મેગન માર્કલ અને પ્રિન્સ હેરીએ તેમની અંતિમ સસેક્સ રોયલ સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને કમ્યુનિટિને ગુડબાય સંદેશ આપતા 31 માર્ચ – મેગ્ક્ષિટ ડે – પર સત્તાવાર રીતે જણાવ્યું હતું કે તેઓ રોયલ ટાઇટલ છોડી રહ્યા છે. આ રીતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી અને રોયલ ફરજો તરફ પીઠ ફેરવી લીધી તેને લગભગ 100 દિવસ થયા. મેગ્ક્ષિટ થઇ ત્યારે કોરોનાવાયરસ રોગચાળાની શરૂઆત હતી, અને આ રોયલ દંપતીએ તેમના ગુડબાય મેસેજ દ્વારા લોકોને પોતાની અને આસપાસના લોકોની સંભાળ રાખવા કહ્યું હતું. ધીમે ધીમે યુકે કોરોના વાઇરસના સમયમાં મેગ્ક્ષિટ વિષે લગભગ ભૂલી ગયું.
કોરોના અને લોકડાઉંન દરમિયાન ૬ઠી મેના રોજ તેમના પુત્ર આર્ચીનો પ્રથમ જન્મદિવસ ઉજવ્યો અને ૧૯મી મેના દિવસે આ દંપતીએ તેમની બીજી લગ્ન જયંતીની ઉજવી હતી. ઓમિડ સ્કોબી અને કેરોલિન ડ્યુરાન્ડ દ્વારા લખાઈ રહેલા આ દંપતીના જીવનચરિત્ર ‘ફાઈન્ડીંગ ફ્રીડમ’ વિશેની વિગતો બહાર આવી છે. લેખકોએ તેને હેરી અને મેગનના પ્રવાસનું “સચોટ સંસ્કરણ” કહ્યું છે. તેમાં લોકોને વધારે અંદરની વાતો જાણવા મળે તેવું લાગી રહ્યું છે.
હવે જયારે મેગ્ક્ષિટ થઇ ગઈ છે ત્યારે બધા સમાચાર પત્રો અટકળો લગાવી રહ્યા છે કે તે અનિવાર્ય હતું. તેમનું કહેવું છે કે મેગન માર્કલ અને પ્રિન્સ હેરીના લગ્નને હજી એક વર્ષ થયું નહોતું ત્યાં તો પ્રિન્સ હેરીમાં પરિવર્તન આવવાની શરૂઆત થઇ ગયેલી. જેમ કે પ્રાણી પ્રેમી મેગનને નારાજ ન કરવા પ્રિન્સ હેરીએ રોયલ ફેમિલીના પરંપરાગત બોક્સિંગ ડે શિકારમાં ભાગ નહોતો લીધો. નહીંતર પ્રિન્સ હેરી છેલ્લા ૨૦ વર્ષથી પણ વધારે સમયથી દર વર્ષે આ શિકારમાં ભાગ લેતા.
આ દરમિયાન, યુકેમાં કોરોનાની અસરથી વેપાર અને નોકરીઓ બચાવવા ચાન્સલર ઓફ એક્સચેકર રિશી સુનક અનેક નવી યોજનાઓ લાવી રહ્યા છે. જેમાં સૌથી નવી યોજના છે કે મકાન ખરીદનારને પહેલા પાંચ લાખ પાઉન્ડ સુધીની કિંમત પર સ્ટેમ્પ ડ્યુટી ચુકવવાની જરૂર નથી. આ યોજના આવતા વર્ષની શરૂઆત સુધી રહેશે. ઘરની કિંમત કેટલી પણ હોય, પહેલા પાંચ લાખ પાઉન્ડ પર સરકારી ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેવી જ બીજી યોજના છે કે જે લોકોને ફર્લો કરવામાં આવ્યા હતા – એટલે કે નોકરીમાંથી ઘરે બેસાડીને સરકાર પાસેથી લઈને તેનો ૮૦% પગાર ચુકવવામાં આવ્યો હતો તેને જો કંપની જાન્યુઆરી સુધી કામે રાખે તો દરેક કામદાર દીઠ કંપનીને એક હજાર પાઉન્ડનું બોનસ મળશે.
ઇન્ફોસિસના સંસ્થાપક એન. આર. નારાયણમૂર્તિની પુત્રી અક્ષતાને પરણેલા રિશી સુનક ૪૦ વર્ષીય યુવાન છે અને ચાન્સલર ઓફ એક્સચેકર – ભારતના નાણા મંત્રીને સમકક્ષ – બન્યા તે પહેલા તેઓ ઇન્વેસ્ટમેન્ટ બેંકર હતા. રિશી સુનકે જે રીતે કોરોના દરમિયાન તકલીફમાં આવી પડેલી અર્થવ્યવસ્થાને સંભાળવા, વેપાર અને નોકરિયાતને મદદ કરવાની યોજનાઓ બનાવી છે તે ખુબ લોકપ્રિય થઇ છે. આજે એવું મનાઈ રહ્યું છે કે ખુબ પ્રભાવશાળી રીતે, સમજદારી પૂર્વક, દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નિર્ણયો લઈને રિશી સુનકે નીતિઓ ઘડી છે. સરકારી તિજોરીમાં ગાબડું પડશે તો પણ લોકોના હાથમાં જે નાણા જશે તે અર્થવ્યવસ્થાને જીવતી રાખશે તેવું માનીને તેણે છુટા હાથે લોકોને બેરોજગારી ભથ્થા આપ્યા, ટેક્સમાં છૂટછાટ આપી અને કંપનીઓને લોન આપી. આજે પરિસ્થિતિ એવી છે કે બોરિસ જોહન્સનના ઉત્તરાધિકારી તરીકે તેનું નામ ચર્ચાઈ રહ્યું છે. સામાન્યરીતે આટલા ટૂંકા સમયમાં કોઈ રાજકારણીને આટલી પ્રસિદ્ધિ મળતી હોતી નથી. પરંતુ રિશી સુનક અપવાદ ગણાય રહ્યા છે.