મૃત્યુ એટલે ભય. જીવનનું દુશ્મન એટલે મૃત્યુ. આ આપણી સામાન્ય માન્યતા. સૌ કોઈ મૃત્યુથી ડરે અને તે પોતાની કે પોતાના પ્રિયજનોની પાસે ન આવે તેવી પ્રાર્થના કરે. પરંતુ સૌ જાણે છે કે મૃત્યુ એ પરમ સત્ય છે. તેનાથી કોઈ બચી શક્યું નથી અને તે કોઈને ભૂલતું નથી. અમર થવાની વાત કોઈના માટે શક્ય નથી. આટલી નિશ્ચિતતા છતાં આપણે મૃત્યુ માટે માનસિક તૈયારી રાખતા નથી. ઘરમાં મૃત્યુ અંગે ચર્ચા કરવી અશુભ મનાય છે. જો કોઈ પોતાના મૃત્યુ અંગે ઉચ્ચાર પણ કરે તો તેને તરત જ ચૂપ કરાવી દેવામાં આવે છે. જેનું નામ તેનો નાશ છે જ એ વાતથી સો ટકા વાકેફ હોવા છતાં આપણે મૃત્યુને સાહજિક રીતે જીવનના એક પડાવ તરીકે સ્વીકારવા તૈયાર હોતા નથી. પરિણામે આપણે જીવનને એવી રીતે જીવતા જ નથી કે એક સમયે મૃત્યુ આવવાનું છે. આ જ કારણ છે કે કોઈ પણ ઉંમરે વ્યક્તિ જીવનના અંતે પહોંચે, તેના મનમાં કેટલાય અફસોસ રહી જાય છે. ચાલીસે મારનાર વ્યક્તિ પણ છેલ્લી ઘડીએ એવું માને છે કે તેના કેટલાય અરમાન અને કામ અધૂરા રહી ગયા અને એંસીની પાકટ વયે પહોંચેલ વ્યક્તિ પણ એવું જ અનુભવે છે. તેનું કારણ માત્ર એ જ છે કે આપણે ક્યારેય મૃત્યુના સત્યને મનમાં રાખીને જીવન જીવતા નથી.

જે રીતે દરેક પ્રોજેક્ટ માટે કોઈ અંતિમ પડાવ હોય છે, કોઈ ડેડલાઈન હોય છે અને તેના ગોલ નિશ્ચિત હોય છે તેવી જ રીતે જીવન માટે પણ કેટલાક ગોલ નિશ્ચિત કરવા જોઈએ અને તેને હાંસિલ કરવા માટે એક ટાઈમલાઈન નક્કી કરવી જોઈએ. ટોપ ફાઈવ રિગ્રેટ્સ ઓફ ધ ડાઇંગ નામના પુસ્તકમાં લેખક બ્રોની વેર આ વાતને વારંવાર કહે છે. જીવન માત્ર કારકિર્દી અને ધન-સંપત્તિ બનાવવા માટે નથી અને આ વાત મારતી વ્યક્તિ છેલ્લી ક્ષણોમાં સમજી શકે છે પરંતુ ત્યારે તેની પાસે અફસોસ કરવાનો વસવસો કરવાનો સમય હોતો નથી. જેમનું મૃત્યુ નજીક હોય તેવી વ્યક્તિઓ સાથે વાતચીત કર્યા બાદ લેખક પાંચ એવા તથ્યોને આ પુસ્તકમાં વર્ણવે છે જેનો મોટાભાગના વ્યક્તિને મૃત્યુ સમયે અહેસાસ થાય છે. આ પાંચ તથ્યોમાં એકેય પૈસા, ધન, સંપત્તિ, પ્રતિસ્થા, કારકિર્દી કે એવી કોઈ જ બાબત અંગે નથી. આ પુસ્તકમાં વર્ણવેલા મરતી વ્યક્તિના પાંચ અફસોસ છે:
૧. કાશ મેં જીવન મારી ઈચ્છા પ્રમાણે જીવ્યું હોત, ન કે બીજા લોકોની ઈચ્છા કે આશા અનુસાર.
૨. કાશ મેં આટલી મહેનત ન કરી હોત.
૩. કાશ મારામાં લાગણીઓને વ્યક્ત કરવાની હિમ્મત હોત.
૪. કાશ મેં મિત્રો સાથે સંપર્ક બનાવી રાખ્યો હોત.
૫. કાશ મેં મારી જાતને ખુશ રહેવા દીધી હોત.

આવી સામાન્ય વાતોને જીવનના અંતે અફસોસ તરીકે વ્યક્ત કરવી પડે તો એ જીવનને કેટલું સફળ માનવું? આ પ્રશ્ન આપણે આજે જ પૂછી લેવા જેવો છે. શું આપણે જીવનની આવી પાયાની બાબતોને અવગણીને ચાલીએ છીએ? જીવનની પ્રાથમિકતા ભૂલીને આપણે કોઈ ગૌણ ધારણાઓ અને ઈચ્છાઓ પાછળ ભાગી રહ્યા છીએ? જગ્યા ત્યાંથી સવાર અને આવી તંદ્રામાંથી જાગવા માટે કોઈ જ સમય વહેલો ન હોઈ શકે, માટે જેટલા વહેલા આ બાબત અંગે અનુભૂતિ થાય તેટલું સારું.

કોઈ વ્યક્તિ સંપૂર્ણ સંતોષથી મૃત્યુને આવકારે તે આસાન નથી પરંતુ જીવનની ટાઈમલાઈન તો બનાવી જ શકાય. ચાલીસે મૃત્યુ આવે તો કઈ ઈચ્છાઓને પ્રાધાન્ય એવું, પચાસે મૃત્યુ થાય તો કેટલું જીવન જીવ્યું, સીતેર સુધી જીવી શકાય તો શું હાંસલ કરવું છે અને કેટલું યોગદાન એવું છે એવા કેટલાક પડાવ જીવનમાં નિર્ધારિત કરી શકાય. જીવનના અલગ અલગ તબક્કે આપણી ફરજ અને પ્રાથમિકતા અલગ હોય છે એટલા માટે જેટલું જીવીએ ત્યાં સુધીમાં એવું શું છે જે હાંસલ કરી લેવાની તીવ્ર ઈચ્છા છે તેને પ્રાધાન્ય આપીને જીવનને તબક્કાઓમાં એવી રીતે વહેંચી શકાય કે જયારે પણ મૃત્યુ આવે, ત્યાર સુધીની આપણી ઈચ્છાઓ લગભગ પુરી થઇ ગઈ હોય અને આપણી ફરજો પણ નિભાવાઈ ગઈ હોય. સંપૂર્ણ સંતોષ સાથે નહિ તો પણ મહદંશે બિનફસોસ જીવનનો અંત સ્વીકારી શકાય તેવું કૈંક કરવું જોઈએ.

Don’t miss new articles