નવી ચૂંટણી અને ક્રિસમસની રજાઓ પત્યા પછી યુકે જયારે બ્રેક્ઝિટની તૈયારીમાં જોરશોરથી લાગી ગયું હતું ત્યારે ૮મી જાન્યુઆરીએ મેગક્ષિટની જાહેરાત થઇ ગઈ. મેગક્ષિટ એટલે મેગાન માર્કલ અને પ્રિન્સ હેરીની યુકેના શાહી પરિવારમાંથી નીકળવાની પ્રક્રિયા. પ્રિન્સ હેરી સસેક્સના ડ્યુક છે અને તેની પત્ની મેગાન માર્કલ ત્યાંની ડચેસ. આ શાહી યુગલે ૮મી જાન્યુઆરીએ ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી કે તેઓ પોતાની સ્વતંત્ર જિંદગી શરુ કરવા ઈચ્છે છે અને એટલા માટે શાહી ફરજોમાંથી મુક્તિ મેળવવા માંગે છે. આ બાબત યુકેના લોકો માટે ખુબ આઘાત અને આશ્ચર્યજનક બની રહી.
બધા સમાચારપત્રો અને ટીવી ચેનલ બ્રેક્ઝિટ ભૂલીને મેગક્ષિટ – મેગાનની એક્ઝીટ – ના સમાચારોથી ભરાઈ ગયા. આ દંપતીમાં મેગાન માર્કલ અમેરિકન હોવાથી અને તેમાં પણ બ્રિટિશ બ્લડ ન હોવાથી વધારે ચર્ચામાં રહી છે. મેગાન પ્રિન્સ હેરીને પરણી તે પહેલા ફિલ્મ અને ટીવી સિરીઝમાં એક્ટિંગ કરતી હતી. તેની પોતાની ઓળખ હતી અને સ્વતંત્ર જીવન હતું. બ્રિટિશ શાહી પરિવારમાં પ્રિન્સ ચાર્લ્સના પુત્ર પ્રિન્સ હેરી સાથે પરણ્યા બાદ તેને આ બધું છોડવું પડ્યું. વળી આ યુગલની અનેક હરકતોને કારણે અહીંના સમાચારપત્રો તેમની ટીકા કર્યા કરતા. થોડા સમય પહેલા આ યુગલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયું ત્યારે ત્યાં થયેલા ખર્ચ અને તેમની અંગત રેન્જ રોવરને દરિયાઈ માર્ગે ત્યાં પહોંચાડવા અંગે પણ સમાચારપત્રોએ તેમની ટીકા કરેલી.
આખરે આ યુગલે નિર્યણ કર્યો કે તેઓ શાહી હોદાઓ અને ફરજો તથા બ્રિટિશ શાહી પરિવારની સવલતો છોડીને કેનેડા રહેવા ચાલ્યા જશે. કેનેડા અને યુકે વચ્ચે તેમનો સમય વહેંચશે તેવી જાહેરાત તેમણે કરી. આ નિર્ણયથી કેટલાય પ્રશ્નો બ્રિટિશ રાજપરિવાર તથા પ્રજા સામે ઉભા થઇ ગયા. તેઓએ રોયલ ટાઇટલ પણ છોડી દીધા અને તેમની એક્ઝીટ અંગે અનેક અટકળો ચર્ચામાં રહી. ત્યાર બાદ પ્રિન્સ હેરી અને મહારાણી એલિઝાબેથ દ્વિતીય વચ્ચે થયેલ મુલાકાત બાદ કેટલીક બાબતો લોકોની જાણકારીમાં આવી છે.
હવે આ દંપતી રાજપરિવારનું પ્રતિનિધિત્વ નહિ કરે. તેઓને રાજ ખજાનામાંથી સાલિયાણું પણ નહિ મળે. જો કે પ્રિન્સ ચાર્લ્સે મન મોટુ કરીને જાહેરાત કરી છે કે તે વ્યક્તિગત રીતે એક વર્ષ સુધી આ દંપતીને આર્થિક મદદ કરશે જેથી તેમનો શરૂઆતનો સેટલ થવાનો સમય સારો જાય. પરંતુ આ દંપતીને કોઈ આર્થિક મદદની જરૂર હોય તેવું લાગતું નથી કેમ કે મેગાન મર્કેલની પણ સફળ કારકિર્દી હતી અને તેની સંપત્તિ પણ સારી એવી છે.
યુકેમાં હજુયે લોકો રાજ પરિવારને લઈને ખુબ સંવેદનશીલ છે. તેમાં થયેલી આ હલચલને બ્રિટિશ પ્રજા ખુબ રસ લઈને નિહાળી રહી છે. ઘણા લોકો મેગક્ષિટને એક ભૂલ માને છે અને તેને ઉતાવળે ઉઠાવાયેલું પગલું ગણાવે છે. કેટલાક લોકો તો કહે છે કે મેગાનને કારણે પ્રિન્સ હેરી ભરમાઈ ગયા અને પોતાની રાજ ફરજ ભૂલી ગયા. જયારે પ્રિન્સ હેરીએ તો એવુ કહ્યું કે આ નિર્ણય લેવો તેમના માટે અઘરો હતો અને તે ઉતાવળે નહિ પરંતુ મહિનાઓ અને વર્ષોના ચિંતન બાદ હૃદય પર પથ્થર રાખીને લીધો છે.
અમુક સમય પહેલા સ્વીડનની પ્રિન્સેસે પણ રાજપરિવાર છોડીને સામાન્ય જીવન જીવવાનો નિર્ણય કરેલો. ખબર નહિ શા માટે પણ મેગાનની પ્રસિદ્ધિને કારણે આ ઘટનાને પ્રિન્સ હેરીની એક્ઝીટ ઓછી અને મેગાનની એક્ઝીટ વધારે માનવામાં આવી રહી છે. જો કે મેગક્ષિટ તો એક પારિવારિક મામલો હોવાથી જલ્દી ઉકેલાઈ જશે પરંતુ બ્રેક્ઝિટ ડીલ તો યુકેની પાર્લામેન્ટ ઉપરાંત યુરોપિયન યુનિયનનો પણ પ્રશ્ન છે. બંને કેવી રીતે સંમતિ સાધી શકે છે તે મોટું કામ છે પ્રધાનમંત્રી બોરિસ જોહન્સનના માથે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *