
કેન્યાના લોકોને સંગીતનો ખુબ શોખ છે. સ્થાનિક આદિવાસી નૃત્ય અને સંગીત ઉપરાંત પૉપ, ઝાઝ, બ્લુ વગેરે પણ અહીંના લોકો ખુબ પસંદ કરે છે. અંગ્રેજી બોલતી પ્રજા હોવાને કારણે હોલીવુડ અને ઇન્ટરનેશનલ ફિલ્મ એન્ડ મ્યુઝિક સાથે જલ્દીથી તાદાત્મ્ય સાધી લે છે. ઉપરાંત બ્લેક લાઇવ્સ મેટ્રેસ બાદ હોલીવુડમાં પણ ઓછામાં ઓછા ૨૫% લોકો ફિલ્મમાં બ્લેક હશે તેવું હોલીવુડે સ્વેચ્છાએ જાહેર કરેલું ત્યારથી આફ્રિકન લોકો વધારે ફિલ્મોમાં દેખાવા લાગ્યા છે.
કેન્યાનું લોક સંગીત અને સ્થાનિક ભાષાઓમાં છે અને ઘણા સમયથી તે વૈશ્વિક અસરથી પ્રભાવિત થઇ રહ્યું છે. ગિટાર અહીંના સંગીતમાં ખુબ વપરાય છે. હકીકત તો એ છે કે ૧૯મી સદીથી જ કેન્યામાં ગિટાર લોકપ્રિય છે. આફ્રિકાના અન્ય દેશો પહેલા અહીં ગિટાર આવી ગયેલું અને સંગીત માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું.
કુંડી કોન્ડે નામનો ગિટારિસ્ટ ખુબ પ્રખ્યાત હતો. અત્યારે ગિટાર દ્વારા સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બીટ્સનું ફ્યુઝન કરવામાં આવે છે. કેન્યા અને યુગાન્ડાના સંગીતકારો વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ આર્મીમાં કિંગની આફ્રિકન રાઇફલ બટાલિયનમાં મનોરંજક તરીકે કામ કરતા હતા. વિશ્વયુદ્ધ બાદ આ સંગીતકારોએ રાઈનો બેન્ડ બનાવેલું અને તે ઘણા વર્ષો સુધી અફ્રિકાનનું સૌથી વધુ લોકપ્રિય બેન્ડ રહ્યું. બાદમાં તેના સંગીતકારો અલગ પડ્યા અને તેમાંથી અનેક નાના મોટા બેન્ડ બનેલા. તે પૈકીનું એક વધુ લોકપ્રિય બેન્ડ હતું કીકો કિડ્સ.
કેન્યા ઉપરાંત કોંગો, જમૈકા વગેરે ક્ષેત્રોમાં પણ આ પ્રકારનું સંગીત ખુબ વિકસ્યું છે. હવે નાઈજીરિયા પણ સંગીત ક્ષેત્રે ખુબ આગળ નીકળી રહ્યું છે. નાઈજીરિયા આફ્રિકાની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને ત્યાં તો ફિલ્મ તથા ટીવી સીરીઅલ પણ ખુબ બને છે. આફ્રિકાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ગઢ નાઈજીરિયા છે. કેન્યામાં ફિલ્મો એટલી બનતી નથી પરંતુ હવે સરકાર ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે નવી નવી આકર્ષક યોજનાઓ લાવવાનું વિચારી રહી છે.
કેન્યામાં સંગીતનો એક ખુબ સરસ પ્રયોગ થયો છે – ઘેટો ક્લાસિક. ઘેટો ક્લાસિક ગ્રુપની ખાસિયત એ છે કે તે કેન્યાની ડંડોરા ઝુપડપટ્ટી વિસ્તારમાં વિકસ્યું છે. ડંડોરા અને કોરોગોચો ઝુપડપટ્ટીમાં ગરીબાતિગરીબ લોકો વસે છે અને તેમની પાસે પાયાની સવલતો પણ નથી. કચરાનો ડુંગર બનેલો છે જેમાં નૈરોબી અને આસપાસના શહેરોનો કચરો ઠાલવવામાં આવે છે. ડંડોરા સ્લમમાં વસતા લોકો કચરાના ઢગલામાંથી આવતી બદબુ સહેવા ટેવાઈ ગયેલા છે પરંતુ તેનાથી ત્યાંના બાળકો અને યુવાનોમાં રહેલો કૈંક કરવાનો જુસ્સો ખતમ થયો નથી.
વર્ષ ૨૦૦૭માં કોરોગોચો ઝૂંપડપટ્ટીમાં ઘેટો કલાસિક ઓર્કેસ્ટ્રાની શરૂઆત થઇ. એલિઝાબેથ નજોરોગે દ્વારા આ ગ્રુપની શરૂઆત કરવામાં આવી ત્યારે માત્ર ૧૪ વિદ્યાર્થીઓ તૈયાર થયા હતા. સંગીત દ્વારા લોકોનું જીવન બદલાઈ શકે છે અને તેની સકારાત્મક અસરથી અભાવમાં અને ઝૂંપડપટ્ટીમાં જીવતા લોકોમાં પણ આશા જગાવી શકાય છે તેવા વિશ્વાસથી તેણે ઘેટો ક્લાસિક શરુ કરેલું. આ ઘેટો ક્લાસિકમાં આજે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. ઝૂંપડપટ્ટીના બાળકો અને યુવાનો ગેરકાનનૂની કામમાં ન પડે અને તેમને ઈજ્જતની જિંદગી મળી રહે તે ઉદેશ્ય આ ગ્રુપ પૂરો કરી રહ્યું છે. બાળકોના ટેલેન્ટને કારણે આ ગ્રુપ ખુબ લોકપ્રિય પણ બની રહ્યું છે. તાજેતરમાં અનન્ય પાલ પ્રોડક્શન દ્વારા ઘેટો ક્લાસિકનો એક શો જલારામ ઓડિટોરિયમમાં કરવામાં આવેલો જ્યાં ચાલીસેક આ ગ્રુપના ચાલીસેક લોકોએ પ્રસ્તુતિ કરેલી. લોકોએ તેમના પર્ફોર્મન્સને વધાવ્યું અને વખાણ્યું હતું.
ઘેટો ક્લાસિક ગ્રુપે કેન્યાના પૂર્વ પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટ્ટા અને પૉપ ફ્રાન્સિસ સામે પણ પરફોર્મન્સ આપ્યું છે અને તેમની પ્રસંશા મેળવી છે. ઘેટો ક્લાસિક કેટલાય લોકો માટે પ્રેરણા બની રહ્યું છે.