માઈકલ ફેલ્પ્સ અમેરિકાનો વિશ્વ પ્રસિદ્ધ તરવૈયો છે જે વિશ્વનો આજ સુધીનો સૌથી સફળ ઓલમ્પિક ખેલાડી પણ છે. અમેરિકા તરફથી ઓલમ્પિક માટે તરવાની સ્પર્ધામાં તેણે બીજિંગ ઓલમ્પિકમાં ૮ ગોલ્ડ મેડલ જીતીને વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો. અત્યાર સુધીમાં સૌથી વધારે મેડલ મેળવનાર આ ખેલાડીને કુલ ૨૮ ઓલમ્પિક મેડલ મળ્યા છે. ઓલમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરવા ઉપરાંત તેણે કેટલીય વિશ્વ તૈરાકી સ્પર્ધાઓમાં પણ વિજય મેળવ્યો છે અને રેકોર્ડ સ્થાપ્યા છે. તેના નામે અનેક ટાઈરાકીને લગતા વિશ્વ વિક્રમો છે. ઉપરાંત ગિનીઝ બુકમાં તેના નામે ૨૦ વિક્રમ સ્થાપિત છે, જે પણ કોઈ એક વ્યક્તિ માટે ખુબ મોટી સંખ્યા છે.
આ માઈકલ ફેલ્પ્સ જયારે ઓલમ્પિક માટે કે અન્ય સ્પર્ધા માટે તૈયારી કરતો, ટ્રેઇનિંગ કરતો ત્યારે તેની એક સ્ટ્રેટેજી રહેતી જે આજે અન્ય ક્ષેત્રોમાં પણ ખુબ પ્રખ્યાત અને ઉપયોગી બની છે. તેની રણનીતિ એવી હતી કે વાસ્તવિક સ્પર્ધામાં જતા પહેલા ન માત્ર પોતાની પુરી ક્ષમતાથી અને પોતાના પુરા કૌશલથી મહેનત કરવી પરંતુ જીત માટે માનસિક તૈયારી કરી લેવી. દરેક ખેલાડી આમ તો પોતાની ટ્રેઇનિંગ દરેમિયાન પોતાની ભૂલો સુધારવાની કોશિશ કરતા હોય છે, પોતાની સ્કિલ વધારવા પ્રયત્નરત હોય છે પરંતુ માઈકલ ફેલ્પ્સ ટ્રેઇનિંગ દરેમિયાન વાસ્તવિક સ્પર્ધાને ઈમેજીન કરીને તેના અંગે કલ્પના કરીને શું સમસ્યા આવી શકે, ક્યાં કંઈક ફેઇલ્યર આવી શકે તેને વિચારવાની અને તેના પર કેવી રીતે કાબુ મેળવવો તેના અંગે તૈયારી કરતો. ઉદાહરણ તરીકે બીજિંગ ઓલમ્પિકમાં સ્પર્ધા દરમિયાન તેના સ્વિમિંગ ગોગલ્સ લીક થયા અને પાણી આંખોમાં જવા લાગ્યું. આ સમયે જયારે તેને દેખાવું બંધ થયું ત્યારે તેણે કેટલા સ્ટ્રોકમાં તરવાનું અંતર પૂરું થશે તેની ગણતરી કરીને સ્પર્ધા જીતી હતી. તેણે તૈયારી દરમિયાન એ કલ્પના કરી રાખી હતી કે જો ગોગલ્સ લીક થઇ જાય તો કેવી રીતે તે સ્થિતિ પર નિયંત્રણ મેળવવું અને પોતાના પ્રદર્શનને અસરગ્રસ્ત ન થવા દેવું. આ માટે તેણે કેટલું અંતર તરવા માટે કેટલા સ્ટ્રોકની જરૂર પડશે તેની ગણતરી કરી રાખી હતી અને તે બીજિંગ ઓલમ્પિકમાં જયારે વાસ્તવમાં એવું સ્થિતિ ઉભી ત્યાંય ત્યારે મદદરૂપ બની.
માઈકલ ફેલ્પ્સની આ સ્થિતિને કાબુ બહાર જતી હોય તેવી કલ્પના કરી લેવાની અને તેના પર ફરીથી નિયંત્રણ મેળવવાની તરકીબો પહેલાથી જ ઘડી રાખવાની રણનીતિને કારણે જ તેણે આટલી સફળતા મેળવી તેવું કહી શકાય. કેમ કે કોઈ પણ રમતમાં કે સ્પર્ધામાં બધું જ આપણે ધાર્યું હોય તેવું થઇ શકતું નથી. ઘણીવાર નાની-મોટી પરિસ્થિતિ ઉભી થાય છે જેણે કારણે ખેલાડીના પ્રદર્શન પર માઠી અસર થઇ શકે છે. આવી સ્થિતિમાં કેવી રીતે પોતાનું શ્રેષ્ટ પ્રદર્શન જાળવી રાખવું તે ખેલાડી માટે મોટો પડકાર સાબિત થઇ શકે છે. પરંતુ માઈકલ ફેલ્પ્સની સ્ટ્રેટેજી અનુસાર ટ્રેઇનિંગમાં જ આવી પરિસ્થિતિકીય નિષ્ફળતા કે બદલાવને પહોંચી વળવાના ઉપાય ઘડી લેવા જોઈએ અને તેની તાલીમ લઇ લેવી જોઈએ.
ફેલ્પ્સની સ્ટ્રેટેજી અનુસાર માત્ર ટેલેન્ટ હોવું પૂરતું નથી. ટેલેન્ટની સાથે ત્રણ આદતો કેળવવી પણ આવશ્યક છે. ૧. વિઝન એટલે કે દૂરદર્શિતા ૨. મેન્ટલ રેહર્શલ એટલે કે માનસિક પૂર્વાભ્યાસ અને ૩. પ્રેક્ટિસ એટલે કે અભ્યાસ અથવા મહાવરો. સફળ પરિણામ એક સર્વસંપૂર્ણ આયોજનનું પરિણામ છે. તેમાં કઈ પણ કચાસ રહેવા દેવી ન જોઈએ. દરેક પ્રકારનું દ્રશ્ય દર્શન પહેલાથી જ મનમાં કરી રાખવું અને તેણે કેવી રીતે ઉકેલવું, નિયંત્રણમાં લેવું તે પણ તૈયારી રાખવી. તેના માટે દૂરદર્શિતા આવશ્યક છે. આવી દૂરદર્શિતા માનસિક પૂર્વાભ્યાસથી કેળવી શકાય છે અને તેના ઉકેલ પણ મેળવી શકાય છે. આ ઉકેલ અનુસાર અભ્યાસ કરવાથી પ્રેક્ટિસ કરવાથી આપણે સફળતાને વધારે ને વધારે સુનિશ્ચિત કરી શકીએ છીએ. જેટલો સચોટ અભ્યાસ, પ્રેક્ટિસ એટલા જ સચોટ આપણી ક્ષમતા અને કૌશલ.
ટૂંકમાં માઈકલ ફેલ્પ્સની સ્ટ્રેટેજી એ હતી કે કઈ જ ચાન્સ પર ન છોડવું. આવશે તેવું જોયું જશે તેવો અભિગમ ન રાખવો. કેમ કે જો આપણે માનસિક રીતે અલગ અલગ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર હોઈએ, તેના અંગે તાલીમ લીધી હોય તો જયારે વાસ્તવમાં એવી સ્થિતિ સામે આવીને ઉભી રહે ત્યારે ભય લાગતો નથી, માનસિક ગૂંચવણ ઉભી થતી નથી. એ તાળાની ચાવી આપણા ખિસ્સામાં હોય જ છે.