પાનખર આવી રહી છે અને ધીમે ધીમે વૃક્ષોના લીલાછમ પાન પીળા પાડવા માંડશે અને પછી રાતાશ પડતા રંગે પહોંચીને ખરી જશે. સુંદર હરિયાળું આચ્છાદન ઉતરે અને અલખ જોગી જોવો થડ અને ડાળીનો દેહ છાંટો થાય તેવો ભાવ મનમાં જાગે છે. પરંતુ જીવનની પણ આ જ સચ્ચાઈ છે. આપણે પણ કોઈક સમયે લીલાછમ અને કોઈક સમયે ઠૂંઠા જેવા પર્ણરહિત થઇ જતા હોઈએ છીએ. જીવનનો મદ અને કેફિયત લીલી કૂંપળોની જેમ ફૂંટે અને પછી પરિપક્વ પાન બનીને છાજી રહે તે આપણી શક્તિ, સફળતા અને સ્વાભિમાન દર્શાવે છે. તે આપણા અસ્તિત્વ માટે, વિકાસ માટે અને પ્રગતિ માટે આવશ્યક છે. પરંતુ કાળચક્રમાં દિવસ પછી રાત આવે છે તેમ જેનું નામ તેનો ક્ષય થાય જ છે. આ ન્યાયે આપણા જીવનમાંથી પણ હરિયાળી લુપ્ત થાય તે કુદરતી ક્રમ છે અને આવશ્યક પણ છે.

બાળપણથી યુવાની અને ત્યાંથી વૃદ્ધાવસ્થા તરફની ગતિ જીવનક્રમની સૂચક છે અને તે સૃષ્ટિના ક્રમ સાથે બંધ બેસે છે. જો તેનાથી વિરુદ્ધ કઈંજ થાય તો તે અલગ છે. એફ. સ્કોટ ફિત્ઝગેરાલ્ડની લખેલી ‘ધ ક્યૂરીઅસ કેસ ઓફ બેન્જામિન બટન’ નોવેલામાં એવું બને છે બાળક બેન્જામિન બટન જન્મે છે ત્યારથી જ તેના શરીર પર વૃદ્ધત્વના લક્ષણો હોય છે અને ધીમે ધીમે તે યુવાન થતો જાય છે અને પછી બાળક. આ આખી વાર્તામાં જો કોઈ એક વ્યક્તિના જીવનક્રમને ઉલ્ટાવવામાં આવે તો સમાજમાં તેની શું સ્થિતિ થાય છે તેનું તાદશ ચિત્ર રજુ થાય છે. આપણા મનમાં પણ ક્યુરિયોસિટી એટલે કે જીજ્ઞાશા જગાવે છે કે ખરેખર એવું થાય તો શું થઇ શકે. પરંતુ સદનસીબે એવું થતું નથી અને આપણું જીવન સૃષ્ટિના ક્રમ મુજબ જ ચાલે છે.

આ ક્રમને સ્વીકારવો અને તેને અનુસરવો પણ આપનો જૈવધર્મ છે. જે આપણી શક્તિની પર છે તેને સમજવું અને સ્વીકારવું આપણા માટે અનિવાર્ય છે અને તેમાં રહેલી કોઈ ગૂઢ વ્યવસ્થાના સાક્ષી બનીને, તેનો હિસ્સો બનીને જીવન જીવવું આવશ્યક છે. આ આવશ્યકતા માત્ર ફરજ તરીકે નહિ પરંતુ સ્વીકૃતિ તરીકે અપનાવવામાં આવે તો આપણા શરીર અને મન વચ્ચે પણ તાદાત્મ્ય સધાય અને જીવનમાં બનતી ઘટનોથી આપણું મન વિચલિત થતા બચે. કુદરતની નકશીને સમજવામાં ભલે આપણે અસમર્થ હોઈએ પરંતુ તેને અનુસરવામાં પાછીપાની ન કરવી જોઈએ. જે વ્યક્તિ આ ઘટનાક્રમને અનુસરવામાં થાપ ખાય છે તે શંકા અને દ્વિધામાં જીવે છે તે નિશ્ચિત છે.

સમય સાથે બાળપણ છોડવું અને યુવાની સ્વીકારવી તથા વૃદ્ધત્વને પણ આદરસહિત અપનાવવું જરૂરી છે. જીવનના આ તબક્કા માત્ર શારીરિક નહિ પરંતુ માનસિક પણ છે, અને સ્વભાવગત પણ છે. બાલ્યાવસ્થાનો સ્વભાવ લઈને યુવાની વિતાવવી કે યુવાનીનો મોહ છોડ્યા વિના વૃદ્ધત્વમાં સારી પડવું અસંગત જ નહિ પરંતુ નુકશાનકારક પણ થઇ શકે છે. સર્જનથી લઈને વિસર્જન સુધીનો ક્રમ અનેક પડાવોમાંથી પસાર થાય છે અને તે દરેક પગથિયું પુરી શ્રદ્ધાથી ચડતા જવું પડે છે. જ્યાં સુધી આ પ્રક્રિયામાં આપણે વિશ્વાસ ન મૂકીએ ત્યાં સુધી અનિશ્ચિતતા અને અજાણ્યાનો ડર મનમાં રહે તે સમજી શકાય તેવી વાત છે. પરંતુ જેવા આપણે નિયતિ પર ભરોસો મૂકીને ડગલાં ભરવાનું શરુ કરીએ કે માર્ગ સરળ તથા ઉજાગર બનતો જણાય છે. તેનો અર્થ એ નથી કે વિઘ્ન નહિ હોય, વિચલિત નહિ થવાય, પરંતુ સાધ્ય અને સાધનની સ્પષ્ટતા થવાથી મનમાં વિશ્વાસ અને શ્રદ્ધા જન્મે છે અને તે જીવનભર માર્ગદર્શક જ નહિ પરંતુ શક્તિરૂપ પણ બને છે.

એકવાત એ પણ સમજવા જેવી હોય છે કે કેટલીક યોજનાઓ આપણે ઘડીયે છીએ અને કેટલીક સર્વોપરી શક્તિ. પુરુષાર્થ અને પ્રારબ્ધ વચ્ચે વિરોધાભાષ છે તેવું માનવાને બદલે તેઓ પરસ્પર સંલગ્ન છે તથા એક જ આકૃતિની જુદી જુદી રેખાઓ છે તેવું માનવાથી જ સંપૂર્ણ વ્યવસ્થાને સમ્માન સાથે સમજવી અને સ્વીકારવી શક્ય બને છે. પોતાની સર્વોપરીતાના મિથ્યા ખ્યાલને ત્યજીને સમગ્ર સૃષ્ટિના ઐક્યને અનુસરનાર વ્યક્તિ જીવનમાં શાંતિ અને સંતોષ પ્રાપ્ત કરી શકે છે તે સાબિત થયેલી વાત છે.

Don’t miss new articles