના કેમોફ્લેજ કપડાં પણ પહેરે. હેલ્મેટ, ચશ્મા, વગેરે જેવા નાના-મોટા અનેક સરંજામ તેને તૈયાર કરવા પડે છે. ઉપરાંત દુશ્મન પર હુમલો કરવા માટે હથિયારો, તેના માટે આવશ્યક સામગ્રી અને તાલીમ પણ તૈયારીમાં આવી જાય છે. આ રીતે સજ્જ થયા પછી જ એક સૈનિક યુદ્ધ માટે નીકળી શકે છે. તેવી જ રીતે આપણે પણ વર્ષ ૨૦૨૬ને જીતવું હોય, તેની પરિસ્થિતિને આપણા પર હાવી ન થવા દેવી હોય તો આ પ્રકારની ડિફેન્સિવ અને ઓફેન્સિવ એટલે કે રક્ષણાત્મક અને આક્રમકઃ બંને તૈયારીઓ કરવી પડશે.
આપણી રક્ષણાત્મક તૈયારીઓમાં શું હોઈ શકે? સૌ પ્રથમ પોતાની જાતને માનસિક રીતે કોઈપણ આકરી પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર કરવી પડશે. ત્યારબાદ શારીરિક રીતે તંદુરસ્ત રહેવું પડશે જેથી આપણું રૂટિન ચાલ્યા કરે. આર્થિક રીતે આવશ્યક ભંડોળ સાચવી રાખવું પડે – ઇમર્જન્સી આવે તો ખર્ચમાં કામ આવે તે રીતે. સામાજિક રીતે એવા મિત્રો અને સંબંધીઓ હોવા જોઈએ જેઓ કપરી સ્થિતિમાં આપણી સાથે ઉભા રહે, સામે નહિ. આવી રક્ષણાત્મક તૈયારીઓ બાદ આક્રમકઃ પગલાં લેવા માટે, પ્રતિકૂળતાઓને પરાજિત કરવા માટે પણ આપણે સજ્જ થવું પડશે. તેના માટે સમયને દૂરથી જ ઓળખી લેવો પડશે. સમાચારપત્રો, સામાયિકો, વિશ્લેષણાત્મક કાર્યક્રમ વગેરે દ્વારા પોતાની જાતને વિશ્વમાં અને દેશમાં ચાલી રહેલા પ્રવાહોથી અવગત કરાવવી પડશે. નવી સ્થિતિમાં અનુકૂળ બનાવવા માટે જો કોઈ નવા કૌશલ શીખવા પડે તો તેની શરૂઆત જલ્દી કરવી પડશે. માત્ર ગુફામાં છુપાઈ રહીને તોફાન શમી જાય તેની રાહ જોવા કરતા તોફાનની સામે ટકી રહે તેવી નૌકા બનાવીને સમુદ્રમાં ઉતારવી પડશે.
વર્ષ ૨૦૨૫ કપરું રહ્યું પણ આવનારું વર્ષ બધું જ સારું સારું લઈને આવશે તેવું કહી શકાય નહિ. વૈશ્વિકસ્તરે આપણે અશાંતિ અને યુદ્ધો જોયા છે. જેનો અંત હજુ આવ્યો નથી. નવા યુદ્ધોના સંકેત જોવા મળી રહ્યા છે. આર્થિક પ્રવાહો પણ અનેક આંચકાઓ આપી રહ્યા છે. પરંતુ આ બધામાંથી આપણે સલામત નીકળી આવ્યા છીએ તો ભવિષ્યમાં પણ જે કઈ પ્રતિકૂળતાઓ આવશે તેનો સામનો પણ આપણે કરી જાણીશું તે વાતનો વિશ્વાસ છે. અને જો આ વિશ્વાસની સાથે સાથે તૈયારી અને સજ્જતા પણ જોડાઈ જાય તો તો પછી યુદ્ધ જાણે બાળરમત બની રહે.
પોતાની જાતને ૨૦૨૬ને વધાવવા માટે, તેના સંજોગોને પોતાના પર હાવી ન થવા દેવા માટે, અને મોટા ભાગના કાર્યો પોતાની ઈચ્છા પ્રમાણે થઇ શકે તેના માટે તૈયાર કરીએ. રક્ષણાત્મક અને આક્રમકઃ બંને રીતે. સજ્જ બનીએ એક સૈનિકની જેમ. આમેય જે લોકો તૈયારીમાં વધારે પરસેવો વહાવે છે તેને યુદ્ધમાં ઓછું લોહી વહાવવું પડે છે. માટે યુદ્ધાભ્યાસની જેમ સમયઅભ્યાસ કરીને પોતાની સજ્જતા કેળવનાર વ્યક્તિને પરિસ્થિતિના પ્રવાહોમાં તણાવું નહિ પડે. આવું કરવાથી જ આપદામાં અવસર શોધીને આપણે વર્ષ ૨૦૨૬માં વધારે સારું પરિણામ લાવી શકીશું.