માત્ર સફળતા માટે જ નહિ, સમપ્રમાણતા અને સંપન્નતા માટે પણ સકારાત્મકતા, પ્રેરણા જરૂરી છે
ગાડી દોડતી રહે એટલા માટે ઇંધણની જરૂર પડે છે. શરીર ચાલતું રાખવા માટે ખોરાક અને ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ ચલાવવા માટે વીજળી અથવા ચાર્જિંગ જરૂરી છે. તેવી જ રીતે આપણો ઉત્સાહ બની રહે, સકારાત્મકતા બની રહે એટલા માટે મોટિવેશન – પ્રેરણા આવશ્યક છે. ક્યારેક આપણે એવા ભ્રમમાં હોઈએ છીએ કે ડિપ્રેશ હોય, હતાશ હોય એને જ મોટેવેશન આપવું પડે. નહીંતર તો સૌ કોઈ સેલ્ફ મોટીવેટેડ જ હોય છે. પરંતુ એવું નથી. પ્રેરણા, સકારાત્મકતા માનસનો ખોરાક છે, ઇંધણ છે, ચાર્જિંગ છે. તેનો પૂરતો ડોઝ સતત ન મળે તો સમાજમાં ફેલાયેલી નકારાત્મકતા આપણી અંદર પેસી જાય. જેમ બોટલને પુરી પાણીથી ન ભરો તો તેમાં હવા ભરાય જાય તેવી જ રીતે માનસમાં સકારાત્મકતા અને પ્રેરણાનો ડોઝ ભરપૂર ન રાખીએ તો ખાલી પડેલી જગ્યામાં સમાજમાં પ્રસરતી હતાશા અને નિરાશા પેશી જાય.
તેમ છતાંય સમાજમાં લોકોના મનમાં કેટલીય ભ્રમણા હોય છે જેને દૂર કરવી જરૂરી છે અને મોટીવેશનની આવશ્યકતા અંગે જાગૃતિ લાવવા સિવાય છૂટકો નથી। લોકોની કેટલીક ગેરસમજ અને તેના સમાધાન કૈંક આવા હોઈ શકે:
હું સેલ્ફ મોટીવેટેડ છું, મને બહારથી મોટીવેશનની જરૂર નથી: હા, મોટાભાગે લોકો સેલ્ફ મોટીવેટેડ હોય છે. કેમ કે પ્રેરણા અને મોટિવેશન આખરે તો પોતાની અંદર જ જગાવવા પડે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે સેલ્ફ-મોટીવેશનના માટેના કારણો અને પરિબળો બહારથી ન મળે. આ આંતરિક પ્રેરણાને જીવંત રાખવી જરૂરી છે. પોતાના તેલથી બળતો દીવો પણ પવનથી બુઝાય જાય છે. તેમ આપણું પોતાનું ઇન્સ્પિરેશન પણ વધારે નિરાશાજનક પવન ફૂંકાતા શમી જાય તેવું બને. એટલા માટે પોતાની સકારાત્મકતાનો જાળવી રાખવા, જુસ્સો જ્વલંત રાખવા સારું વાંચન કરવું, સારા લોકોની સંગત કરવી અને સારા વિચારો કરવા.
હું મોટિવેશનલ લેખ કે પુસ્તક વાંચીશ તો લોકો મને કમજોર કે ડિપ્રેશ ગણશે: ઘણીવાર એવું બને કે જે વ્યક્તિ પ્રેરણાદાયી પુસ્તકો કે લેખો વાંચતી હોય તેને લોકો ચીડવવા સારું બોલતા હોય કે ‘મોટીવેશનની જરૂર ડિપ્રેશ લોકોને પડે’. ક્યારેક લોકો એવું પણ કહે કે ‘આવી ચોપડીઓ વાંચીને કોઈ અંબાણી કે બફેટ નથી બનતું’. સાચી વાત. ચોપડી વાંચીને ન બનાય, પરંતુ તેમાંથી પ્રેરણા તો મળે ને? અને બધાને જીવનમાં અંબાણી કે બફેટ બનવાની જરૂર નથી. બધા લોકોનું લક્ષય નાણાકીય સફળતા ન હોઈ શકે. આખરે સર્વાંગી જીવન ચાર સ્તંભો પર સ્થિત છે: આરોગ્ય, કારકિર્દી, પરિવાર અને આધ્યાત્મ.
મારે તો સામાન્ય જીવન જીવવું છે, મારે ક્યાં અબજોપતિ બનવું છે?: સૌથી મોટી ભ્રમણા એ છે કે પ્રેરણા અને સકારાત્મકતા ને લોકો અપ્રતિમ સફળતા સાથે સાંકળે છે. સકારાત્મક વિચારસરણીની જરૂર સફળતા માટે જ નહિ પરંતુ સમપ્રમાણતા માટે પણ છે. સમપ્રમાણતા એટલે સર્વાંગી જીવન. ભલે બધું જ થોડા થોડા પ્રમાણમાં હોય, પરંતુ તે સમપ્રમાણ હોય તે આવશ્યક છે. જે લોકો આવી સમજ કેળવવામાં પાછળ રહી જાય છે તેઓ કોઈ એક ક્ષેત્રમાં તો ખુબ આગળ નીકળી જાય પરંતુ બાકીના પાસા નબળા રહી જવાથી આખરે હતાશાનો શિકાર બને છે. માઈકલ જેક્સન તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે.
માનસિક આરોગ્ય ન સમજવાને કારણે આપણે સકારાત્મકતા પ્રત્યે નિરાશ છીએ: સાચી વાત એ છે કે આપણે લોકો માત્ર શારીરિક આરોગ્ય અંગે ચિંતા કરીએ છીએ. બીમાર નથી થતા એટલે તંદુરસ્ત છીએ તેવી સંકલ્પના આપણે આરોગ્ય અંગે બનાવી લીધી છે, આપણને સવારે ઉઠીને ઓફિસે જવાનો ઉત્સાહ ન થતો હોય, પરિવારના લોકો માટે ઉમંગ ન ઉભરાતો હોય, મિત્રોને મળવાનું મન ન થતું હોય અને લોકોની વચ્ચે જઈને આપણે અનકમ્ફર્ટ ફીલ કરતા હોઈએ તો મોટિવેશન અને ઇન્સ્પિરેશન જરૂરી છે. સકારાત્મકતા અને સામાજિકતા એકબીજાના પૂરક છે.
પોઝિટિવિટી – સકારાત્મકતા, મોટિવેશન કે ઇન્સ્પિરેશન – પ્રેરણા, અંતઃસ્ફૂર્ણા અને અફર્મેશન – પુષ્ટિ વગેરે જીવનમાં ખોરાક અને પાણી જેટલા જ જરૂરી છે. તેને અવગણીને આંતરિક સંઘર્ષમાં સંપડાવા કરતા તેમને એક આદત બનાવી લેવાથી જીવનમાં સફળતા ઉપરાંત સંપન્નતા અને સમપ્રમાણતા પ્રાપ્ત કરી શકાય છે.