મધ્યયુગમાં આફ્રિકાના પૂર્વ કિનારે સ્વાહિલી ક્ષેત્રમાં સમુદ્ર વ્યાપાર ધીકતો હતો અને તેના પર નિયંત્રણ મેળવવા યુરોપ, આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશો પ્રયત્નશીલ હતા. તે સમયે આજના કેન્યાના મોમ્બાસા બંદર પર સોળમી સદીના અંત ભાગમાં કિલ્લો બનાવીને પોર્ટુગીઝ લોકોએ પોતાનું વર્ચસ્વ જમાવ્યું. ઇસ 1593 થી ઇસ 1596 દરમિયાન આ કિલ્લાનું બાંધકામ થયું. પોર્ટુગીઝ સમ્રાટ કિંગ ફિલિપ દ્વિતીયના આદેશ હેઠળ એક ઇટાલિયન સ્થાપત્ય જીઓવાની બતિસ્તા કેરાતીએ આ કિલ્લો બાંધ્યો. તેમાં સ્થાનિક લોકોના મહેનત અને મટીરીયલ નો પણ સારો એવો ઉપયોગ થયો હતો. રેનેશા યુગના એક નમૂનેદાર સ્થાપત્ય તરીકે આ કિલ્લો આજે પણ ઊભરી આવે છે. મોમ્બાસા બંદર પર આવેલો આ કિલ્લો ફોર્ટ જીસસ તરીકે ઓળખાય છે અને મધ્ય યુગમાં સ્વાહિલી કિનારાનું આંતરરાષ્ટ્રીય વ્યાપાર તેમજ રાજકારણ ક્ષેત્રે મહત્વ દર્શાવે છે.
કહેવાય છે કે આ કિલ્લો નવ વખત તૂટ્યો અને અલગ અલગ સત્તાઓના હાથમાં ગયો. પોર્ટુગીઝ લોકો પાસેથી ગયો ત્યાર બાદ તે ઓમાની સુલતાનના કબજામાં લગભગ 200 વર્ષ રહ્યો. ત્યારબાદ અંગ્રેજોએ પણ તેના પર પોતાનું પ્રભુત્વ જમાવ્યું અને તેને કેદખાના તરીકે ઉપયોગમાં લીધો. આખરે જ્યારે કેન્યાને ઇસ 1963માં બ્રિટિશ સામ્રાજ્યમાંથી સ્વતંત્રતા મળી ત્યારે તે કિલ્લો પણ બ્રિટિશ આધિપત્યમાંથી મુક્ત થયો. સ્થાનિક લોકોએ પોર્ટુગીઝ લોકોના આત્યાચારથી મુક્ત થવા ઓમની સુલતાનને પત્ર લખેલો અને તેના પ્રતિસાદ તરીકે ઓમાની સુલતાન પોતાનું સમુદ્રી સૈન્ય લઈને આ કિલ્લા પર ઘેરાવો કરવા આવ્યા હતા. બે વર્ષ સુધી ચાલેલા સમુદ્રી ઘેરાવ બાદ ઇસ ૧૬૩૧માં આખરે પોર્ટુગીઝ લોકોનો પુરવઠો ખૂટ્યો. સ્થાનિક લોકોનો સહકાર પણ બંધ થયો હોવાથી કિલ્લો ઓમની સુલતાન યુસુફ ઈબ્ન અલ હસનના હાથમાં આવ્યો. ત્યારબાદ ઇસ ૧૬૩૧ થી ઇસ ૧૮૯૫ સુધી આ કિલ્લાનો કબજો ઓમાન સલ્તનતના હાથમાં રહ્યો.
આ કિલ્લાનો કબજો કરવા માટે ન માત્ર સ્થાનિક રાજાઓ, પોર્ટુગીઝ સૈન્ય, ઓમાની સલ્તનત તથા બ્રિટિશ તાજ વચ્ચે જંગ ચાલ્યા પરંતુ તેમાં અફઘાનિસ્તાનના બલોચ લોકોનો પણ મોટો ફાળો રહ્યો છે. તેને કારણે જ આજે પણ મોમ્બાસામાં કેટલાય અફઘાન બલુચી લોકો વસે છે અને કિલ્લામાં તેમના માટે એક અલગ પ્રદર્શન ક્ષેત્ર રાખવામાં આવ્યું છે. આજથી 500 વર્ષ પહેલા પણ આ ક્ષેત્રનું આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં તેમજ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કેટલું મહત્વ હતું તેનો પુરાવો બનીને આધારે ૨.૩૬ હેક્ટરમાં ઊભેલો આ કિલ્લો આજે યુનેસ્કોની યાદીમાં સમાવિષ્ટ સ્મારક તથા લોકપ્રિય પ્રવાસી આકર્ષણ તરીકે મોભો ધરાવે છે.
કિલ્લામાંથી સમુદ્રમાં જવા માટેનો માર્ગ છે. ભોંયરા છે અને શસ્ત્ર સરંજામનો જથ્થો છે. તે સમયમાં ઉપયોગમાં લેવાતા સાત તોપ મોજુદ છે. તેનો ઉપયોગ કરીને કિલ્લેવાસી સમુદ્રમાંથી પસાર થતા જહાજોને તોડી પાડતા હતા અને સમુદ્રી વ્યાપાર પર કબજો – મોનોપોલી રાખતા હતા. ધીમે ધીમે આ વ્યાપાર પરનું આધિપત્ય યુરોપિયનના હાથમાંથી છટકીને ઓમાનીઓના અને ત્યારબાદ ફરીથી બ્રિટિશ હકુમતના હાથમાં આવ્યું. આ ત્રણેય શાસનની અસર પણ આફ્રિકાના સ્વાહિલી ક્ષેત્રમાં જોવા મળે છે. ઓમાની અસરને કારણે ત્યાંના મોટાભાગના લોકોએ ઇસ્લામ અંગીકાર કર્યો હતો. અરેબીક શબ્દો અને રીતરીવાજો પણ મોમ્બાસા ક્ષેત્રમાં પ્રચલિત છે. ભારત સાથે ચાલતા સમુદ્રી વ્યાપારના અંશ અને અવશેષ પણ કિલ્લામાં મોજુદ છે.
ખ્રિસ્તી ક્રોસના આકારમાં બનાવાયેલ આ કિલ્લો આફ્રિકાના સ્વાહિલી ક્ષેત્રની તે સમયની જાહોજલાલીનો પુરાવો છે. તેના પર શાસન કરનાર અલગ અલગ સામ્રાજ્ય તો જતા રહ્યા પરંતુ આ કિલ્લો આજે પણ તેમની ઐતિહાસિક કથા કહેતો અડીખમ ઉભો છે.