ટાન્ઝાનિયામાં આવેલો માઉન્ટ કિલિમાન્જારો આફ્રિકાનો સૌથો મોટો પહાડ તો છે જ પરંતુ એકલવાયા (કોઈ પર્વતમાળાનો ભાગ ન હોય તેવા) પહાડોમાં દુનિયાનો સૌથી ઊંચો પર્વત પણ તે જ છે. સુષુપ્ત વોલ્કેનો – લાવા – ધરાવતા કિલિમાન્જારોની ઊંચાઈ સમુદ્રતળથી ૫,૮૯૫ મીટર (૧૯,૩૪૧ ફૂટ) અને તેના ઉચ્ચપ્રદેશ સમતલથી ૪,૯૦૦ મીટર (૧૬,૧૦૦ ફૂટ) છે. કિલિમાન્જારોમાં ત્રણ વોલ્કેનિક શંકુ છે: કિબો, માવેનઝિ અને શીરા. માઉન્ટ કિલિમાન્જારોના કિબો શિખર પર બારેમાસ બરફ છવાયેલો રહે છે. કિલિમાન્જારો વિષે યુરોપિયનોને લગભગ ઈ.સ. ૧૮૪૮માં જયારે જર્મન મિશનરી જોહાનેસ રેબમાં અને જોહ્ન લુડવિગ ક્રાફટ આવ્યા ત્યારથી જાણકારી હતી પરંતુ વિષુવવૃત્તની નજીક આફ્રિકામાં બરફાચ્છાદિત પર્વતના શિખરો હોઈ શકે તે વાત યુરોપમાં લોકો માનવ તૈયાર જ નહોતા. અમુક વર્ષો સુધીની યુરોપિયનોની આ વિસ્તારની અવરજવર બાદ જયારે આ વાત વધારે પ્રસ્થાપિત થઇ ત્યારે યુરોપના લોકોએ સાશ્ચર્ય આ હકીકત સ્વીકારેલી. કિલિમાન્જારોના કિબો શિખરને સૌથી પહેલા જર્મન ભૂગોળવિદ હંસ મેયર અને ઓસ્ટ્રિયન પર્વતારોહક લુડવિગ પુરતશેલારે સર કરેલું.


કિલિમાન્જારોના અલગ અલગ અર્થ કરવામાં આવે છે. પરંતુ તેમાં બે અર્થ વધારે યોગ્ય જણાય છે: કારવાંનો પહાડ – કેમ કે કિલિમા એટલે પહાડ અને જારો એટલે કારવાં. બીજો સ્વીકાર્ય અર્થ છે મહાનતાનો પહાડ – કિલિમા એટલે પહાડ અને નજારો એટલે મહાનતા. માઉન્ટ કિલિમાન્જારોના કિબો શિખર પર બારેમાસ બરફ છવાયેલો રહે છે અને તે દૂરથી પણ દેખાય છે. સપાટ શિખર ટોંચ વાળો આ પર્વત દૂર દૂરથી પણ સ્પષ્ટ નજરે ચડે છે. કેન્યાના એમ્બોસેલી નેશનલ પાર્કમાંથી પણ માઉન્ટ કિલિમાન્જારો જોઈ શકાય છે. માઉન્ટ કિલિમાન્જારોની આસપાસના વિસ્તારને વર્ષ ૧૯૭૩માં માઉન્ટ કેન્યા નેશનલ પાર્ક તરીકે રિઝર્વ કરી દેવામાં આવેલો અને તેનો સમાવેશ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેઝ સાઈટમાં પણ ઈ.સ. ૧૯૮૭માં થઇ ગયો છે.

