જે જમીનમાં બીજ ન વાવીએ ત્યાં ઘાંસ અને બાવળ ઊગી નીકળે છે. તેવું જ આપણા મનનું છે. તેમાં સારા વિચારોના બીજ ન વાવીએ તો વિકૃતિઓ ઊગી નીકળે. જમીનની ક્ષમતાનો પૂરો ઉપયોગ ત્યારે થયો કહેવાય જયારે તેમાંથી આપણે સારો પાક મેળવી શકીએ, ઈચ્છીત ઉત્પાદન લઇ શકીએ. આપણા જીવનમાં પણ જો નિર્ધારિત પ્રગતિ કરવી હોય, કોઈ નિશ્ચિત દિશામાં આગળ વધવું હોય તો મગજને તે પ્રમાણે તાલીમ આપવી પડે છે. જો અવકાશનો ઉપયોગ કરવામાં ન આવે, તેના અંગે આયોજન કરવામાં ન આવે તો બિનજરૂરી બાબતો તેને ભરી દે છે. તેવું ન થાય એટલા માટે દરેક ઉપલબ્ધ અવકાશનું પૂરેપૂરું આયોજન કરવું જોઈએ. આપણા મગજ માટે તો કહેવાય છે કે ‘ખાલી દિમાગ શેતાન કા ઘર’ અને આ વાત જમીનમાં બીજ ન વાવવાની વાત સાથે પણ બરાબર બંધ બેસે છે.
આપણા રોજિંદા જીવનમાં સવારથી સાંજ સુધીનો સમય કેવી રીતે વિતાવવાનો છે તે નક્કી ન કરેલું હોય, આયોજન ન બનાવેલું હોય તો નકામી પ્રવૃતિઓ આપણને વ્યસ્ત રાખે છે. જેની પાસે કામ ન હોય તેમને મોબાઈલ પર કલાકોના કલાકો વિતાવતા તમે જોયા હશે. સવારે ઉઠ્યા ત્યારથી મોબાઈલ હાથમાં લઈને સાંજ સુધી ડોકું નીચું કરીને એ છ ઇંચની સ્ક્રીનમાં ઘુસી બેઠેલા લોકોના મગજની જમીનમાં એવું જ ઘાંસ ઊગી ગયું હોય છે અને કમનસીબી તો એ છે કે તેઓને એ વાતની જાણ પણ હોતી નથી. જે ખેતરમાં વધારે ઘાંસ ઉગી જાય ત્યાં પછી પાક થતો નથી કેમ કે જમીનના બધા જ પોષક તત્વો એ ઘાંસ જ ચૂસી લે છે. ખેડૂતને એટલા માટે તો નિયમિત રીતે લણણી કરવી પડે છે. ખેતર સુધી તો વાત ઠીક છે પરંતુ આ દશા જયારે માણસના મગજની થાય ત્યારે કેવી સ્થિતિ ઉભી થાય તે જોવા માટે આપણે તો માત્ર આજુબાજુમાં જ નજર કરવાની જરૂર છે. આ રીતે ઘાંસ ભરેલા મગજવાળા લોકોને તમે ગમે તેટલા સારા વિચારો આપવાની કોશિશ કરો તો પણ તેના ભેજામાં કોઈ છોડ જલ્દીથી ઊગી શકશે નહિ કેમ કે તેને માટે પોષક તત્વો તો બચ્યા જ નહિ હોય.
સમય હોય કે અવકાશ, જમીન હોય કે મગજ, તેમનો સારી રીતે ઉપયોગ થાય એટલા માટે પૂર્વનિર્ધારિત રીતે તેમની પાસેથી કામ લેવું આવશ્યક છે. માનવીનું જીવન કઈ દિશામાં આગળ વધશે તેનો નીર્ધાર વ્યક્તિના સંસ્કારો પર છે, તેની વિચારસરણી પર છે. માનવનું મન ચંચળ તો છે પરંતુ દિશાહીન પણ છે. તેને સાચી દિશામાં વાળવું એ આપણા હાથમાં છે. જો આપણે તેની દરકાર ન કરીએ તો જીવન ક્યા માર્ગે ચાલશે અને કઈ તરફ ગતિ કરશે તે નક્કી ન રહે. આ જ કારણ છે કે કેટલાક લોકોનું જીવન ધૂપસળી જેવું હોય તો કેટલાકનું તેનાથી તદ્દન વિરુદ્ધ. મનની જમીનને સારી રીતે ખેડીને તેમાં સદ્વિચાર, સમૃદ્ધિ અને પરોપકારના બીજ રોપનાર વ્યક્તિ સારા ફળ પ્રાપ્ત કરે છે જયારે તેને ખાલી છોડી દેનારના જીવનમાં નકામા ઘાંસ અને કાંટાળા બાવળ સિવાય બીજું કશુંય હોતું નથી.
પોતાના જીવનની દિશા અને પ્રગતિ જાતે નિર્ધારિત ન કરનાર વ્યક્તિ પછી બીજા કોઈને દોષ આપે, સમાજમાં ખામી શોધે તેનો કોઈ અર્થ નથી. આ દુનિયા તો અતરંગી છે જ. અહીં સારા લોકો પણ છે અને ખરાબ પણ. તમારી પોતાની માનસિકતા નક્કી કરશે કે તમે કોની સાથે ઉઠો બેસો છો. તમારા પોતાના વિચારો નક્કી કરશે કે તમે અહીં ગુણ શોધો છો કે દોષ. તેનું જ પરિણામ હશે કે તમે સમાજને ઉપયોગી થઈને જીવી રહ્યા છો, અમૂલ્ય માનવજીવન દરમિયાન બીજા સૌને મદદરૂપ બની રહ્યા છો કે પછી માર્ગમાં પડેલા કાંકરાની જેમ સૌના પગમાં ખૂંચો છો. તમારા મનમાં સારા વિચાર અને જ્ઞાન રોપશો તો ત્યાં ખાલી પડેલી જમીનમાં ઊગી નીકળતા ઘાંસની જેમ કુવિચારો અને દુર્ગુણો નહિ પેસે.