કેટલાક લોકો પોતાનું જ ધાર્યું કરે છે. તેમને બીજા શું વિચારશે તેની પરવા હોતી નથી. સમાજના નિયમો કે કોઈના અભિપ્રાય તેમના માટે કોઈ મહત્ત્વ રાખતા નથી. પોતાની મરજીમાં આવે તેમ વર્તે, તેવા નિર્ણય કરે અને તેવી જ રીતે જીવન જીવે. આવા લોકોને ધૂની કહી શકાય. કેટલાક લોકો તેમને બળવાખોર પણ કહે છે. પરંતુ બળવાખોર અને ધૂની લોકોમાં તફાવત છે. ધૂની લોકો માત્ર પોતાનું ધાર્યું કરે છે, તેમને કોઈ પરંપરા કે રૂઢિથી વિરોધ હોતો નથી, તેમને બદલવા નીકળતા નથી. જયારે બળવાખોર લોકો સક્રિય રીતે કોઈ રીતરિવાજનો વિરોધ નોંધાવે છે અને તેનાથી વિરુદ્ધ વર્તન કરે છે. આપણે અહીં ધૂની લોકોની વાત કરીએ છીએ જેમને બીજાથી કોઈ મતલબ નથી, કોઈ પરિવર્તન કે સુધારાનો ઉદેશ્ય પણ નથી.
આવા ધૂની લોકો સારા કે ખરાબ – એવો પ્રશ્ન કોઈ કરે તો અલગ અલગ મંતવ્યો મળે. કોઈ કહે કે એવી રીતે પોતાનામાં જ રહેવું તે કઈ સારી બાબત નથી. આસપાસના લોકોનું તો વિચારવું પડેને? જયારે કોઈ કહે કે તેઓ જે કરતા હોય તે કરવા દો ને, આપણે શું લેવાદેવા? પરંતુ ભાગ્યે જ કોઈ એ વાત સમજી શકશે કે ધૂની લોકો પોતાના સ્વકેન્દ્રીત મિજાજને કારણે એક સબળ પાસું ધરાવે છે – પોતાના આંતરિક અને બાહ્ય વ્યક્તિત્વના તાદાત્મ્યનું. જયારે સામાન્ય ગણાતા લોકો પોતાના આંતરિક વ્યક્તિત્વને બહાર વ્યક્ત કરતા અચકાય છે અને તેમના વિચારો તથા ભાવનાઓ દબાવીને જીવે છે ત્યારે ધૂની લોકો આવી કોઈ જ બાધા વિના પોતાનું ધાર્યું વર્તન કરે છે, પોતાની જાતને અભિવ્યક્ત કરે છે.
ધૂની લોકોની આંતરિક અને બાહ્ય વ્યક્તિત્વની સંલગ્નતાને કારણે તેઓ વધારે ઓથેન્ટિક – અધિકૃત જણાય છે. તેમનું જીવન વધારે આસાન હોય છે કારણકે તેમને ક્યારેય કોઈ પડદામાં રહેવાની જરૂર પડતી નથી. તેઓ પોતે જેવા હોય તેવા જ દેખાય છે અને જીવે છે. પોતાના વિચારોને દબાવતા નથી, બદલતા નથી અને સમાજને અનુરૂપ બનવાની ઝંઝટમાં પોતાની ઓરિજિનાલિટીને ખોતા નથી. આ મૌલિકતા જ તેમને એક અનેરી શક્તિ આપે છે. લોકોને અનુરૂપ થવાના ચક્કરમાં મોટા ભાગના લોકો પોતાની અસલિયત ભૂલી જાય છે અને મૌલિકતા ખોઈ બેસે છે. જેને કારણે તેમની વિશેષ આવડત પણ તેઓ ગુમાવે છે.
દરેક વ્યક્તિ કોઈને કોઈ વિશેષતા ધરાવે છે તે સૌ સ્વીકારે છે. પરંતુ જયારે આપણે દરેક વ્યક્તિને એકસમાન નિયમોમાં બાંધીએ, એક સમાન વર્તન કરવા મજબુર કરીએ ત્યારે તેમની વિશેષતા કેવી રીતે ખીલે? તેઓ સમાજની પરંપરાઓ અને રૂઢિઓને એટલા તાબે થઇ જાય કે પોતાની વિશેષતા ખોઈ બેસે. એટલા માટે જ ધૂની લોકો પોતાની વિશેષતા જાળવી રાખવામાં સફળ રહે છે. આ વિશેષતા જ તેમને સૌથી અલગ બનાવે છે. તેમનું માત્ર બીજા લોકોથી અલગ હોવું નહિ પરંતુ પોતાની જાત સાથે મૌલિક અને અધિકૃત હોવું એ તેમની સાચી ખાસિયત છે.
કેટલાય સફળ લોકો કે જેઓ પોતાના સમયને કે સમાજને અનુસરવાને બદલે પોતાના આંતરિક અવાજને અનુસર્યા તેઓ વધારે સારી રીતે ન માત્ર પોતાનું જીવન જીવ્યા પરંતુ ઘણીવખત પોતાના સમયને પણ પ્રભાવિત કરી શક્યા. જેમ કે આઈન્સ્ટાઈન કે એડિસન જેવા વૈજ્ઞાનિકો માત્ર પોતાની ધૂનમાં રહીને કામ કરતા કરતા એવા સંશોધનો કરી ગયા કે આજે સદીઓ પછી પણ ખુબ પ્રભાવી બની રહ્યા છે. મોટા ઉદ્યોગપતિઓ કે જે કોઈનું સાંભળ્યા વિના પોતાના આંતરિક અવાજને અનુસર્યા તેઓએ ક્રાંતિ લાવી દીધી. ગાંધીજીએ સ્વાતંત્ર્ય ચળવળની પ્રચલિત પરંપરાને તોડીને પોતાની આગવી પદ્ધતિ આપી અને પરિણામે લાખો લોકોના જીવ બચાવ્યા. આ દરેક મહાન વ્યક્તિ દુનિયાથી અલગ હોવાને કારણે નહિ પરંતુ પોતાની જાત સાથે સંલગ્ન, અધિકૃત હોવાને કારણે પોતાની વિશેષ શક્તિઓનું યોગદાન સમાજને આપી શક્યા.
પરંતુ જે લોકો પોતાની જાત સાથે તાદાત્મ્યભર્યું જીવન ન જીવે અને માત્ર બીજાથી અલગ દેખાવા માટે ભાતભાતનું વર્તન કરતા હોય તો તેમની કોઈ વિશેષતા નથી. તેવા લોકો તો નાહકના પીડાય છે. ન તો તેઓ પોતાની સાથે કે ન તો સમાજની સાથે સંલગ્ન બની શકે. તેવા ઢોંગી કે દેખાવ કરનારા લોકો તો ન પોતાની અંદરના રહે છે કે ન બહારના. તેઓ પોતાના આંતરિક વ્યક્તિત્વને અનુસરવું કે સમાજની પ્રચલિત પરંપરાને અનુસરવી તે જ નક્કી કરી શકતા નથી. માટે તેમના કરતા વધારે સારું જીવન તો એ લોકો જીવે છે કે જેઓ સમાજને અનુરૂપ થઈને જીવે છે. માટે અલગ હોવું નહિ પરંતુ મૌલિક હોવું અગત્યનું છે.