ગુજરાતીઓની એક ખાસિયત એ કે તેઓ ક્યાંય સ્થિર થઈને ન બેસે. કહેવાનો અર્થ એવો નથી કે તેઓ ક્યાંય સખણા ન રહે, પણ તાત્પર્ય એ છે કે ગુજરાતીઓ બંધિયાર પાણી થઈને રહેવામાં માનતા નથી. ફરે તે ચારે ના ન્યાયે તેઓ આખી ભોમકા ખેડી નાખે છે અને જ્યાં જાય ત્યાં સાટુ-ખાતું કરીને બે પૈસા કમાઈ લે છે. ચોરી ચકારી કે બીજા કોઈ ગુના કરવામાં તેઓ માનતા નથી. ભગવાનભીરુ અને ધર્મપ્રિય એવી આ પ્રજા ભારતના પશ્ચિમ કિનારે આવેલા ગુજરાતથી વિસ્તારીને આજે દુનિયાના લગભગ દરેક દેશમાં હાજર છે. વહાણવટું કરીને, બે-ચાર ટકાના નફે વેપારધંધો કરવા નીકળેલી આ ખમીરવંતી જતી આજે આફ્રિકાના પૂર્વ કિનારે આવેલા દેશોમાં કેવું માનસમ્માન અને આદરણીય સ્થાન પામી છે તે જોવું હોય તો કેન્યા આવવું પડે.
કેન્યામાં અનેક ગુજરાતીઓ એવા છે કે જેઓએ અહીંના વ્યાપારના ક્ષેત્રમાં જ નહિ પરંતુ શાણપણ અને સામાજિક ક્ષેત્રમાં પણ પોતાનું નામ કાઢ્યું છે. આવું જ એક ખુબ સમ્માનથી લેવાતું નામ છે મનુભાઈ ચંદરિયાનું. મનુભાઈ કેન્યાના એક ખુબ મોટા ઉદ્યોગ સાહસિક છે અને સમાજસેવક પણ છે. તેમનું નામ કેટલીય અસ્પતાલો, શાળાઓ, યુનિવર્સીટી કે સરકારી સંસ્થાઓ સાથે સંકળાયેલું છે કેમ કે ત્યાં તેમણે અનેક રીતે પોતાનું બહુમૂલ્ય યોગદાન આપેલું છે. આજે લગભગ ૯૪ વર્ષની ઉમર ધરાવતા મનુભાઈનું નામ આમ તો મણિલાલ પ્રેમચંદભાઈ ચંદરિયા છે પરંતુ સૌ પ્રેમથી તેમને મનુભાઈ કહીને જ બોલાવે છે. તેમનો જન્મ નૈરોબીમાં જ થયેલો પરંતુ શિક્ષણ માટે તો જામનગર અને અમેરિકા ગયેલા. ન માત્ર પ્રવાસી ભારતીય સમ્માન પ્રાપ્ત કરનાર બહુ ઓછા લોકો પૈકી એક મનુભાઈ છે પરંતુ અમેરિકાનું કાર્નેગી ફિલાન્થ્રોફિ સમ્માન તો તેમને આગાખાન, અજીમ પ્રેમજી અને રતન ટાટાની હરોળમાં બેસાડે છે. બ્રિટનની મહારાણી કવિન એલિઝાબેથ દ્વિતીયે પણ તેમને વર્ષ ૨૦૦૩માં ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર સમ્માન એનાયત કરેલું. કેન્યાનું પણ દ્વિતીય ઉચ્ચતમ સમ્માન ચીફ ઓફ ઓર્ડર ઓફ બર્નિંગ સ્પીઅર (CBS) અને તેની પહેલા EBS તેમને મળી ચુક્યા છે. એક બિલિયન ડોલરથી પણ મોટું અમ્પાયર ક્રોમક્રાફ્ટ ઉભું કરનાર મનુભાઈનો બિઝનેસ ૪૦થી વધારે દેશોમાં ફેલાયેલો છે.
મનુભાઈ તેમના જીવનની એક સૌથી યાદગાર ક્ષણ તરીકે એ દિવસને ગણાવે છે જયારે બાળપણમાં તેમને ગાંધીજીને મળવાની તક મળેલી. ત્યારથી જ કદાચ તેમના મન પર ગાંધીએ બહુ મોટી છાપ છોડેલી કે આજે તેઓના વોર્ડરોબમાં માત્ર ત્રણ સૂટ હોય છે. તેમના ચેહરા પર હંમેશા કરુણા અને સ્મિત છલકાતા હોય અને તેમને જયારે પણ મળો ત્યારે આફ્રિકામાં ભારતીય મૂળના લોકોના ઇતિહાસ અંગે કઇંકને કઈંક નવું જાણવાનું મળે જ મળે. તેમનું પ્રત્યક્ષ યોગદાન અને ઇન્વોલ્વમેન્ટ કેન્યાના ઇતિહાસ અને વિકાસમાં એટલું મોટું કે જેને આપણે ઇતિહાસ કહી શકીયે તેવી ઘટનાઓને કંડારવામાં મનુભાઈ કોઈકને કોઈક રીતે તો જવાબદાર હોય તેવું બની શકે. જેમ કે કેન્યાની સૌથી મોટી નૈરોબી યુનિવર્સીટીના કેમ્પસમાં આવેલું ગાંધીજીનું પૂતળું સ્થાપિત કરાવવામાં પણ તેઓ જ કારણભૂત બન્યા હતા. કેન્યાની આઝાદીની ચળવળમાં પણ તેમનો હાથ ખરો જ. તેમના પિતાએ ઈ.સ. ૧૯૧૫માં સૌરાષ્ટ્રના જામનગરમાંથી કેન્યા વેપારધંધા અર્થે સ્થળાંતર કરેલું અને અહીં સારો એવો ધંધો જમાવેલો. મનુભાઈ પોતે કહે છે કે જો હું મોઢામાં ચાંદીની ચમચી લઈને ન જન્મ્યો હોય તો પણ ઘરમાં ચમચીઓ હોવા જેટલી સમૃદ્ધિ તો હતી જ!
અહીં ભાગ્યે જ કોઈ સામાજિક સંસ્થા એવી હશે કે જેઓ મનુભાઈનું સમ્માન કરતા આજે પણ થાકતા હશે. માત્ર ગુજરાતીઓ જ નહિ, ભારતીયો જ નહિ પરંતુ એશિયન લોકોના મુખૌટા તરીકે કેન્યાની સરકાર અને પ્રજા મનુભાઈને વધાવે છે. સરકારી અધિકારીઓથી માંડીને લગભગ બધા જ નેતાઓ મનુભાઈને ઓળખે. એ પણ શક્ય છે કે તેઓ આજે જ્યાં છે ત્યાં પહોંચવામાં પણ મનુભાઈએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ ભાગ ભજવ્યો હોય. આજે કેન્યામાં આવો અને મનુભાઈ વિષે વાત સાંભળો એટલે તમને એવું લાગે કે આવી અજાતશત્રુ વ્યક્તિ આજના જમાનામાં કેવી રીતે હોઈ શકે? લોકોના મન જીતવા કેટલા સરળ છે તેની મનુભાઈની સરળતા અને સાદગીમાં જોવા મળે છે. કેન્યામાં રહેતા અને અહીં પ્રવાસે આવતા ભારતીય ડાયસ્પોરાના અભ્યાસુઓએ મનુભાઈને એકવખત તો મળવું જ રહ્યું.