પર્વતારોહણ માટે કિલિમાન્જારો એક ખુબ મહત્ત્વપૂર્ણ શિખર છે જેને સર કરવા દુનિયાભરના પર્વતારોહકો અહીં આવે છે. પર્વતારોહણમાં રસ ધરાવતા લોકોને ખ્યાલ હશે કે સેવન સમિટસ (સાત શિખરો) ચેલેન્જ અને વોલ્કેનિક સેવન સમિટસ ચેલેન્જમાં માઉન્ટ કિલિમાન્જારોનો સમાવેશ થાય છે. જો કે આ સાત શિખરોમાં અલગ અલગ નિષ્ણાતોના મંતવ્યો થોડા જુદા પડે છે પરંતુ એશિયામાં એવરેસ્ટ, આફ્રિકામાં કિલિમાન્જારો, ઉત્તર અમેરિકામાં ડેનાલી, એન્ટાર્કટિકામાં વિન્સન, યુરોપમાં એલ્બ્રસ અથવા મોન્ટ બ્લાન્ક, દક્ષિણ અમેરિકામાં અકોંકાગુઆ, અને ઓસ્ટ્રેલિયામાં કોઝિસઝકો અથવા પપુઆ ન્યુ ગિનીમાં આવેલ માઉન્ટ વિલ્હેમનો સમાવેશ થાય છે. આ સેવન સમિટ ચેલેન્જ સૌ પ્રથમ ૩૦મી એપ્રિલ ૧૯૮૫માં રિચાર્ડ બાસ દ્વારા સર કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ અનેક પર્વતારોહકોએ આ સેવન સમિટ ચેલેન્જ સફળતાપૂર્વક સર કરી છે અને એટલા માટે હવે કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે સેવન સમિટ તો આજકાલ સામાન્ય બની ગઈ છે. નવી ચેલેન્જ છે ‘એક્સપ્લોરરઝ ગ્રાન્ડ સ્લેમ – જેમાં સાત શિખરો ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ધ્રુવ સર કરવાનું પણ શામેલ છે.

વોલ્કેનિક સેવન સમિટ – વોલ્કેનો – લાવા – ધરાવતા સાત શિખરોમાં પૃથ્વીના સાતેય ખંડના સૌથી ઊંચા શિખરોને શામેલ કરવામાં આવે છે – આફ્રિકા પ્લેટમાં કિલિમાન્જારો, એન્ટાર્કટિક પ્લેટમાં વિન્સન, ઑસ્ટ્રેલિયા પ્લેટમાં પંકક જાય કે કોઝિસઝકો, યુરેસિયા પ્લેટમાં માઉન્ટ એવરેસ્ટ, ઉત્તર અમેરિકન પ્લેટમાં ડેનાલી, પેસિફિક પ્લેટમાં મૌના કેયા અને દક્ષિણ અમેરિકન પ્લેટમાં અકોંકાગુઆ શિખરોનો સમાવેશ થાય છે. આ ચેલેન્જ સૌ પ્રથમ ૧૯૯૯માં સર થયેલી અને ત્યારથી ઘણા પર્વતારોહકો આ સાતેય લાવાયુક્ત શિખરોને સર કરવા દર વર્ષે નીકળતા હોય છે.

કિલિમાન્જારો વિસ્તાર ટાન્ઝાનિયાનો એક ઉત્તમ ફળદ્રુપ વિસ્તાર છે જ્યાં કોફી, જવ, ઘઉં, સાકર, મકાઈ, કેળા, કપાસ, બટાટા વગેરે પાક થાય છે. આ વિસ્તારમાં મુખ્યત્વે ચાંગા, પારે, કાહે અને બુંગુ લોકો વસે છે. ટાન્ઝાનિયામાં પણ મુખ્યત્વે સ્વાહિલી ભાષા બોલવામાં આવે છે. માઉન્ટ કિલિમાન્જારો અને સેરેંગીટી નેશનલ પાર્ક ટાન્ઝાનિયાના તાજના બે રત્નો કહી શકાય કેમ કે વિશ્વભરમાંથી લોકો કિલિમાન્જારો માટે અને સેરેંગીટી નેશનલ પાર્ક માટે તાન્ઝાનિયા આવે છે.