૧૫મી ઓગસ્ટ ૨૦૨૩ના રોજ આપણે ભારત જ નહિ વિશ્વભરમાં ૭૭મો સ્વતંત્રતા દિવસ ધામધૂમથી ઉજવ્યો. સ્વતંત્રતા દિવસની ઉજવણી વખતે આપણે ભારતની આઝાદીની લડતને યાદ કરીને તેમાં આહુતિ આપનાર વીરોને યાદ કરીએ છીએ. મહાપરીશ્રમે મળેલી સ્વતંત્રતાને બિરદાવતા દેશને વધારે આગળ વધારવાની પ્રતિજ્ઞા કરીએ છીએ. બહુ ઓછા લોકો બચ્યા હશે કે જેઓએ સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લીધો હોય. આપણા પોતાના સીબી પટેલે પાંચ વર્ષની ઉંમરે નડિયાદમાં બાળસેનામાં જોડાઈને પોતાની જાતને ભાગ્યવાન બનાવેલા એ કેટલાક વાંચકો જાણતા હશે. કદાચ એ જ જોશ તેમના લોહીમાં વસી ગયું હોય કે જેને કારણે તે આજે પણ દેશભક્તિના રંગમાં રંગાયેલા છે. તેમની પ્રતિબદ્ધતા ભલભલાને શરમાવે એવી છે.

આઝાદીના આ પર્વ નિમિતે આપણે પણ ઘણું શીખવા જેવું છે. એક વિશ્વ માનવ તરીકે આપણને ખુબ ઉપયોગી થઇ શકે તેવા કેટલાક મુદ્દાઓ અંગે વિચારીએ.

વિશ્વના દરેક વ્યક્તિને સમાન ગણીએ: આપણા જેવા લોકો કે જેમણે પોતાની માતૃભિમીને છોડી હોય અથવા તો રોજીરોટી માટે થઈને વિદેશમાં રહેતા હોય તેમણે વિદેશી લોકોના સંપર્કમાં આવતી વખતે આ બાબત ખાસ ધ્યાન રાખવા જેવી છે. કોઈને ઉતારતા કે ચડિયાતા ન ગણવા. સૌને સમાન આદર અને દરજ્જો આપવો. રંગ કે રૂપના આધારે માણસ માણસથી અલગ થઇ જતો નથી એ વાત સમજાય તો આપણે વિશ્વમાનવી તરીકે ક્યાંય પણ વસાવાને લાયક બની શકીએ.

પોતાના રીતરિવાજો સાચવતા પણ અન્યની પરંપરાનું સમ્માન કરીએ: ભારતીયતા એટલી તો મહાન છે કે તે ચાર ચાર પેઢીથી ભારતની બહાર રહેનારા લોકોના મનમાંથી પણ નીકળતી નથી. વિદેશમાં જઈને વસેલા લોકો પણ મોટાભાગે પોતાના રીતરિવાજો ભૂલતા નથી. પ્રાચીન પરંપરાઓ અને સંસ્કારોનું સમ્માન કરતા કરતા આપણે કૂપમંડૂકતા વિકસાવવાની નથી. પોતાની જ રીતો સાચી અને અન્યની ખોટી તેવું તો ક્યારેય મનમાં ન આવવું જોઈએ.

વિદેશની ધરતી પર રહીને પણ પોતાની માતૃભૂમિને ન ભૂલીએ: ભલે વિશ્વમાં ગમે ત્યાં જઈને વસીએ તેમ છતાંય પોતાની સાંસ્કૃતિક માતૃભિમીને ન ભૂલવું જોઈએ. તેના માટેનો પ્રેમ, આદર અને સત્કાર ક્યારેય ઓછો થવો ન જોઈએ. ભલે પોતાના દેશમાં આવવા જવાનું ઓછું થતું હોય પરંતુ ત્યાં બનતી ઘટનાઓની જાણકારી તો રાખી જ શકાય. ત્યાંના સમાચાર તો જાણી જ શકાય. બોલીવુડની ફિલ્મો કે પોતાના પ્રદેશની ફિલ્મો જોઈને પણ લોકો દેશ પ્રત્યે તાદાત્મ્ય અનુભવતા હોય છે.

શક્ય હોય તેટલું રોકાણ ભારતમાં કરીએ: જો તમે ઉદ્યોગપતિ હોવ તો જાણતા હશો કે વિશ્વની નજર હવે તો ભારતની અર્થવ્યવસ્થા પર છે. ભારતમાં થયેલા રોકાણ પર ઘણું વધારે વળતર મળે છે તે વાતમાં બે મત નથી. શક્ય હોય તો થોડું રોકાણ પોતાની આવકમાંથી દેશમાં કરવું જોઈએ જેથી કરીને ત્યાંની પ્રગતિમાં આપણે ભાગીદાર બની શકીએ અને તેનો ફાયદો દેશને તેમજ આપણને બંનેને થાય. રોકાણ કરવા માટે નિષ્ણાતની સલાહ લેવાથી તે સલામત અને વધારે વળતર આપનારું બની રહે છે તે કહેવાની આવશ્યકતા ખરી?

જ્યાં રહેતા હોઈએ ત્યાં પોતાની સંસ્કૃતિ અને દેશનું ગૌરવ વધારીએ: પોતાની સારી વર્તણુક અને કાયદાનુસાર વસવાટથી જ આપણે સંસ્કૃતિ અને દેશનું ગૌરવ વધારી શકીએ છીએ. લોકો આપણને જોઈએ આપણા સંસ્કાર અંગે પોતાનું મંતવ્ય બનાવે છે. આપણે જેવું વર્તન બહાર કરીએ તે આપણા પૂર્વજો અને ધરોહરને માનપાન વધારવા કે ઘટાડવા માટે જવાબદાર બને છે. વિદેશમાં રહેતા દરેક લોકો ભારતના રાજદૂત છે એ વાત ભૂલવી ન જોઈએ. પ્રત્યેક ક્ષણે કોઈ આપણને નિહાળી રહ્યું છે અને આપણા સારા કે ખરાબ વર્તન માટે ‘ભારતીયો તો આવા જ હોય છે’ તેવું વિચારી રહ્યું છે તે ભુલાઈ નહિ.

આખરે એક સૌથી મહત્ત્વની વાત – જ્યાં રહીએ ત્યાંની ભૂમિને માતાનો દરજ્જો આપવાનું કદીયે ભૂલવું ન જોઈએ. જે દેશમાં વસીને આપણે રોજીરોટી મેળવતા હોય તેના વિકાસ અને વૃદ્ધિ માટે પોતાનું પૂરું યોગદાન આપવું જોઈએ. ત્યાંના સ્થાનિક લોકોને મદદ કરવામાં ક્યારેય પાછીપાની ન કરવી ઘટે. પોતાનું સમર્પણ અને વફાદારી એ જગ્યાને માટે હોવી જોઈએ જ્યાંની હવા આપણે શ્વાશમાં લેતા હોઈએ. તે પોતાના દેશ, સંસ્કૃતિ અને ધરોહરને પ્રેમ કરતા કરતા, તેનું સમ્માન હૃદયમાં સાચવતા સાચવતા પણ થઇ શકે છે.