ચા પીવાના શોખીન ગુજરાતી વાંચકોને આજે ચા વિષે વાત કરીએ. ચા, ચાઇ, ચ્હા જેવા અલગ અલગ નામોથી ઓળખાતું આ પીણું આપણા શરીરમા બલ્બ માટે વીજળી કરે તેવું કામ કરે છે. કેટલાય લોકો એવા હશે જેમને સવારમાં ચા પીધા વિના કામ કરવાની ધગશ નહિ આવતી હોય. કેટલાય લોકોને તો રાત્રે ઊંઘતા પહેલા પણ ચા જોઈએ. પરંતુ જેને આદત ન હોય તેને તો રાત્રે ચા પીવડાવીયે તો તેમની તો ઊંઘ જ ઉડી જાય.
ચા બનાવવાની પણ અલગ અલગ રીતો અને તેહઝીબો હોય છે. કોઈ ઓછા દૂધ વાળી ચા પીવે તો કોઈને દૂધથી ભરપૂર અને મલાઈ વાળી ચા જોઈએ. કોઈ આદુ નાખે તો કોઈ તજપતા અને બીજો ગરમ મસાલો પણ સાથે ઊકાળે. તુલસીના પત્તા અને પુદીનાના પણ પણ ચા સાથે સારી જમાવટ કરે છે. અરે કેટલાક લોકો તો સૂંઠ નાખીને ચા ને તીખી બનાવીને પછી સબળકા લેતા હોય છે. હવે વાત સબળકા લેવાની આવી છે તો એ પણ કહી જ દઈએ કે કેટલાક લોકો સબળકા લઈને ચા પીવાને અસભ્ય માને છે પરંતુ આપણે તો એવા લોકો પણ જોયા છે જે મૂછોને એક હાથે પકડીને સ્ટીલની કે સિરામિકની રકાબીથી ચાનો એવો તો સબળકો લે કે જાણે તેનાથી સંતોષનો અંતર્નાદ જાગી જાય.
ચા ભારતમાં કેવી રીતે પ્રખ્યાત બની તેનો પણ ચા જેવો જ સ્વાદિષ્ટ ઇતિહાસ છે.
ઈ.સ. ૧૫૯૦ના દાયકામાં એક ડચ પ્રવાસી જાણ હ્યુઘેન વેન લીનચોટેં નોંધ્યું છે કે ભારતના લોકો આસામમાં ઉગાડવામાં આવેલા ચાના પત્તાનો ઉપયોગ એક પીણાં તરીકે, તેલ બનાવવા માટે અને ક્યારેક દવા તરીકે કરતા હતા. આસામમાં સીન્ગફો જાતિના લોકો ઘણા સમયથી ચાની એક તરહનું ઉત્પાદન અને ઉપયોગ કરતા હતા. ઈ.સ. ૧૮૨૦ના દશકામાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મોટા પ્રમાણમાં આ પ્રકારની ચાનું ઉત્પાદન આસામના અન્ય વિસ્તારોમાં પણ કરવા માંડ્યું. ત્યારબાદ ઈ.સ. ૧૮૨૬માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ એ વિસ્તારને અહોમ રાજાઓ પાસેથી એક સંધિ દ્વારા લઇ લીધો. ઈ.સ. ૧૮૩૭માં આસામમાં ચાનો પ્રથમ ઈંગ્લીશ બગીચો સ્થપાયો. પછી તો તેનો ખુબ વિકાસ થયો. ઈ.સ. ૧૮૪૦માં ધ આસામ ટી કંપનીની શરૂઆત થઇ અને તેણે ચાનું વ્યાપારિક ધોરણે ઉત્પાદન શરુ કર્યું.
તો પ્રશ્ન એ છે કે ચા કેટલું જૂનું પીણું છે? કેટલાય ગ્રંથો અનુસાર ચા લગભગ ૫૦૦૦-૯૦૦૦ વર્ષ જૂનું પીણું છે અને તેનો ઉદ્ભવ એક ગરમ મસાલા તરીકે થયો હોવો જોઈએ. તે ગરમ કે થાળ પીણાં તરીકે અને ક્યારેક દવા તરીકે ઉપયોગમાં આવતી.
