કોઈ જાસૂસી નવલકથા વાંચો કે પછી ક્રાઇમ થ્રિલર ફિલ્મ જુઓ ત્યારે પોલીસ કે ડિટેક્ટિવ ગુનો કરનાર અંગે એક પ્રશ્ન જરૂર ઉઠાવે છે કે ગુનેગારનો મોટીવ – હેતુ, ઉદેશ્ય શું હશે? શા માટે તેણે આ ગુનો કર્યો હશે? આ પ્રશ્ન ન માત્ર ગુના અંગે પરંતુ માણસની દરેક ક્રિયા અંગે કરી શકાય. આપણા વર્તન માટે સામાન્ય રીતે કોઈને કોઈ ઉદેશ્ય જવાબદાર હોય છે. ભોજન કરવા માટે ભૂખ સંતોષવાનો ઉદેશ્ય, નોકરી-ધંધો કરવા માટે પૈસા કમાવાનો ઉદેશ્ય, વ્યાયામ કરવા માટે તંદુરસ્તી જાળવવાનો હેતુ જવાબદાર છે. જો વ્યક્તિના હેતુ, ઉદેશ્ય, મોટિવને સારી રીતે સમજી શકાય તો તેની દરેક ક્રિયા અને તેની પાછળનું કારણ જાણી શકાય.

આ હકીકત કોઈ નવી શોધ નથી. ગ્રીક ફિલોસોફર એરિસ્ટોટલ દ્વારા આ વિષય પર વધારે સચોટ માર્ગદર્શન મળ્યું છે. તેમણે વ્યક્તિના દરેક કાર્ય પાછળ દર્દ અટકાવવાનો કે આનંદ મેળવવાનો ઉદેશ્ય હોય છે તેવું જણાવ્યું છે. આ જ બાબત એકાદ સદી પહેલા સિગ્મન્ડ ફ્રોઈડ નામના મનોવૈજ્ઞાનિકે ફરીથી વધારે વિગતવાર સમજાવી. વ્યક્તિ દરેક ક્રિયા દુઃખ ટાળવા માટે, દર્દ રોકવા માટે અથવા તો આનંદ મેળવવા, ખુશી પ્રાપ્ત કરવા માટે કરતો હોય છે. પોતાનો બચાવ કરવા માટે કોઈનું ખૂન કરવું એ દર્દ અટકાવવાનો ઉદેશ્ય બતાવે છે જયારે કોઈ વ્યક્તિ બળાત્કાર કરે ત્યારે તેની પાછળ તેનો આનંદપ્રાપ્તિનો વિકૃત ઈરાદો હોય છે. ક્યારેક બદલાની ભાવના પણ માનસિક આનંદની ભાવના જગાવતી હોવાથી ગુના માટેનું કારણ બને છે.

આપણી દરેક ક્રિયા, સારી હોય કે ખરાબ, તેને આ દર્દ અટકાવવાનો અને આનંદ મેળવવાના સિદ્ધાંત સાથે સરખાવી શકાય છે. વ્યક્તિ નોકરી ધંધો કરે છે અને અઢળક ધન કમાવા પ્રયત્ન કરે છે તેની પાછળનો ઉદેશ્ય પૈસાથી પ્રાપ્ત થતો આનંદ મેળવવાનો અને ગરીબીને કારણે પડતી તકલીફ અટકાવવાનો હોય છે. કોઈની સાથે મિત્રતા કરવી આનંદ મેળવવા માટે હોય છે. પ્રેમ સંબંધ અને લાગણીના બંધનો આનંદ માટે હોય છે જયારે લગ્નસંબંધોનું તૂટવું કે લડાઈ-ઝગડા સંબંધમાંથી મળતું દર્દ અટકાવવા માટે થતા હોય છે. વ્યક્તિની પ્રવૃતિઓ માટે અનેક મોટીવ જવાબદાર હોય છે અને તેનું મૂળ હંમેશા આ બે બાબતોમાં નીકળે છે તેવું આ તારણ રસપ્રદ છે અને મહદંશે સાચું પણ છે.

વ્યક્તિની દરેક ક્રિયા વિચારપૂર્વકની, આયોજનપૂર્વકની હોય તે પણ જરૂરી નથી. હંમેશા એવું બનતું નથી કે માણસ દશ વર્ષનું લાબું પ્લાંનિંગ કરીને ચાલે. લાંબાગાળાની યોજનાઓમાં તો હંમેશા એવો ઉદેશ્ય જ હોય છે કે જીવનમાં ઓછામાં ઓછી કપરી પરિસ્થિઓ આવે અને મહત્તમ આનંદ માણી શકાય. સારું ઘર બનાવવું, સારી કાર ખરીદવી, કારકિર્દીનું આયોજન કરવું અને આરોગ્ય જાળવવું આવા જ ઉદેશ્યથી કરવામાં આવતી પ્રવૃતિઓ છે. ઉપરાંત જયારે આપણે કોઈ ઘટનાની પ્રતિક્રિયારૂપ પ્રવૃત્તિ કરીએ છીએ તેની પાછળ વિચાર તથા આયોજન ન હોવા છતાં તેની પાછળ આપણી જૈવધાર્મિક ક્રિયા જવાબદાર હોય છે. જેમ કે અચાનક ગરમ સપાટી પર હાથ પડી જાય તો ઝટકાથી હટાવી લેવો કે પછી કોઈ સમયે ખતરો જણાય તો બચાવ માટે કરતો પ્રયત્ન આખરે તો આવનારા દર્દ કે દુઃખને અટકાવવા માટે જ હોય છે ને? મનભાવતી વાનગી જોઈને તેને ખાવા મન લલચાય તે આનંદ મેળવવા માટેની ઈચ્છાથી પ્રેરિત છે.

આ નુકસાન કે લાભ ધન, સુરક્ષા, લાગણી, માનસિકતા કે પછી માન્યતા સંબંધી હોઈ શકે છે. જેમ કે કોઈને વધારે પૈસા કમાવા હોય કે ઇજાથી બચવું હોય, કે પોતાના પ્રિય વ્યક્તિ માટે કશું કરવું હોય, પોતાના માનસિક સંતોષ માટે કે શાંતિ માટે પ્રયત્ન કરવો હોય કે પછી કોઈ ધાર્મિક કે અન્ય માન્યતા અનુસાર આચરણ કરીને આધ્યાત્મિક લાભ મેળવવો હોય કે નુકશાન થતા બચાવવું હોય તેવું બની શકે.

ક્યારેક આવા દર્દ અટકાવવાના કે આનંદ મેળવવાના પ્રયત્ન ક્ષણિક હોય છે અને તાત્કાલિક પ્રવૃત્તિ દ્વારા થોડા સમય માટે પરિણામ મેળવવા આપણે સક્રિય થતા હોઈએ છીએ અને અમુકવખતે આવા દર્દ અટકાવવાના અને આનંદ મેળવવાના પ્રયત્ન લાંબાગાળા માટે હોઈ શકે અને તેની પાછળ આપવામાં આવતો સમય અને મહેનત પણ વધારે લાંબા સમય સુધી ચાલતા હોય છે. તમે પણ પોતાની પ્રવૃતિઓ અને ક્રિયાઓ અંગે જો વિશ્લેષણ કરશો તો કદાચ આ જ તારણ પર આવશો કે તેની પાછળ કોઈ મુસીબતને રોકવાનો કે કોઈ લાભ પ્રાપ્ત કરવાનો ઉદેશ્ય જવાબદાર હશે.

Don’t miss new articles