તમે ક્યારેય ધ્યાન કર્યું છે? ધ્યાન – મેડિટેશન સદીઓ જૂની ભારતીય પારંપરિક પદ્ધતિ છે જે આપણા મનને શાંત કરવા માટે, આત્મા સાથે જોડાણ સાધવા માટે, પોતાની આંતરિક સમૃદ્ધિ માટે અપનાવાતી પ્રક્રિયા છે. આજના સમયમાં ધ્યાનનું મહત્ત્વ વધી રહ્યું છે. કેટલાય મોબાઈલ એપ અને વેબસાઈટ ધ્યાન કરવા માટે માર્ગદર્શન આપે છે. કેટલાય આશ્રમમાં ધ્યાન કરતા શીખવવામાં આવે છે. યોગ, આશ્રમ, જિમ, પર્શનલ ટ્રેઈનર વગેરેના માધ્યમથી લોકો ધ્યાન કરતા શીખે છે અને તેને પોતાના જીવનમાં શક્ય હોય તેટલા અંશે સ્વીકારવાની કોશિશ કરે છે.
વ્યક્તિ ધ્યાન કરવા માટે સામાન્ય રીતે કોઈ શાંત સ્થળે આસન પાથરીને અમુક નિશ્ચિત મુદ્રામાં બેસે છે. આંખો બંધ કરીને ૐકારના સ્વર સાથે, અથવા તો બીજા કોઈ પ્રતીક દ્વારા પોતાનું ધ્યાન સ્થિર કરવા પ્રયત્ન કરે છે. પરંતુ ધ્યાનનો વાસ્તવિક અર્થ તો કોઈ એક જગ્યાએ ધ્યાન સ્થિર કરવું એવો જ થાય છે. તો શું તમે કોઈ કામ કરતા હોય અને તેમાં મશગુલ થઇ જાઓ તો તે ધ્યાન થયું કહેવાય? શું તમે રમત રમતા હોય ત્યારે તમારી બધી જ ઇન્દ્રિયો અને ક્ષમતાઓને એક જ જગ્યાએ કેન્દ્રિત કરો તો તે ધ્યાન ન થયું કહેવાય? ઘરમાં રસોઈ બનાવતી ગૃહિણી બધી વાતો ભૂલીને માત્ર રોટલી બનાવવામાં તલ્લીન થઇ ગઈ હોય તો તે ધ્યાન ન થયું કહેવાય? હા, આ બધી જ પરિસ્થિતિ વાસ્તવમાં તો ધ્યાનાવસ્થા જ છે. જે કોઈપણ રીતે વ્યક્તિ પોતાનું ધ્યાન એક જગ્યાએ સ્થિર કરી શકે તેને ધ્યાન કર્યું કહેવાય. ધ્યાન તો સામાન્ય અર્થ એવો કરી શકાય કે પોતાનું ધ્યાન એક જગ્યાએ કેન્દ્રિત કરવું, તેને વિભાજીત થતું, મનને ભટકતું અટકાવવું.
ફિલ્મમા બેઠેલી વ્યક્તિ બહારની ચિંતા ભૂલી જાય તો તેને ધ્યાન મગ્ન થયેલો માનવો જોઈએ. કોઈ પ્રત્યે ઈર્ષ્યા કે દ્વેષ રહિત બનીને પાનની દુકાન ચલાવી રહ્યો હોય તે વ્યક્તિ પણ ધ્યાન મગ્ન જ કહેવાય. મનને કેન્દ્રિત કરવાની આવડત આસાન નથી. તેમાં અનેક વિચારોની ભરમાર થતી હોય છે. વિજ્ઞાન કહે છે કે રોજના ૬૦ હજાર જેટલા વિચારો આપણા મનમાં આવે છે. આ વિચારોની સાથે સાથે આપણું મન પણ કુદકા મારતું એક સ્થળેથી બીજા સ્થળે ભટકતું હોવાથી જ મનને મર્કટ એટલે કે વાનર સાથે સરખાવવામાં આવે છે. પરંતુ જે માણસ એટલા વિચારોના પ્રહારોમાંથી બચીને એક-બે વાતો પર જ ફોકસ કરી શકે તે ધ્યાનમાં છે. પછી તે કોઈપણ વાત હોય. તે બિઝનેસ હોય, કે ફિલ્મ હોય, કે ભજન હોય, મન સ્થિર થયું એટલે ધ્યાન લાગ્યું કહેવાય.
આમેય ધ્યાન કરવાનો ઉદેશ્ય શું છે? એ જ કે મનને અનેક વિચારોના પ્રહારથી બચાવવું. તેને વિચલિત થતું અટકાવવું. જો કોઈપણ કારણથી, કોઈ પણ ઉપાયથી તે થઇ રહ્યું હોય તો તેના માટે પદ્માસનમાં બેસવાની કે આંખો બંધ કરીને એક કલાક વિતાવવાની આવશ્યકતા ખરી? ધ્યાન લાગવા માટે સૌથી અગત્યનું પરિબળ એ પણ છે કે જે તે બાબતમાં તમને રસ હોય. જો તમને ભરતગૂંથણ કરવું ગમતું હોય તો તે મેડિટેશન બની શકે. જો રસોઈ કરવી ગમતી હોય કે ગાર્ડનિંગ કરવું ગમતું હોય તો તે પણ મેડિટેશન બની શકે. વાંચવાનો શોખ ધરાવતી વ્યક્તિ કલાકો સુધી પુસ્તકમાં લિન થઇને બેસી શકે તો તે મેડિટેશન જ કહેવાય. ક્રિકેટ કે ગોલ્ફ રમનારનું ધ્યાન રમત સિવાય બીજે ક્યાંય ન જાય તો તે ધ્યાનમગ્ન ગણાય.
શું તમે પણ પદ્માસન લગાવ્યા વિના, આંખો મીંચીને એક સ્થળે બેસ્યા વિના કોઈ કાર્ય કે પ્રવૃત્તિમાં તલ્લીન થઈને ધ્યાન મગ્ન થયા હોવાનો અનુભવ કર્યો છે? શું કોઈ એવી પ્રવૃત્તિ છે જે કરતી વખતે તમારું મન સ્થિર થાય છે, શાંત થાય છે? તો તે તમારી ધ્યાનમાંય પ્રવૃત્તિ ગણાય.