હવે આપણે જે મસાલા ચા પિયે છીએ તે અને બ્રિટિશ ટી અલગ હોય છે. બ્રિટિશ લોકો અને તેવી જ રીતે બીજા કેટલાય દેશના લોકો ચાના પાનને ઉકાળીને પીવે છે. તેમાં દૂધ કે ખાંડનો ઉપયોગ કરતા નથી. આપણે ભારતમાં પણ શરૂઆત તો એવી જ રીતે થયેલી કે ચાના કુમળા પાનને ઉકાળીને જે પીણું બનતું તે ચા તરીકે ઓળખાતું પરંતુ તે મોંઘુ હતું અને બધા લોકોને તે પરવડે તેવું નહોતું. એટલે કુણા પાન ઉપરાંતના જે બીજા પાન ચાના છોડ પર થતા હોય તેને ક્રશ કરીને, ભૂકો કરીને નાની નાની ગાંગડીઓ બનાવવામાં આવે છે. તેને આપણે સીટીસી એટલે કે ક્રશ, ટિયર અને કર્લ ચા તરીકે ઓળખીએ છીએ. આ પાંદડાંઓમાં કુણા પાન જેટલો સ્વાદ અને સુગંધ ન હોવાથી તેમાં દૂધ અને ખાંડ ઉમેરવાની શરૂઆત થઇ. જેમાં ધીમે ધીમે બીજા મસાલા પણ ઉમેરવાનું શરુ થયું અને તેને આજે આપણે મસાલા ચા તરીકે ઓળખીએ છીએ.
આ મસાલા ચાના ઉદ્ભવ અંગે પણ કેટલીય દંતકથાઓ સંકળાયેલી છે. એક કથા અનુસાર રાજા હર્ષવર્ધને મસાલા ચાનો ઉપયોગ શરુ કર્યો અને ત્યારબાદ તે પ્રચલિત થઇ. બીજે ક્યાંક એવું પણ વાંચવામાં આવ્યું છે કે આસામના અહોમ રાજાઓ ઈ.સ. ૧૨૦૦-૧૫૦૦ દરમિયાન મસાલા ચાનો ઉપયોગ કરતા હતા અને તે લાલ ચા તરીકે ઓળખાતી. એક અભ્યાસી ફ્રેડરીક દાંનાવે એવું લખે છે કે ભારતીય શાસ્ત્રોમાં સોમરસ તરીકે જે પીણું ઓળખાવાયુ છે તે ચા હોવું જોઈએ. પણ પ્રશ્ન એ થાય કે જો શાસ્ત્રોમાં સોમરસ એટલે ચા નો ઉલ્લેખ હોય તો આજે જેને આપણે સોમરસ તરીકે ઓળખીએ છીએ તે ક્યાંથી અને ક્યારે સોમરસ બની ગયો? માટે, સોમરસ ને સોમરસ જ રહેવા દઈએ!
વળી મસાલા ચા પણ એકલી હોતી નથી. તેની સાથે બિસ્કિટ, થેપલા, ગાંઠીયે, સેવમમરા કે એવા લિજ્જતદાર પકવાન ખાવાની આદત આપણા ગુજરાતીઓમાં વધારે છે. જો કે ભારતના અન્ય વિસ્તારોમાં પણ બિસ્કિટ તો ચા સાથે ખવાય જ છે પરંતુ દિલ્હીમાં મઠરી કે સમોસા પણ પ્રચલિત છે. અંગ્રેજો ચા સાથે બિસ્કિટ, કૂકીઝ કે કેક ખાય છે.
હવે, ચા વિષે એટલું વાંચ્યા બાદ તમને તમારી મસાલા ચા ઉપર થોડું વધારે માન થાય તો તેમાં નવાઈ નહિ.